Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

માતા-પિતાએ સંસ્કાર જ નથી આપ્યા, તું બુધ્ધીવગરની છો...કહી ખુશ્બૂ લોધાને ત્રાસ

લોધેશ્વર સોસાયટીની યુવતિને સગાઇ થઇ ત્યારથી જ ત્રાસ શરૂ થઇ ગયો'તોઃ પતિએ અગાસી પરના રૂમમાં ચારેકોર પતરા ફીટ કરાવી 'નજરકેદ'ની જેમ રાખ્યાના ચોંકાવનારા આક્ષેપઃ મહિલા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાછળ લોધેશ્વર સોસાયટી-૬માં હાલ માવતરે રહેતી ખુશ્બૂ સુનિલ જરોલી (ઉ.૨૩) નામની લોધા પરિણીતાને પતિ-સાસરિયાએ નાની-નાની વાતે સતત ત્રાસ આપ્યાની અને પતિએ અગાસી ઉપરના રૂમમાં નજરકેદની જેમ રાખી હેરાન કર્યાની તેમજ લગ્ન પહેલા સગાઇ વખતથી જ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે.

મહિલા પોલીસે ખુશ્બૂની ફરિયાદ પરથી લોધેશ્વર-૪માં રહેતાં તેણીના પતિ સુનિલ, સસરા બાબુભાઇ, સાસુ સુશિલાબેન, જેઠ અજયભાઇ, નણંદ પૂનમ મોહિત ઝરીયા સામે ગુનો નોંધ્યો છે. ખુશ્બૂએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન ૨૭/૧૧/૧૫ના રોજ જ્ઞાતિના રિતરિવાજ મુજબ સુનિલ સાથે થયા છે. લગ્ન પહેલા ૨૭/૧ના રોજ સગાઇ થઇ હતી. સગાઇ બાદ જ પતિ-સાસુ-સસરા-જેઠ અને નણંદ એવું કહેવા માંડ્યા હતાં કે તું અમારા ઘરની વહુ છો, હવે તું ઘરની બહાર નીકળતી નહિ. પોતે શેરીમાં શાકભાજી કે દૂધ લેવા નીકળે તો સાસરિયાનું ઘર બાજુની શેરીમાં હોઇ ત્યાંથી કોઇ જોઇ જાય તો રસ્તામાં ઉભી રાખી તતડાવી નાંખતથા હતાં. આમ લગ્ન પહેલાથી જ ત્રાસ શરૂ થઇ ગયો હતો. લગ્ન પછી આવું નહિ થાય તેમ સમજી લગ્ન કર્યા હતાં. લગ્નના ચાર-છ મહિના સારી રીતે રાખવામાં આવી હતી. મને લગ્ન વખતે પિયરમાંથી મળેલા રૂપિયા હું વાપરતી તે પતિ-સાસરિયાને ગમતું, જેથી સારી રીતે રાખી હતી. પ બાદમાં તને તારી માએ કંઇ શીખવાડ્યું નથી, તું બુધ્ધી વગરની છો, માતા-પિતાએ સંસ્કાર જ આપ્યા નથી...તેમ કહી અપમાનીત કરવાનું ચાલુ કર્યુ હતું. નણંદ કે જે વિજય પ્લોટમાં રહે છે તે પણ આવીને ચઢામણી કરી રસોઇમાં વાંક કાઢી મેણા મારતી હતી.

ખુશ્બૂએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે પતિએ મને હેરાન કરવા અગાસી ઉપર રૂમ બનાવી હતી. ત્યાં હજા ઉજાસ બંધ થઇ જાય અને મને કોઇ જોઇ ન જાય કે હું કોઇને બોલાવી ન શકું એ માટે થઇ રૂમ ફરતે લીલા કલરના પતરા ફીટ કરાવી દીધા હતાં. મને નજરકેદની જેમ રખાતી હતી. શેરીમાં મારા માતા મળી જાય તો તેની સાથે વાત કરવાની અને માવતરે જવાની પણ મનાઇ હતી. પતિ વગરવાંકે મારકુટ પણ કરી લેતો હતો અને ગાળો દઇ મારી સરખામણી બીજી સ્ત્રી સાથે કરી મને નીચી દેખાડતો હતો. મારો અભ્યાસ પણ ઇરાદાપુર્વક મુકાવી દીધો હતો. રક્ષાબંધનમાં ભાઇને રાખડી બાંધવા જવાની પણ મનાઇ કરી દીધી હતી. મને પતિ મારતો હોય ત્યારે માતા-પિતા છોડાવવા પણ આવી શકતા નહિ. ખુબ વિનંતી કરતાં એકાદ કલાક માટે પતિ સાથે માવતરે જવાની છુટ અપાઇ હતી. દસેક માસ મને અતિશય દુઃખ-ત્રાસ અપાયા બાદ હું ખુબ ભય અનુભવવા માંડી હતી. આ લોકોનો ઇરાદો મને કાઢી મુકવાનો હોય તેમ ખુબ ત્રાસ શરૂ કર્યો હતો. ૧૫/૯/૧૬ના રોજ પતિ સહિતનાએ ભેગા મળી મને કાઢી મુકી હતી. મેં તે વખતે મારા સાસરિયાઓને ખુબ આજીજી કરી હતી. પણ તેઓએ સાંભળ્યું નહોતું. ૩૦/૯/૧૬ના રોજ હું કપડા લેવા ગઇ ત્યારે પણ મારકુટ કરતાં મેં ૧૮૧ની મદદ લીધી હતી.

અત્યાર સુધી મારા માતા-પિતા સહિતે સમાધાન માટે ખુબ પ્રયાસ કર્યા પણ પતિ કે સાસરિયા ટસના મસ થયા નથી. મારું સ્ત્રીધન પણ આપ્યું નથી. અંતે પોલીસ ફરિયાદ કરવી પડી છે. તેમ અંતમાં ખુશ્બૂ જરોલીએ જણાવતાં હેડકોન્સ. એસ. કે. ડામોરે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)