Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પેડક રોડ પર કાકાજીને ત્યાં કથા પ્રસંગમાં ગયેલા જયદિપ પ્રજાપતિનું ઓચિંતુ મોતઃ છ માસ પહેલા જ લગ્ન થયા’તા

પત્નિને સારા દિવસો જઇ રહ્યા છેઃ સંતકબીર રોડ મહેશનગરના વાધેલીયા પરિવારમાં અરેરાટીઃ રાતે જમ્યા બાદ પાન ખાવા જતી વખતે બેભાન થઇ ઢળી પડ્યોઃ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૮ઃ જિંદગીની સફર ક્યારે અને કેવી રીતે ખતમ થઇ જાય તેની ખબર પડતી નથી. સામા કાંઠાના ત્રીસ વર્ષના યુવાન સાથે આવુ જ કંઇક બની ગયું છે. રાતે કાકાજીને ત્યાં કથાપ્રસંગમાં ગયો હોઇ જમ્યા બાદ અચાનક બેભાન થઇ ઢળી પડતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. કરૂણતા એ છે કે છ માસ પહેલા જ તેના લગ્ન થયા હતાં અને તેના પત્નિને હાલમાં સારા દિવસો જઇ રહ્યા છે.જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર મહેશનગર-૧માં રહેતો જયદિપભાઇ દેવજીભાઇ વાધેલીયા (પ્રજાપતિ) (ઉં.વ.૩૦) રાતે સાડા નવેક વાગ્યે પેડક રોડ પર કેયુર પાર્કમાં રહેતાં કાકાજી સસરા મેરાભાઇ સખનપરાના ઘરે કથા પ્રસંગમાં હતો ત્યારે ઓચિંતો બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ બી-ડિવીઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. જયદિપના સ્વજનના કહેવા મુજબ જયદિપ બે ભાઇમાં નાનો હતો અને ઇમિટેશનનું કામ કરતો હતો. તેના લગ્ન છ મહિના પહેલા જ આશા નામની યુવતિ સાથે થયા હતાં. બંનેના આ બીજા લગ્ન છે. તેણીને હાલમાં સારા દિવસો પણ જઇ રહ્યા છે. જયદિપના સગાએ વધુમાં જણાવ્યું હતું કે કથા હજુ ચાલુ નહોતી થઇ. પહેલા જમણવાર રખાયો હોઇ જયદિપ સહિતના જમી લીધા બાદ નજીકમાં પાન ખાવા ગયા ત્યારે અચાનક જયદિપ બેભાન થઇ ઢળી પડ્યો હતો. હાર્ટએટેક આવી ગયાની શક્યતા છે. યુવાન કંધોતરના ઓચિંતા મૃત્યુથી વાધેલીયા-પ્રજાપતિ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(12:22 pm IST)