Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

બાળ મૃત્યુ અંગે શિવસેનાની રજૂઆત

રાજકોટ સિવિલ હોસ્પીટલમાં છેલ્લા ૧ માસમાં ૧૦૦થી વધુ બાળકોના મૃત્યુથી ગંભીર ઘટનાના જવાબદારો સામે તુર્ત જ પગલા લેવા અને આ ગંભીર બેદરકારીનું પૂનરાવર્તન ન થાય તે અર્થે તમામ પગલા લેવાની માંગણી શિવસેનાએ ઉઠાવી છે. સિવિલ હોસ્પીટલમાં છેલ્લા ઘણા વર્ષોથી લોલમલોલ નીતિ ચાલે છે. ડોકટર, સ્ટાફની અછત, સાધનોની ઉણપ, દર્દીઓ સાથેનું ગેરવર્તન, સાધનો, દવાઓનું ગેરકાયદેસર વેચાણ, પ્રાઈવેટ ડોકટરો હોસ્પીટલોના હિત સાચવવા સહિતના અનેક ભ્રષ્ટાચારનો લૂણો લાગેલ તે અંગે અવાજ ઉઠાવવામાં આવેલ. રાજકોટ સિવિલમાં બાળકોના મૃત્યુદર તંત્ર માટે નામોશી સમાન છે. જે બતાવે છે કે, એક કાચની પેટીમાં બબ્બે બાળકોને અપુરતી સારવાર આપીને નવજીવન સાથે ગંભીર ચેડા કરાઈ રહ્યા છે. શિવસેના એકમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આ ઘટનામાં સામેલ તમામ જવાબદારો સામે પગલા લેવા અને પુનરાવર્તન ન થાય તે માટે બાળ વિભાગમાં સારવાર સઘન કરવા માંગણી કરાઈ હોવાનું શિવસેનાના જયપાલસિંહ જાડેજા અને ચંદુભાઈ પાટડીયાની સંયુકત યાદીમાં જણાવ્યુ છે.

(4:32 pm IST)