Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સિનર્જી હોસ્પિટલની બાજુમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર

રાજકોટમાં પારસધામ સંકુલ નિર્માણ પામશેઃ રવિવારે પૂ.નમ્રમુનિ મ.સા.ની ૨૮મી દીક્ષા જયંતિઃ સંયમ અભિવંદના

ગાદીપતિ પૂજય શ્રી ગિરીશમુનિ મ.સા.ના જીવન કવન પર આધારિત મહાનાયક સ્મૃતિ ગ્રંથનું વિમોચનઃ સવા લાખ નકારમંત્રના જાપનું અનુષ્ઠાન

રાજકોટ,તા.૮: મુંબઈ, બરોડા, જામનગર, કોલકત્તા જેવા ક્ષેત્રોમાં પારસધામ અને પાવનધામ રૂપી સેવા અને સાધનાના ધર્મસંકુલોના પ્રેરક, જન સમાજ માટે શ્રદ્ઘા-આસ્થાના કેન્દ્ર સ્થાપિત કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ૨૮ મી દીક્ષા જયંતિ ઉપલક્ષે સંયમ અભિવંદના અવસરની ઉજવણી સાથે રાજકોટ નગરીમાં નવા પારસધામના સર્જનની તૈયારીઓ થઈ રહી છે.

સંસારનો ત્યાગ કરીને સંયમની ઉત્કૃષ્ટ સાધના જીવનના ૨૮ વર્ષ પરિપૂર્ણ કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ હજારો હ્નદયમાં ગુરૂના શ્રદ્ઘા સ્થાન પર બિરાજમાન થઈને, ૩૪-૩૪ આત્માઓને સંસારથી ઉગારી દીક્ષાના દાન દઈને દીક્ષાદાનેશ્વરીના પરમ ઉપકારી પદ સાથે સંયમના ૨૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે તેમના ચરણમાં શુભેચ્છા વંદના અર્પણ કરતાં સંયમ અભિવંદના અવસર કાર્યક્રમનું આયોજન તા.૧૦ને રવિવારે, સવારે ૯ કલાકે રાજકોટમાં શ્રી મારૂતી પટાંગણ, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટનાં આંગણે આયોજિત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાંદિવલી, દ્યાટકોપર, રાજકોટ, બરોડા, જામનગર અને કોલકતા જેવા અનેક ક્ષેત્રોમાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીની પ્રેરણાથી સ્થાપિત થએલાં પારસધામ અને પાવનધામ ધર્મ સંકુલો આજે માનવતા, સેવા, જીવદયા અને આત્મસાધનાની અનેકવિધ પ્રવૃતિઓથી ન માત્ર ધમધમી રહ્યાં છે પરંતુ જૈન -જૈનેતર હજારો ભાવિકો માટે શ્રદ્ઘા-આસ્થા અને જીવન જીવવાના એક લક્ષ્યનું કેન્દ્ર સ્થાન બની રહ્યાં છે.

ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયોજિત થતાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, આઈ ચેક અપ કેમ્પ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે થતાં ફ્રી એજયુકયુશનલ સેમિનાર, બ્લડ ડોનેશન કેમ્પ, વૃદ્ઘો માટે શુદ્ઘ સાત્વિક ભોજન માટે પરમ ટિફિન સહાય, આદિ અર્હમ યુવા સેવા ગ્રુપની અનેકવિધ સેવાક્રીય પ્રવૃતિઓ જયાં કરવામાં આવે છે, નાના બાળકોને આધુનિક પદ્ઘતિથી જૈન ધર્મના સિદ્ઘાંતો શીખવતી લુક એન લર્ન પાઠશાળાની જયાં પ્રવૃતિઓ ચાલી રહી છે, સોહમ મહિલા ગ્રુપ અને સંબોધિ સત્સંગ ગુપના બોધ સેશન્સની સાથે યોગાસન અને ધ્યાન સાધનાનો જયાં અનેક -અનેક ભાવિકો લાભ લઈ રહ્યાં છે અને મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં પદની સ્થાપિત થયેલી પ્રગટ પ્રભાવક સિદ્ઘપિઠિકાના સ્થાન પર ભકિત ભાવના અર્પણ કરીને જયાં હજારો ભાવિકો જીવનને શાંતિ-સમાધિમય બનાવી રહ્યાં છે એવા આ સર્વ પારસધામ - પાવનધામ ધર્મ સંકુલોની શૃંખલામાં વધુ એક પારસધામનું નિર્માણ રાજકોટની ધરા પર કરવામાં આવશે.

પ્રગટ પ્રભાવક શ્રી ઉવસગ્ગહર સિદ્ઘપિઠિકા, ધ્યાન મંદિર, ગુરૂ મંદિર, નેથરોપથી સેન્ટર, ભોજનાલય, લાઈબ્રેરી, યોગા સેન્ટર, જૈન દર્શનના ગૌરવવંતા ઇતિહાસને તાદ્રશ્ય કરતી કલાત્મક આર્ટ ગેલેરી, ઓડિયો-વિઝયુઅલ ઓડિટોરિયમ તેમ પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સાધનાલય - ઉપાશ્રયની સુવિધાઓથી સજ્જ બનનારા એવા પારસધામના નિર્માણનું કામ હાથ ધરવામાં આવશે.

આ અવસરે ૩૦૦૦થી વધુ ભાવિકો સવા કલાક સુધી સતત નમસ્કાર મહામંત્રના જાપનું ઉચ્ચારણ કરી સવા લાખ

મંત્ર જાપ અનુષ્ઠાનમાં બેસશે. આ અનુષ્ઠાનમાં બેસવા માટે ઇચ્છતા ભાવિકો માટે રાજકોટના જૈન ઉપાશ્રયોથી સવારે ૮:૩૦ કલાકે બસની સુવિધા રાખવામાં આવી છે.

રાજકોટના આંગણે વસંત પંચમી, રવિવારના દિવસે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીની દીક્ષાજયંતિ અવસરે મંત્ર શુભેચ્છા કાર્યક્રમ અંતર્ગત થતા સવા લાખ જાપ વાતાવરણમાં દિવ્યતાનું સર્જન કરશે તેમજ સૌરાષ્ટ્ર અને રાજકોટના જૈન સંઘો રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીને શુભેચ્છા અર્પણ કરશે.

વિશેષમાં, રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા જયંતિના આ અવસરે ગાદીપતિ પૂજય શ્રી ગિરીશમુનિ મહારાજ સાહેબના જીવન કવન પર આધારિત સ્મૃતિ ગ્રંથ-મહાનાયક ગ્રંથના વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સદગુરૂચરણમાં સંયમ અભિવંદનાની અર્પણતા કરવા, ધર્મક્ષેત્રની અનુમોદના કરવા તેમજ સંતના પ્રેરણાત્મક જીવનની ગાથા વર્ણવતાં ગ્રંથ વિમોચનના આ ત્રિવેણી અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.(૩૦.૩)

(11:31 am IST)