Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નવયુગપરામાં બાળ મજુરી કરાવતો બંગાળી શખ્સ પકડાયોઃ પાંચ બાળકોને મુકત કરાવાયા

શ્રમ વિભાગના અધિકારીની ટીમ અને ફરલો સ્કવોડની ટીમનો દરોડો

રાજકોટ, તા., ૮: શહેરના રામનાથપરા જુની જેલ પાસે નવાણપરામાં સરકારી શ્રમ  વિભાગના અધિકારી સહીતની ટીમ અને પેરોલ ફરલો સ્કવોડની ટીમે દરોડો પાડી બાળ મજુરી કરતા પાંચ બાળકોને મુકત કરાવી બાળ મજુરી કરાવનાર બંગાળી શખસ વિરૂધ્ધ ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સંસ્કારી શ્રમ વિભાગના અધિકારી સુરભીબેનએ ભપલ તથા કે.જી.પંડયા, પાર્થભાઇ કલસરીયા, ચાઇલ્ડ લાઇનના પ્રવિણભાઇ ખોખર, અનુપભાઇ રાવલ, હરદીપસિંહ ઝાલા, ડીસીપીયુ સી.એસ.સાપરા, જુનીયર કલાર્ક એ.એન.પરમાર તેમજ પોલીસની પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ મધુકાન્તભાઇ, કોન્સ. ધીરેનભાઇ ગઢવી, સહીત બાળ મજુરી નાબુદી ઝુંબેશ હેઠળ વિસ્તારમાં ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન નવયુગપરા શેરી નં. ર માં દરોડો પાડી સગીર વયના બાળકોને ગેરકાયદેસર રીતે કામે રાખી નીયત વેતન કરતા અપુરતુ વેતન આપી વધુ કલાક કામ કરાવનાર અબ્દુલ્લા મંડલભાઇ શેખ (રહે. નવયુગપરા)ને પકડી લઇ પાંચ બાળકો જેમાં દીલશાદ, ગોરહજરા, રાહીદ, પ્રતિક અને રહેમુદીનને મુકત કરાવ્યા હતા. બાળકોની પુછપરછ કરતા માલીકે તેઓ પાસે આઠ કલાકથી વધુ તેમજ રાત્રીના સમયે કામ કરવા માટે ફરજ પાડવામાં આવે છે તેમ જણાવ્યું હતું. બાદ પાંચેય બાળકોને જામનગર રોડ પર બાળ સંરક્ષણ ગૃહમાં સોંપવામાં આવ્યા હતા અને બંગાળી શખ્સ અબ્દુલ્લા શેખ વિરૂધ્ધ એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરાવતા હેડ કોન્સ. આર.એલ.વાઘેલાએ તપાસ હાથ ધરી હતી.

(3:57 pm IST)