Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વર્ષ ૧૯૯પ યોજનામાં જોડાયેલા પેન્શરોને દર મહિને મશ્કરી સમાન રૂ.૩૦૦થી ર૦૦૦ સુધીનું પેન્શન !!

એસ.ટી.-ડેરી નિગમ-નાગરિક પુરવઠા-પીજીવીસીએલ અન્ય બોર્ડ-નિગમના હજારો પેન્શનરોની દયનીય હાલત : હજારો પેન્શનરોની વય ૬૦થી ૭૦ કે તેથી વધુ થઇ ચૂકી છે : અન્ય રાજયોની જેમ હવે તો પેન્શન વધારો...

રાજકોટ, તા. ૮ : એસટી નિવૃત પેનશનર સમિતિ -કચ્છ ડેરીમાધાપરના નિવૃત કર્મચારીઓની લડત સમિતિની એક યાદી મુજબ, ઇપીએસ ૧૯૯પ યોજનામાં જોડાયેલ રાજયના, એસ.ટી. નિગમ, ડેરી વિકાસ નિગમ, નાગરિક પુવરઠા નિગમ, જી.એમ.ડી.સી., હસ્તકલા નિગમ, પી.જી.વી.સી.એલ. તથા અન્ય બોર્ડ/નિગમો, ફેકટરીઓ, પ્રેસ, ઇફકો, કંપનીઓ, સહકારી બેંકો, નોંધાયેલ સંસ્થાઓ અને ટ્રસ્ટોના પેન્શનરોને હાલમાં પેન્શન ન કહી શકાય તેવી રકમ રૂ.૩૦૦/-થી રૂ.ર૦૦૦/-સુધી ચુકવાઇ રહેલ છે. આ બાબતે વડાપ્રધાન સહિત તમામને રજૂઆતો કરાઇ છે. તેમ છતા આ બાબતે કંઇપણ સુધારો-વધારો ઉચ્ચકક્ષાએથી થયેલ નથી. યોગ્ય પ્રતિસાદ પણ આપવામાં આવેલ નથી. જયારે ભારતના અન્ય રાજયો જેવા કે ચંડીગઢ, મધ્યપ્રદેશ, ગોરેગાંવ વગેરે રાજયોમાં પેન્શનરોને આ યોજના મુજબ પેન્શનમાં વધારો કરી આપવામાં આવી રહેલ છે. ગુજરાત રાજયના આ યોજનામાં આવરી લેવાયેલ તમામ પેન્શનરોને આવો લાભ આપવામાંથી બાકાત રાખવામાં આવી રહેલ છે.

 

અતિ અલ્પ કહી શકાય તેવું પેન્શન મેળવતા પેન્શનરોની વયમર્યાદા ૬૦થી ૭૦ વર્ષ વટાવી ચૂકેલ છે જેમાં વિધવાબહેન પેન્શનરોનો પણ સમાવેશ થાય છે. મોટાભાગના વૃદ્ધ પેન્શનરો અનેક પ્રકારની બિમારીનો ભોગ બનેલા હોય છે. શરીરથી મજબૂર થયેલા આવા પેન્શનરો અન્ય આર્થિક આવક મેળવવા માટે અશકત હોઇ, આટલા ઓછા પેન્શનમાં જીવન ગુજારો ચલાવવો દુશ્કર બની ગયેલ છે. નાણાકીય સામાજિક, શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવા મજબુર બનીને જીવન પસાર કરી રહ્યા છે. આ બાબતે સરકાર તાકીદે યોગ્ય કરે તેવી પ્રમુખ આર.સી. પેલ તથા અન્યોએ માંગણી કરી છે. (૮.૧૬)

(4:51 pm IST)