Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પ્રદ્યુમન પાર્ક ઝુમાં ત્રણ ઓસ્ટ્રેલિયન શાહમૃગનાં મોતથી ખળભળાટ

ચેન્નઇથી નવેમ્બર માસમાં લાવવામાં આવ્યા હતાઃ વાઇરલ તાવથી મોત થયાનું તારણઃ કારણ તપાસવા તજવીજ

રાજકોટ,તા.૮: શહેરની ભાગોળે આવેલ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝુમાં છેલ્લા બે દિવસમાં ત્રણ ઓસ્ટ્રેલિયન શાહમૃગનાં ટપોટપ મોત થતાં તંત્ર ધંધે લાગ્યુ છે. વાઇરલ ઇન્ફેકશનથી મોત થયાનું પ્રાથમિક તારણ આવ્યુ છે.   આંણદ ખાતેની વેટરનરી લેબોરેટરીમાં મોતનું સાચુ કારણ તપાસવા વિસેરા મોકલવામાં આવ્યા છે.તેમ તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે તંત્રનાં સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં લોકને જોવા માટે ઝુમાં નવેમ્બર માસમાં ચેન્નઇથી ૪ શાહમૃગ લાવવામાં આવ્યા હતા. તેમાંથી ૩ માંદગીમાં સપડાયા હતા અને બે દિવસમાં ત્રણનાં મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક તારણ પ્રમાણે બહારથી લવાયા હોય તે તેને વાતાવરણ અનુકુળ નહીં આવતા વાયરલ તાવ આવી જતા તેનું મોત થયુ છે.

વધુમાં સુત્રોએ જણાવ્યુ હતુ કે, આંણદ ખાતેની વેટરનરી લેબોરેટરીમાં મોતનું સાચુ કારણ તપાસવા વિસેરા મોકલવામાં આવ્યા છે. સાચી હકીકત પછી જાણવા મળશે.  અત્રે નોંધનીય છે કે, આ ઝૂમાં થોડા દિવસ પહેલા પાંજરૂ તોડી ઘુવડ ગાયબ, વાંદરો ભાગી ગયો તથા પાંજરૂ ખુલ્લી રહી જતા સિંહ પરિસરમાં બહાર આવી ગયાના બનાવો બનેલા છે.(૨૧.૨૯)

 

(4:54 pm IST)