Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટ સિવિલમાં સ્ટાફની દાદાગીરી : વિડિયો વાયરલ

બાળકોના મોત વચ્ચે દાદાગીરીનો વિડિયો વાયરલ : ૧૭ દિવસથી સારવાર લીધી હોવા છતાંય બાળકમાં કોઇ રિકવરી નહીં થતાં માહિતી મેળવનારા સાથે ખરાબ વર્તન

અમદાવાદ, તા.૭ : એકબાજુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત અટકવાનું નામ લેતુ નથી. ત્યારે બીજીબાજુ રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરીનો વીડિયો સામે આવતાં હવે એક નવો વિવાદ સર્જાયો છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલનો મામલો વધુ ગરમાયો છે. વાઇરલ થયેલા આ વીડિયોમાં, બોટાદનો પરિવાર પોતાના બાળકની ૧૭ દિવસથી સારવાર લઇ રહ્યા છે છતાં કોઇ રિકવરી ન આવતા પરિવાર રજૂઆત કરે છે ત્યારે સ્ટાફ દાદાગીગી કરતો નજરે પડે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની દાદાગીરીના વીડિયોને લઇ ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને હોસ્પિટલ સ્ટાફ એક નવા વિવાદમાં સપડાયો છે. એકબાજુ, બાળકોના મોતનો મામલો અને વિવાદ શમવાનું નામ નથી લેતો ત્યાં હોસ્પિટલ સ્ટાફની દાદાગીરીએ તંત્રની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

               વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહે છે કે, રોજ અલગ અલગ રિપોર્ટ કેમ આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના મહિલા કર્મચારી કહે છે કે, આવે જ ને બેન અહીંનો રિપોર્ટ છે અને બહારની લેબનો રિપોર્ટ છે. ઇન્જેક્શન ન જોઇતું હોય કે સારવાર ન જોઇતી હોય તો કહો તમે. ત્યારે એક ભાઇ કહે છે કે, ૧૭ દિવસ પછી પણ રિકવરી આવી નથી ત્યારે મહિલા કર્મચારી કહે છે ન આવે ભાઇ અમુક ચેપ હોય એટલે. બાદ કોઇ વીડિયો બંધ કરવાનું કહી રહ્યું છે. જો કે, સ્ટાફના આ પ્રકારના વર્તનને લઇ દર્દીઓ અને તેમના સગાવ્હાલામાં પણ ભારે નારાજગી અને રોષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી.

(8:23 pm IST)