Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કારચાલકે પહેલા અકસ્માત સર્જ્યો પછી ઘાયલોને હોસ્પિટલે પહોંચવાનું કહી ત્યાં ટોળકી સાથે જઇ છરીથી હુમલો કર્યો!

એસ્ટ્રોન ચોકમાં કારની ઠોકરે બાઇક ચડતાં ઢેબર કોલોનીનો જીતુ વાઘેલા પોતાની ઇજાગ્રસ્ત પત્નિ-પુત્રને લઇ કારચાલકના કહેવા મુજબ મધુરમ્ હોસ્પિટલે પહોંચ્યોઃ પાછળથી કાર ચાલક સહિત ૧૦ જણાએ આવી ખર્ચના પૈસા આપવાને બદલે ધમાલ મચાવી દીધી : જીજે૦૩એચએ-૪૬૦૧ નંબરની કારના ચાલક સહિતની સામે એ-ડિવીઝન પોલીસે અકસ્માતનો અને ભકિતનગર પોલીસે રાયોટ-હુમલાનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૮: શહેરમાં અકસ્માત જેવી બાબતમાં મારામારીના બનાવ અવાર-નવાર બને છે. ગત રાતે એક કારચાલકે એસ્ટ્રોન ચોકમાં એક બાઇકને ઉલાળતાં તેનો ચાલક, તેની પત્નિ અને પુત્રી ફંગોળાઇ જતાં ઇજા થઇ હતી. કારચાલકે ઘાયલોને મધુરમ્ હોસ્પિટલે લઇ જવાનું કહી પોતે પાછળ આવી સારવારનો ખર્ચ આપી દેશે તેમ કહેતાં બાઇક ચાલક પોતાની ઘાયલ પત્નિ-પુત્રીને ત્યાં લઇ ગયો હતો. પરંતુ એ પછી કાર ચાલકે બીજા દસ શખ્સો સાથે ત્યાં પહોંચી ખર્ચના પૈસા આપવાને બદલે ધોલધપાટ કરી છરીથી હુમલો કરી ઇજા કરતાં અકસ્માત અને હુમલાના બે ગુના દાખલ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઢેબર કોલોની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં જીતુ રમેશભાઇ વાઘેલા (ઉ.૨૯) નામના દેવીપૂજક યુવાનને રાતે રૈયાધાર રહેતાં મોટા બાપુના ઘરે જવું હોઇ તે બાઇક લઇને રાતે દસેક વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. સાથે તેની પત્નિ મંજુલાબેન (ઉ.૨૮) અને પુત્રી નેહા (ઉ.૯) પણ બેઠા હતાં. આ ત્રણેય સ્પ્લેન્ડર બાઇક જીજે૦૩એચએસ-૦૫૯૬માં બેસી ઢેબર રોડ થઇ ટાગોર રોડ થઇ એસ્ટ્રોન ચોકમાં પહોંચ્યા ત્યારે હેમુ ગઢવી હોલ તરફથી પાટાની સાઇડવાળી શેરીમાંથી એક કાર બંબાટ સ્પીડથી આવી હતી અને બાઇકને ઉલાળી દેતાં ત્રણેય ફંગોળાઇ જતાં મંજુલાબેન અને દિકરી નેહાને ઇજાઓ થઇ હતી. જીતુને પણ મુંઢ માર વાગ્યો હતો.

એ પછી તેણે ઉભા થઇ તપાસ કરતાં કાર સાઇડમાં ઉભી હોઇ તેના ફોટા પાડી લીધા હતાં. તે વખતે કાર ચાલકે તમે મધુરમ્ હોસ્પિટલે પહોંચો હું ત્યાં આવીને સારવાર કરાવી આપીશ અને ખર્ચ આપી દઇશ. આથી જીતુ તેના પર વિશ્વાસ રાખી કોઇના વાહન મારફત પત્નિ-પુત્રીને લઇ મધુરમ હોસ્પિટલે પહોંચ્યો હતો.

એ દરમિયાન કાર ચાલક અને બીજા દસેક શખ્સો પણ ત્યાં આવ્યા હતાં. જીતુએ  સારવારના ખર્ચની વાત કરતાં આ તમામે ગેરકાયદે મંડળી રચી તેના પર મધુરમ્ હોસ્પિટલના પગથીયા પાસે જ હુમલો કરી દઇ ધોલધપાટ કરી હતી અને કોઇએ છરીનો હાથાનો ભાગ તેના માથા-મોઢા-પીઠ પર મારી ઇજાઓ કરી હતી. લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતા. બનાવ બાદ જીતુ, તેની પત્નિ અને પુત્રી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસે જીતુની ફરિયાદ પરથી જીજે૦૩એચએ-૪૬૦૧ નંબરની કારના ચાલક અને સાથેના દસ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ રાયોટ-હુમલાનો ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એ. વી. પીપરોતર વધુ તપાસ કરે છે.

જ્યારે એ-ડિવીઝનના એએસઆઇ આર. આર. સોલંકીએ અકસ્માત સર્જવા અંગે કારચાલક વિરૂધ્ધ બીજો ગુનો દાખલ કર્યો હતો.

(1:13 pm IST)