Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

શિવ શિવ શિવ... શંકર આદી દેવ, શંભુ ભોલા નાથ, યોગી મહાદેવ..

ધ્રુપદ ગાયકીથી નાદબ્રહ્મની ઉપાસના કરતા ગુંદેચા બંધુઓ

બીજમંત્રો જેવા ઉચ્ચારણોથી આધ્યાત્મિક ઉર્જાનું પ્રાગટ્ય થયું અને ભકિતરસનો હોલમાં માહોલ રચાયો : શ્રોતાઓના આત્માનું પરમાત્મા સાથે મિલન થતું હોય તેવો ભાવ જનમ્યો

રાજકોટ તા, ૦૮ : સમાપન તરફ આગળ વધતો સપ્તસંગીતિ સમારોહ એવા વળાંક પર પહોંચ્યો કે જયાં ધીરે ધીરે અલિપ્ત થતી ધ્રુપદ ગાયકીને ઉજાગર કરતા ગુંદેચા બંધુઓએ આધ્યાત્મિક ઉર્જા પ્રગટાવી હતી, કારણ ધ્રુપદ ગાયન શૈલી અત્યંત જટીલ અને પ્રસ્તુતીમાં અઘરી છે. શ્રોતાઓમાં પણ ખુબ ધીરજ જરૂરી છે. ઘુંટાયેલા ઘેઘુર કંઠે પંડિત શ્રી ઉમાકાન્ત ગુંદેચા અને સ્વ. પંડિત શ્રી રમાકાન્ત ગુંદેચાના પુત્ર શ્રી અનંત ગુંદેચાએ સભારંભમાં રાગ બાગેશ્રીને આલાપ્યો. બુલંદ અવાજ- સહજ ભાવ, ગુંદેચા બંધુઓનું સિન્ક્રોનાઇઝેશન-અવાજનો થ્રો, ગાંભિર્યતા સપ્તસંગીતિ સમારોહના ગાયન પ્રવાહના શ્રોતાઓને પરમતૃપ્તિની અનુભૂતિ કરાવી ગયો.

રાગ બાગેશ્રીમાં પારંપરિક આલાપ અને પખાવજમાં તાલ ચૌતાલ પર બંદિશ આયો રઘુવિર ધીર અયોધ્યાનગર કો.. લંકાપતિ હનન કિયો.. પ્રવાહિત થઇ ત્યારે જાણે શ્રોતાઓના આત્માનું પરમાત્મા સાથે મિલન થતું હોય તેવો ભાવ જનમ્યો. દુગુન-તીગુન-ચૌગુન લયમાં બંદિશના શબ્દોનો પ્રયોગ કરી ચાર થી પાંચ લય ધ્રુપદમાં એક-એક શબ્દો પર સ્વરોની ગૂંથણી કરી રાગને નિખાર આપ્યો. એ બાદ જલદ ચૌતાલમાં મહાકવિ કેશવદાસજીનું પદ હંસત કહત બાત, ફુલ સે ઝરત જાત..ને ગાઇ મંદ્ર સ્વરો પરનું પ્રભૂત્વ દર્શાવી જાણે પંડિતજી રિયાઝી ગળાનો રાઝ ખોલ્યો.

ધ્રુપદ શબ્દ ધ્રુવ પદ પરથી આવ્યો છે. ધ્રુપદ ગાયનમાં ત્રણ પદ હોય છે. શિવપદ-વિષ્ણુ પદ અને ધ્રુવપદ. બંદિશની મુખ્ય લાઇનને વારંવાર ગાઇને એસ્ટાબ્લિશ કરાય છે. આ પધ્ધતિમાં ધ્રુવના તારાની જેમ સ્થિર-અચલ અને દ્રઢ સ્વરૂપે પ્રસ્તુતી થાય છે. આ ગાયકીમાં ત્રણ પ્રવાહ મળે છે. ડાગરબાની-નોહરબાની અને ખંડહરબાની. જેમાં નોહરબાની શૈલી લુપ્ત થઇ ગઇ છે. આ પદ્ધતિમાં ગમક સ્વરોનો ઉપયોગ થાય છે. નોમ-તોમ ની આલાપચારી અને રીનનન-તનનન થીજ રાગનો વિસ્તાર કરાય છે.

બેઠકના બીજા દોરમાં ગુંદેચા બંધુઓએ રાગ ચારૂકેશીને ન્યાય આપ્યો. દશ માત્રાના સુલતાલમાં કબીરદાસજીનું બહુ પ્રચલિત પદ જીની જીની ચદરિયાં, ગાહે કે તાન, ગાહે કે ભરની.. રજુ કરી. જેમાં તિહાઇ અને બોલબાંટ ની વેરાઇટી દર્શાવી. ધ્રુપદ ગાયકીમાં નાદબ્રહ્મના બીજમંત્રો જેવા ઉચ્ચારણોથી આધ્યાત્મિક ઉર્જાનું પ્રાગટ્ય થયું અને હોલમાં ભકિતરસ નો માહોલ રચાયો. ધ્રુપદ ગાયકીમાં ખ્યાલ ગાયકીની જેમ આકાર-સરગમ કે તાન આવતા નથી માત્ર આલાપચારીથીજ રાગને રજુ કરાય છે.

સભાના અંતિમ ચરણમાં જયારે ગુંદેચા બંધુઓએ રાગ અડાણામાં પ્રખ્યાત શિવ સ્તુતી શિવ શિવ શિવ...શંકર આદી દેવ, શંભુ ભોલા નાથ, યોગી મહાદેવ..ને વહેતી મૂકી અને સાથે પંડિત શ્રી અખીલેશ ગુંદેચાના પખાવજ માંથી જાણે શિવના ડમરૂમાંથી નીકળતો નાદ કર્ણપટલ પર પડદ્યાયો ત્યારે ભાવ-ભકિત અને સંગતીનો ત્રીવેણી સંગમ રચાયો. શબ્દ સ્વરનું સાયુજય થયું અને શ્રોતાઓને શિવજીની સ્વરાનુભૂતિ થઇ.

ધ્રુપદ-ધમાર શૈલીના પંડિત ઉમાકાંત ગુંદેચા, શ્રી અનંત ગુંદેચા અને પંડિત અખીલેશ ગુંદેચાએ સપ્તસંગીતિના મંચને ભકિતરસથી ભિંજવી એક આધ્યાત્મિક ઉંચાઇ આપી હતી

મધુવંતિ અને શિવરંજનીને સારંગીમાં વહાવતો અર્પિત માંડવિયા

રાઇઝીંગ સ્ટારમાં મૂળ જામનગરના અને ઉસ્તાદ ઇકરામ ખાન પાસેથી તાલીમ લેતા અર્પિત માંડવિયાએ ખુબ અઘરા તંતુવાદ્ય સારંગીમાં રાગ મધુવંતિની પ્રસ્તુતિ કરી હતી. રૂપક તાલ અને ત્યારબાદ મધ્યલય તીનતાલમાં લયબદ્ધ બંદિશને સજાવી હતી. જયારે બીજા દોરમાં સુલતાન ખાં સાહેબની કમ્પોઝ કરેલ ઠુમરી રાગ શિવરંજનીમાં લહેરાવી હતી.

અર્પિત અમદાવાદમાં નિરજ પરીખ પાસેથી પણ જરૂરી માર્ગદર્શન મેળવી રહ્યો છે. તે હાલ રાજકોટમાં કેમીકલ એન્જિીનયરીંગનો અભ્યાસ કરે છે. અર્પિત સાથે તબલા સંગત વિદૂષી અનુરાધા પાલના ગંડા-બંધ શિષ્ય કૃણાલ વ્યાસે સંગત કરી હતી.

ધ્રુપદ એ તમામ ગાયકીની જનની છે : પં. ઉમાકાંત ગુંદેચા

સપ્તસંગીતિના પાંચમાં દિવસે રાજકોટના મહેમાન બનેલા ગુંદેચા બંધુઓમાંના પં. ઉમાકાંત ગુંદેચાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ધ્રુપદ ગાયકી એ બૈજુ બાવરા, તાનસેન, સ્વામી હરિદાસજીના સમયથી છે. પહેલાના સમયમાં આના સિવાય કોઇ અન્ય ગાયન શૈલી હતી જ નહિં. ધ્રુપદ ગાયન શૈલી એ તમામ ગાયકીની જનની છે. આ સામવેદમાંથી ઉત્પન્ન થયેલી ગાયકી છે.

ધ્રુપદ એ આધ્યાત્મિક ગાયકી છે જે મંદિરોથી જોડાયેલી છે. ધ્રુપદ ગાયકી અને યોગ એક સિક્કની બે બાજુ જેવા છે. આ ગાયકીમાં યોગની ટેકિનકનોજ પ્રયોગ વધુ પ્રમાણમાં થાય છે.

આજની યંગ જનરેશન ધ્રુપદમાં રસ લે છે? પંડિતજી કહે છે, બીલકુલ રસ લે છે. હાલ અમારી પાસે ૩૫ દેશોના વિદ્યાર્થીઓ ધ્રુપદની તાલીમ લઇ રહ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે કે, પૂના પાસે આવેલા આલંદી ગુરૂકૂળમાં બે હજાર વિદ્યાર્થીઓ પખાવજ શીખે છે. એટલું જ નહિં એવા દ્યણા સ્ટુડન્ટ છે જે હવે પ્રોગ્રામ પણ આપે છે. પંડિતજીએ રાજકોટ સાથે ખુબ જુનો સંબંધ છે તેમ જણાવી રાજકોટની જુની સંગીત રસિક પેઢી સ્વ. નાનુભાઇ પારેખ, સ્વ. ઇન્દુભાઇ ધોળકિયા અને સ્વ. ધિરૂભાઇ ધામેલિયાને પણ યાદ કર્યા હતા. સપ્તસંગીતિ નો આજનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે તાજેતરમાંજ શિવમાં લીન થયેલા સ્વ. પંડિત રમાકાંત ગુંદેચાને બે મીનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

(4:30 pm IST)
  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST

  • ઈરાને આજે અમેરીકન મથકો ઉપર હુમલો કરતા ભારતનો રૂપિયો ડોલર સામે ૨૦ પૈસા તૂટી ગયો છે અને આજે સવારે ૧ ડોલર = રૂ.૭૨.૦૨ પૈસા રહ્યો હતો access_time 1:01 pm IST

  • મુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST