Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

લાં..બા સમય બાદ બુલડોઝર ધણધણ્યું કોઠારીયા વિસ્તારમાંથી ૧૮.૪૦ કરોડની જમીન ખુલ્લીઃ ડિમોલીશન

વોર્ડ નં. ૧૮માં વાણીજ્ય, ડી.પી. રોડ, ટી.પી. રોડ સહિતના પ્લોટ પર ખડકાયેલ ૬-દુકાનો, ૩૫ ઝુપડા, ૩ વંડા, ઔદ્યોગિક બાંધકામો તથા કમ્પાઉન્ડ વોલના દબાણો હટાવાયાઃ ચૂસ્ત વિજીલન્સ પોલીસ બંદોબસ્તઃ લોકોના ટોળેટોળા ઉમટયાં

(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૮ :. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૮માં જુદી જુદી જગ્યાએ ટી.પી. રોડ, રીઝર્વેશન તેમજ વાણિજ્ય હેતુના પ્લોટમાં થયેલ ગેરકાયદેસર ઝૂપડા, દુકાનો, કમ્પાઉન્ડ વોલ, કારખાનાઓ સહિતના દબાણો દૂર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ ડીમોલીશનમાં કુલ ૯૦૫૦ ચો.મી. રૂ. ૧૮.૪૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી એમ.ડી. સાગઠીયાએ જણાવ્યુ હતુ કે, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની સૂચના મુજબ વોર્ડ નં. ૧૮ના વિવિધ વિસ્તારમાં તંત્રના પ્લોટમાં ખડકાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કોઠારીયા રોડ પર વોર્ડ નં. ૧૮ની ઓફિસ પાસે ૪૫ મી. તથા ૧૮ મી. ડી.પી. રોડ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને ફાળવેલ પ્લોટ પરના ૩૫ ઝૂપડા, કોઠારીયા શાળા પાસેથી પસાર થતા ૧૮ મી. ડી.પી. રોડ પર ૬ દુકાન, ટી.પી.સ્કીમ નં. ૧૨ (કોઠારીયા)ના અંતિમ ખંડ નં. ૨૨-એ વાણિજ્ય વેચાણમાંથી ૩ વંડાઓ, સ્વાતિ પાર્ક મે. રોડના છેડે ૧૨ મી. ટી.પી. રોડ પર ઔદ્યોગીક પાંચ બાંધકામો તથા નેશનલ હાઈવેથી શરૂ થતા ૨૦ મીટર ટી.પી. રોડ પરની કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એ.એમ.વેગડ જી.ડી.જોષી જે.જે.પંડયા તથા અન્ય ીપી સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ ઉપર શોશની શાખા તથા જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ આ ડીમોલીશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ ઉપસ્થિત રહયા હતા.(૨.૩૨)

 

(3:56 pm IST)