Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જમીન અધિકાર ઝુંબેશ : કાલે ૧૧ તાલુકાઓમાં ધરણા

રાજકોટમાં મહાપાલીકા પાસે ધરણા કરી આવેદન અપાશે : 'જમીન તો જોઇશે જ'ના નારા લગાવાશે

રાજકોટ તા. ૮ : જમીન અધિકાર ઝુંબેશ દ્વારા જમીનોના પ્રશ્નો લઇને શરૂ કરાયેલ આંદોલનના ભાગરૂપે કાલે રાજકોટ સહીત ૧૧ તાલુકાઓમાં ધરણા સહીતના કાર્યક્રમો હાથ ધરાનાર છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આંદોલનકારી આગેવાનોએ જણાવેલ કે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના જમીનને લગતા સવાલો સરકાર તાત્કાલીક ધોરણે ઉકેલે તે અમારી મુખ્ય માંગણી છે.

રાજયભરમાં જમીન અધિકાર ઝુંબેશ ચાલી રહી છે. વિવિધ બહાના હેઠળ ગરીબોને ઘરથાળના પ્લોટ આપવાથી વંચિત રાખી ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકાર પડતર અને ખરાબાની જમીન કાયદા મુજબ જમીન વિહોણા લોકોને ફાળવે તેવી માંગણી બુલંદ કરાઇ છે. ખાસ કરીને ગામડાઓમાં પણ અનુસુચિત જાતિના લોકોના સ્મશાન માટેની ભુમી નીમ કરવામાં આવતી નથી. સ્મશાનની આવી જમીનો ઉપર માથાભારે કબ્જો જમાવી બેસે છે. ઓબીસી સમાજના ગૌચરના અને વાળાની જમીનોનો પ્રશ્ન પણ અધ્ધરતાલ છે. ભુતકાળમાં સરકારે જમીન ફાળવી હોય તો પણ તેમાં હાલ દબાણો થઇ ગયાની સમસ્યા મો ફાડીને ઉભી છે.

આ તમામ સવાલોને લઇને કાલે તા. ૯ ના બુધવારે રાજકોટ સહીત ૧૧ તાલુકાઓમાં ધરણા અને આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ હાથ ધરાશે.

જેમાં રાજકોટ ખાતે મહાનગરપાલીકાની કચેરી પાસે સવારે ૯ વાગ્યાથી ધરણા કરી મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર સુપ્રત કરાશે. સ્થળ ઉપર જ ઘરથાળના પ્લોટ, સાથણી માટેની જમીન, સ્મશાન ભુમી માટેની જમીન, ગૌચરની જમીન, વાડા માટેની જમીનની અરજીઓ સરકારી નમુનાઓ મુજબ તૈયાર કરી અપાશે. સામાજીક આગેવાનોએ સાથે જોડાવા અનુરોધ કરાયો છે.

આ કાર્યક્રમો માટે જમીન અધિકાર ઝુંબેશના અશ્વિનભાઇ ચૌહાણ, હિરાલાલ પરમાર, અર્જુનભાઇ ચૌહાણ, રાજુભાઇ સાગઠીયા, જયંતિભાઇ સોલંકી, નવનીતભાઇ ચૌહાણ, અજય સારીખડા, ડો. પ્રકાશ ચાવડા, કરશનભાઇ રાઠોડ, પંકજભાઇ ચુડાસમા, કિરણભાઇ મકવાણા, પ્રવિણભાઇ સોલંકી, ભીખાભાઇ પાસરીયા, અમરશીભાઇ સાગઠીયા, નારણભાઇ વકાતર, રમેશભાઇ મુંજા, વિજય મેર, સતિષભાઇ સાગઠીયા, વિનુભાઇ મુંજા, દિનેશભાઇ રબારી, પ્રકાશભાઇ ઝાપટડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

જમીન અધિકાર મંચના આગેવાનોએ 'અકિલા' ખાતે વિગતો વર્ણવી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી) (૧૬.૩)

(3:50 pm IST)