Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ચેમ્બર ચૂંટણી જંગઃ ફોર્મ પાછા ખેંચવાના દિવસે છેલ્લી ઘડી સુધી સમાધાનના પ્રયાસોઃ બન્ને જુથની પ્રમુખ પદ માટે ખેંચતાણઃ સમાધાન નહિ થાય તો ૧૬મીએ ચૂંટણી નક્કીઃ બપોર સુધીમાં ૫ ફોર્મ પાછા ખેંચાયા

રાજકોટઃ આંતરીક ઝઘડા, કાવાદાવા, જ્ઞાતિવાદનું રાજકારણ, સત્તા મેળવવાની લાલચ વગેરે દુષણો જેને સ્પર્શ કરી ગયા છે તે મહાજનોની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સની આવી પડેલી અધુરી ટર્મની ચૂંટણીના ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે બપોર સુધી બન્ને જુથોને સમજાવટના પ્રયાસો ચાલુ હોવાનું જાણવા મળે છેઃ ચૂંટણીમાં વી.પી. જુથ અને ધમસાણીયા જુથ આમને સામને છે, બન્ને જુથને પહેલા પ્રમુખ પદની ખુરશી જોઈએ છે તે બાબતને લઈને સમાધાન અટકયુ હોવાનું જાણવા મળે છેઃ આ લખાય છે ત્યારે પણ સમાધાનની બેઠક ચાલુ છેઃ બપોર સુધીમાં ૫ ફોર્મ પાછા ખેંચાયા છેઃ કુલ ૮૧ ફોર્મ ભરાયા હતાઃ આજે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છેઃ બપોર બાદ ધડાધડા ફોર્મ પાછા ખેંચાય તેવુ જણાય છેઃ ચૂંટણીમાં એક જુથ લેઉવા પટેલનુ છે જ્યારે બીજુ જુથ કડવા પટેલનુ છેઃ બન્ને પાટીદારો સામસામા ન ટકરાઈ તે માટે પાટીદાર અગ્રણીઓએ છેલ્લી ઘડી સુધી સમજાવટના પ્રયાસો કર્યા છે, એટલુ જ નહિ ચીઠ્ઠી નાખીને પ્રમુખ પદ નક્કી કરવા પણ ફોર્મ્યુલા ઓફર કરવામાં આવી હતી છતા ખેંચતાણ ચાલુ હોવાનું જણાય છે, જો કોઈ ચમત્કાર નહિ થાય તો ૧૬મીએ ચૂંટણી નક્કી છેઃ વેપારીઓના પ્રશ્નોને વાચા આપવા, સરકારને ઢંઢોળવા વગેરે કામને બદલે ચેમ્બરમાં છેલ્લા થોડા વખતથી આંતરીક ઝઘડાનું વાતાવરણ ફેલાયુ છે જેના કારણે વેપારીઓમાં પણ ભારે રોષ છેઃ મહાજનોની સંસ્થાની ગરીમા ઝાંખી પડી છે અને જબરી ખેંચતાણ થઈ રહી છેઃ જો ચૂંટણી થશે તો ગળાકાપ હરીફાઈ નક્કી છે

(3:29 pm IST)