Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સેન્ટમેરી સ્કુલમાં ધો.૫ના ચાલુ વર્ગને ફરીથી માન્યતા આપો

ધો.૪માંથી ધો.૫માં પ્રવેશ મેળવતા ૧૮૦ વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ : વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવીએ તો તેઓના કુમળા માનસ ઉપર અસર થઈ શકે : વાલીઓની સરકારને રજૂઆત

રાજકોટ, તા. ૮ : અહિંની સેન્ટમેરી સ્કુલમાં ધો.૫માં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ મૂ઼ઝવણમાં મૂકાયા છે. રાજય સરકાર દ્વારા આ શાળાની ધો. ૫ના અભ્યાસક્રમની મંજૂરી રદ્દ કરી નાખતા હાલમાં અભ્યાસ કરતા બાળકોનું શું? અને હાલ જે ધો.૪માં અભ્યાસ કરતાં હોય અને આગામી વર્ષે ધો.૫માં પ્રવેશ મેળવે તો તેઓનું શું? આ મામલે કોઈ ચોખવટ કરવામાં ન આવતા આ શાળામાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓએ સેન્ટમેરી સ્કુલ ખાતે એકત્રિત  થઈ પ્રિન્સીપાલને મળી સૂત્રોચ્ચારો કર્યા હતા.

 

સેન્ટમેરી પબ્લીક સ્કુલ રાજકોટમાં અભ્યાસ કરતા વર્ગ-૪ તથા વર્ગ-૫ના તમામ બાળકોના વાલીઓએ જણાવ્યુ હતું કે પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા ધો.૫ માટે માંગવામાં આવેલ વધારાનાં વર્ગની દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે. તેમજ ૨૦૧૪નાં વર્ષમાં ધો.૧ થી ૫ માટે આપેલ મંજૂરી પેટે શાળાએ ૨૦૧૪માં જ ધો.૫નો વર્ગ નહીં ચાલુ કરતા ૨૦૧૭માં કરેલ, જે બાબતને ધ્યાનમાં લઈ ચાલુ ધો.૫ના એક વર્ગની મંજૂરી પણ રદ્દ કરવામાં આવેલ છે. તેથી હવે પછી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી ધો.૪માં અભ્યાસ કરતા બાળકોને ધો.૫માં સમાવી શકાશે નહીં તથા ધો.૫માં હાલ, અભ્યાસ કરતા બાળકોને ચાલુ વર્ષમાં વર્ગ નામંજૂર થયેલ હોવાથી તેઓ ચાલુ વર્ષે જ ધો.૫માં આ શાળામાં અભ્યાસ ચાલુ રાખી શકે નહીં તેવી પરિસ્થિતિનું સર્જન થયેલ છે. આમ, ધો.૫ના વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે જ અને ધો.૪ના વિદ્યાર્થીઓ આવતા શૈક્ષણિક વર્ષમાં શાળામાં આગળ અભ્યાસ કરી શકે નહીં તેવું બનેલ છે, આ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સગારકા તેમજ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે. જે અંગે તેઓએ આ બાબતમાં અમારા બાળકો સાથે કોઈ અન્યાય નહીં થાય તેવી બાંહેધરી આપેલ. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સગારકાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે અમારા બાળકોને અન્ય નજીકની શાળાઓમાં સમાવેશ કરાવી આપવા માટે શિક્ષણમંત્રીશ્રી  તેમજ પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા આદેશ મળેલ છે.

ધો.૪ તથા ૫નાં તમામ વાલીઓ આજ શાળામાં અમારા બાળકો અભ્યાસ ચાલુ રાખી શકે તેવું ઈચ્છીએ છીએ. શાળા બદલાવવા તેમજ શાળાનું લીવીંગ સર્ટીફીકેટ લેવા માટે જરા પણ ઈચ્છતા નથી. આ માટે સરકારશ્રી કોર્ટમાં ચાલતા કેસ અંગે કોર્ટ બહાર સમાધાન કરવા માટે શાળા સાથે તૈયારી બતાવે તો શાળા આ બાબતે તૈયાર છે અને જો શાળા કસુરવાર જણાઈ તો દંડની યોગ્ય રકમ પણ શાળા ભરવા તૈયાર છે.

વાલીઓએ વધુમાં જણાવેલ કે અમારા બાળકો નિર્દોષ છે, તેઓ આ જ શાળામાં શરૂઆતથી ભણે છે, અન્ય શાળામાં ફેરવવાથી તેમના કુમળા માનસ પર ગંભીર અસર થઈ શકે, તેવું લાગી રહ્યુ છે. તેથી અન્ય શાળમાં ફેરબદલી કરવાને બદલે શાળાને ગુજરાત બોર્ડના ધો.૫ તથા ધો.૬ થી ૮ના વર્ગો શરૂ કરવા અંગેની મંજૂરી આપવામાં આવે તો અમારા બાળકો મુશ્કેલીમાં મૂકાય નહિં.

હાલમાં શિક્ષણમંત્રીએ કરેલ આદેશનું અમો સ્વાગત કરીએ છીએ, કે તેઓએ તાત્કાલીક ધોરણે ધોરણ-૫ના વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ખૂબ જ ટુંક સમયમાં સારો નિર્ણય લીધેલ છે. પરંતુ અત્યાર સુધી ચાલુ વર્ષમાં બાળકોએ આજ શાળામાં અભ્યાસ કરેલ હોઈ, બાકી વધેલ એક થી બે માસ પૂરતુ આજ શાળામાં તેઓ બાકી રહેલ અભ્યાસ પૂરો કરી શકે તેમજ અહીંથી જ પરીક્ષા આપી શકે તો તેઓ માટે એક પરિચિત વાતાવરણમાં આ કામ ખૂબ જ સહેલુ બની જાય. તેઓના નામ ભલે અન્ય શાળામાં ચડાવવામાં આવે પરંતુ ઉપરોકત સુવિધા તેઓ અહીં જ રહી મેળવી શકે, ભલે અહીંથી લેવાયેલ પરીક્ષાના માર્ક જે તે શાળાને મોકલી આપવામાં આવે અને પરિણામ તથા એલ.સી. જે તે શાળાના જ પ્રાપ્ત થાય એવું અમો ઈચ્છીએ છીએ. અમો તમામ વાલીગણો વતી ઉપરોકત બાબતે આપને જણાવવાનું કે ધો.૫ના વધારાના વર્ગની મંજૂરી બાબતે તથા ધો.૬ થી ૮ અંગ્રેજી માધ્યમ શરૂ કરવા માટેની દરખાસ્ત પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા નામંજૂર કરવામાં આવેલ તેની સામે સેન્ટમેરી પબ્લીક સ્કુલ રાજકોટ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરમાં અપીલ કરવામાં આવેલ, આ અપીલો નામંજૂર કરાતા નામદાર વડી અદાલત ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નંબર - ૧૫૯૮૩ તથા ૧૫૯૮૪ દાખલ કરવામાં આવેલ છે તથા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મેટરને આનુસંગિક હાલ, પુરતો સ્ટેટસકો આપવામાં આવેલ છે. હાલ આ બંને એપ્લીકેશન ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. આ સ્ટેટસકોમાં કોર્ટ બહાર સમાધાનનો વિકલ્પ પણ રહેલ હોવાથી આ માટે શાળા તૈયાર છે. તેમ અંતમાં જણાવેલ હતું. તસ્વીરમાં શાળાના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરતા વાલીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:52 pm IST)