Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

હવે તું તારો ફલેટ ભુલી જજે, ફલેટની વાત જ ન કરતો...માલિકને ભાડૂઆતે દીધી ખૂનની ધમકી!

શિવનગરના બાંધકામ કોન્ટ્રાકટર હરકિશન પટેલે ઓળખીતા અણીયારાના મુકેશ પટેલને ફલેટ ભાડેથી આપ્યો'તોઃ હવે વેંચવો હોઇ ખાલી કરવાનું કહેતાં તેણે બે મિત્રો સાથે મળી ડખ્ખો કર્યોઃ બેની ધરપકડ

રાજકોટ તા. ૮: ધરમ કરતાં ધાડ પડી...જેવો બનાવ સામે આવ્યો છે. બાંધકામ કોન્ટ્રાકટર પટેલ યુવાને ઓળખીતા એવા યુવાનને પોતાનો કોઠારીયાનો ભાડે આપેલો ફલેટ હવે વેંચવો હોઇ ખાલી કરવાનું કહેતાં આ શખ્સ અને તેના બે મિત્રોએ ફોન કરી 'હવે આ ફલેટ તું ભુલી જજે' કહી બેફામ ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે બોલબાલા ૮૦ ફુટ રોડ રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાં શિવનગર પાર્ક-૧માં રહેતાં અને કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ ઉપરાંત બાંધકામનો ધંધો કરતાં હરકિશન રામજીભાઇ સોજીત્રા (ઉ.વ.૩૧) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી ત્રંબા નજીકના અણીયારાના મુકેશ નાથાભાઇ આસોદરીયા, સંજય અજાણી અને રાજુ અજાણી સામે આઇપીસી ૫૦૭ મુજબ ફોન પર ગાળો દઇ ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

હરકિશન સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેક મહિના પહેલા મેં મારી માલિકીનો ફલેટ જે કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેજ સોસાયટીમાં શુભ એપાર્ટમેન્ટમાં ૪૦૧ નંબરનો છે તે મારા ઓળખીતા મુકેશ આસોદરીયાને ભાડેથી આપ્યો હતો. હાલમાંઆ ફલેટ મારે વેંચવાનો હોઇ જેથી મુકેશને ફલેટ ખાલી કરી મને કબ્જો સોંપી દેવાનું કહેતાં તેણે થોડા દિવસમાં ખાલી થઇ જશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ સમય વિતવા છતાં તેણે ફલેટ ખાલી ન કરતાં મેં ફરીથી તેને વિનંતી કરી હતી. આ કારણે અમારી વચ્ચે મનદુઃખ થઇ ગયું હતું.

એ પછી ૧૨/૧૨ના સાંજે મુકેશે મને ફોન કરી ફલેટ બાબતે થોડી ચર્ચા કર્યા બાદ જેમતેમ ગાળો ભાંડી હતી અને ફલેટ બાબતે હવે પછી કોઇ દિવસ વાત કરતો નહિ તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. એ પછી મુકેશના મિત્ર સંજય અજાણીએ ફોન કરીને તેણે પણ ફલેટની કોઇ ચર્ચા કરવાની જ નથી, ફલેટ તો તારે ભુલી જવાનો છે તેમ કહી ગાળો દીધી હતી તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી મેં ફોન કટ કરી નાંખતા થોડીવાર પછી ફરીથી સંજયના ભાઇ રાજુ અજાણીએ ફોન કર્યો હતો. તેણે  પણ 'તને સંજય અને અજયએ સમજાવ્યો તો પણ તું કેમ સમજતો નથી, આ ફલેટ તો તું ભુલી જ જજે નહિતર જાનથી મારી નાંખવો પડશે' તેમ કહી ધમકી આપી હતી.

આ ત્રણેય કોલનું ફોનમાં રેકોર્ડિંગ થયું હોઇ તે રજૂ કરી પોલીસને જાણ કરી હતી. આજીડેમ પીએસઆઇ સી. એસ. પટલે ગુનો નોંધી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં તપાસ શરૂ કરી ત્રણેય આરોપીઓ મુકેશ આસોદરીયા અને સંજય અજાણીની ધરપકડ કરી છે. રાજૂની શોધખોળ થઇ રહી છે.

(1:14 pm IST)
  • ઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST

  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST