Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બેંકો સજ્જડ બંધ

એસબીઆઇ-સહકારી બેંકો ચાલુ રહી : કર્મચારીઓના ઉગ્ર દેખાવો

રાજકોટમાં બેંક હડતાલ સજ્જડઃ કર્મચારી ભાઈ-બહેનોના ઉગ્ર દેખાવો : દેશવ્યાપી બેન્ક હડતાલના સંદર્ભે આજે રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહી હતી. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં હડતાલના કારણે રાજકોટમાં જંગી પ્રમાણમાં બેન્કીંગ કામકાજ ખોરવાઈ ગયુ હતું. ગ્રાહકોથી ધમધમતા બેન્કોના કાઉન્ટરો આજે ખાલી જણાતા હતા. આજે સવારે બેન્ક ઓફ ઈન્ડીયા ખાતે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના નેજા હેઠળ દેખાવો યોજાયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટા પ્રમાણમાં કર્મચારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિઓ વિરૂદ્ધ રોષ ઠાલવ્યો હતો. તસ્વીરમાં બંધ રહેલી બેન્કો અને નીચે સૂત્રોચ્ચાર કરી રહેલા કર્મચારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૮ : દેશવ્યાપી બેંક હડતાલને પગલે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બેંકો સજ્જડ બંધ રહી છે.

કર્મચારીઓએ આજે સવારે તમામ જીલ્લા મથકોએ ઉગ્ર દેખાવો યોજી પોતાની માંગણીઓનો પડઘો પાડયો હતો. રાજકોટ, જામનગર, પોરબંદર, સુ.નગર, જુનાગઢ, અમરેલી, મોરબી શહેર જીલ્લાની સ્ટેટ બેંક સિવાયના તમામ બેંકો આજે બંધ રહેતા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાઇ ગયા હતાં.રાજકોટમાં આજે સવારે બેંક કામદારોએ બેંક ઓફ ઇન્ડીયા ખાતે જોરદાર દેખાવો કર્યા હતાં. આજની બેંક હડતાલમાં સ્ટેટ બેંક જુથ અને સહકારી બેંકો સામેલ નહિ થતાં આ બેંકોમાં રાબેતા મુજબનું કામકાજ થયું હતું.

ગુજરાતભરમાં ૧પ૦૦૦ કરોડનું નાણાકીય કામકાજ ખોરવાયું હોવાનું જાણવા મળે છે. (૮.૬)

(4:04 pm IST)