Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ભાવેશભાઇ સાકરીયાને વ્યાજ બાબતે ધમકી દેવાના ગુનામાં રાજુ ચાવડીયા અને તેના ભાઇની ધરપકડ

ગયા વર્ષે નોંધાયેલા ગુનામાં બંને આગોતરા જામીન સાથે રજૂ થતાં જામીન મુકત

રાજકોટ તા.૮: વ્યાજખોરી મામલે ૨૭-૩-૧૭ના રોજ કેવડાવાડી-૨માં મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસે રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં લેઉવા પટેલ પ્રોૈઢ ભાવેશભાઇ કરમશીભાઇ સાકરીયા (ઉ.૪૯)એ પૂર્વ કોર્પોરેટર, તેના ભાઇ સહિત ૬ શખ્સો વિરૂધ્ધ વ્યાજની આકરી ઉઘરાણી કરી બળજબરીથી નાણા કઢાવવા  તેમજ મિલ્કત આપી દેવા કહી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પૂર્વ કોર્પોરેટર રાજેશ ઉર્ફ રાજૂ બચુભાઇચાવડીયા (ઉ.૪૮) અને તેના ભાઇ જગદીશ બચુભાઇ ચાવડીયા (ઉ.૫૦) (રહે. બંને કેવડાવાડી-૨૧) આગોતરા જામીન સાથે રજૂ થતાં ભકિતનગર પોલીસે ધરપકડની કાર્યવાહી કરી બંનેને મુકત કર્યા હતાં.

જે તે વખતે પોલીસે ભાવેશભાઇની ફરિયાદ પરથી મહેશ્વરી સોસાયટીના મનસુખ ગોપાલજી તન્ના, બાબુ પુંજાભાઇ બાલાસરા (આહિર), સંજય બાબુભાઇ બાલાસરા, રાજુભાઇ ભરવાડ, જગદીશભાઇ અને વિનોદ જેઠાજી ચાવડીયા (રહે. બધા કેવડાવાડી) સામે આઇપીસી ૩૮૬, ૩૮૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટ ૪૦, ૪૨ એ-ડી મુજબ ગુનો નોંધ્યો હતો.

ભાવેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું  કે અગાઉ તેના મોટાભાઇ પરષોત્તમભાઇ સાથે માર્કેટ યાર્ડમાં મેસર્સ સદ્દગુરૂ ટ્રેડીંગ નામે પોતે  પેઢી ચલાવતા હોઇ  તેમાં નુકસાન જતાં પૈસાની જરૂર પડતાં તેમના મોટાભાઇએ નવ વર્ષ પહેલા મનસુખલાલ તન્ના પાસેથી રૂ. ૯ લાખ ૩ ટકે લીધા હતાં. તેનું છ વર્ષ સુધી વ્યાજ ભર્યુ હતું. બાબુ બાલાસરા પાસેથી રૂ. ૩ લાખ ૩ ટકે લઇ છ વર્ષ સુધી વ્યાજ ભર્યુ હતું. રાજુભાઇ પાસેથી ૧૬ લાખ ૩ ટકે સાત વર્ષ પહેલા લીધા હતાં. જેનું સાડા ત્રણ વર્ષ સુધી વ્યાજ ભર્યુ હતું.  વિનોદ પઢીયાર પાસેથી ૨ લાખ પાંચ ટકે લઇ સાત માસ વ્યાજ ભર્યુ હતું.

આ બધાને અમે રેગ્યુલર માસિક વ્યાજ ભર્યુ હતું. પણ આર્થિક હાલત બગડી જતાં વ્યાજ ભરી ન શકતાં ઘરે આવીને તેમજ બજારમાં મળે તો ત્યાં આકરી ઉઘરાણી કરી ધમકી આપવાનું શરૂ કરાયું હતું. છેલ્લા બે માસથી તેના મોટા ભાઇ પાસે ખુબ કડક ઉઘરાણી શરૂ કરાઇ હતી. રૂપિયાની સગવડ થયે આપી દઇશું તેમ કહેતાં તેણે બળજબરી કરી મિલ્કતો, મકાન વેંચીને વ્યાજ ભરો નહિતર પતાવી દઇશું તેવી ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. બાબુભાઇનો દિકરો સંજય ઘરે આવી ધમકી આપી ગયો હતો. રાજુભાઇના ભાઇ જગદીશભાઇ પણ ઘરે આવી ઉઘરાણી કરી ધમકી આપી ગયેલ. આમ આ બધા મળી સતત ધાક-ધમકીઓ આપતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોકત ગુનામાં ફરિયાદ રદ કરવા બાબતે બાદમાં સોગંદનામા થયા હતાં. જો  કે ફરિયાદ રદ ન થતાં રાજૂ ચાવડીયા અને જગદીશ ચાવડીયા આગોતરા જામીન લઇ રજૂ થતાં બંનેને જામીન મુકત કરાયા હતાં.

પોલીસ ફરિયાદમાં રાજુભાઇ અને તેના ભાઇના નામો ગેરસમજણથી અપાઇ ગયાની  સાકરીયાએ અરજી કરી હતી

રાજકોટ તા. ૮: ભકિતનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજની પઠાણી ઉઘરાણી સંદર્ભે છ શખ્સો સામે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત બીજા દિવસે ફરિયાદી ભાવેશભાઇ સાકરીયાએ પોલીસ કમિશ્નર અને ભકિતનગર પોલીસને સંબોધીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી રાજુભાઇ અને જગદીશભાઇના નામો ગેરસમજણથી અપાઇ ગયા છે. તેમજ તેમને આ મામલા સાથે કંઇ લાગતું વળગતું નથી. રાજુભાઇ અને જગદીશભાઇ દ્વારા અમને કોઇ દબાણ કે ત્રાસ અપાયેલ નથી.

(12:53 pm IST)