Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ખોડલધામે મહાસભા મોકૂફ, ઓનલાઈન યજ્ઞ થશેઃ નરેશભાઈ

પંચવર્ષીય પાટોત્સવ સોશ્યલ મીડિયાના માધ્યમથી યોજાશેઃ પ્રેસ કોન્ફરન્સ યોજાઈઃ૧૦૮ યજ્ઞને બદલે એક મહાયજ્ઞ થશે : ગામે ગામ એલઈડી મૂકાશેઃ અનેક લોકો માણશેઃસરકારની ગાઈડલાઈન અનુસાર કાર્યક્રમ થશેઃ મહાસભાની તારીખ બાદમાં ઘોષિત થશેઃ નરેશભાઈ પટેલઃ ઓનલાઈન કાર્યક્રમ ૨૫ લાખથી વધારે પાટીદારો માણશે

ખોડલધામ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં નરેશભાઈ પટેલ સાથે અગ્રણીઓ હસમુખભાઈ લુણાગરીયા, જીતુભાઈ વસોયા, તુષારભાઈ લુણાગરીયા, હર્ષદભાઈ માલાણી, રમેશભાઇ ટીલાળા, રમેશભાઈ મેંદપરા, ચીમનભાઈ હપાણી, દિનેશભાઈ કુંભાણી વગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૮: આગામી તા.૨૧ના ખોડલધામના દિવ્ય પંચવર્ષીય પાટોત્સવમાં લાખો પાટીદારો ઉંમટવાના હતા, પરંતુ કોરોના મહામારીના કારણે મહાયજ્ઞનો કાર્યક્રમ ઓનલાઈન રાખવામાં આવ્યો છે અને મહાસભા મોકૂફ રખાઈ છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખોડલધામના મોભી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પંચવર્ષીય પાટોત્સવ અંગે મેં ચાર મહિના પ્રવાસ કર્યો હતો. સમાજમાં જબ્બર ઉંત્સાહ પ્રવર્તતો હતો, પરંતુ કોવિડ ગાઈડલાઈનને અનુસરીને સંસ્થાએ મહાસભા મોકૂફ રાખી છે અને યજ્ઞનો કાર્યક્રમ ઓનલાઈન થશે.
શ્રી ખોડલધામ મુકામે મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તા.૨૧ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉંજવવાનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમની વિવિધ તૈયારીઓ આખરી ઓપમાં છે.
આજે ડિજીટલ યુગ હોવા છતાં આગામી કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે શ્રી નરેશભાઈ પટેલ ગુજરાત-મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાજ દર્શન થાય અને સમાજના લોકોને રૂબરૂ મળી શકાય તેવા શુભ આશયથી છેલ્લા ચાર મહિનાથી પ્રવાસ કરી રહ્યા છે.
આ પ્રવાસ દરમિયાન સમાજના લોકોનો ખૂબ જ મોટો પ્રતિસાદ, લાગણી અને સમર્થન મળેલ છે. લોકોની આવી લાગણી જોતાં આગામી તા. ૨૧ના પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે અંદાજે ૨૫-૩૦ લાખથી વધુ લોકો પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગના સાક્ષી બની મા ખોડલના દર્શનનો લ્હાવો લે તેવી પૂરી સંભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
તા.૨૧ના કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો સવારે ૬ થી ૯ ૧૦૮ કુંડી યજ્ઞ, ૯ થી ૧૦ ધ્વજારોહણ તથા મા ખોડલની મહાઆરતી તથા ૧૦ થી ૧૧-૩૦ મહાસભાનું આયોજન કરેલ હતું. સાથો સાથ સવારે ૬ થી ૧૦ કલાક સુધી સમાંતરે લોક ડાયરાનું આયોજન પણ કરેલ હતું.
જ્યારે છેલ્લા ત્રણેક દિવસથી ઉંદભવેલ પરિસ્થિતિ તેમજ લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને આદરણીય શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમની રૂપરેખામાં થોડો ફેરફાર કરેલ છે. જે આ પ્રમાણે છે.
તા. ૨૧ જાન્યુઆરી એટલે લેઉંવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ છે. આ દિવસે યોજેલ ધાર્મિક કાર્યક્રમ મોકૂફ રાખવા શક્ય નથી જેને ધ્યાને લઈને આ દિવસે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ મહાઆરતી, ધ્વજારોહણ અને સમાજ શિરોમણી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો ૨૧ જાન્યુઆરીના રોજ સવારે ૯-૧૫ થી ૧૦ વાગ્યા સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.
મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને  નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉંજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે. તેમ પત્રકાર પરીષદમાં જાહેર કરાયુ હતું.


 

(3:43 pm IST)