Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

લાઇફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદઃ શ્યામ રાજાણી અને રાહુલે રાત લોકઅપમાં વીતાવી

શ્યામ રાજાણીએ એમબીબીએસ અને એમડીની બોગસ ડીગ્રી જાતે બનાવી'તી!: તેણે હોમિયોપેથીમાં ફકત બે વર્ષ અભ્યાસ કર્યો હતોઃ મ્યુનિસિપલ કમિશ્નરે ડે. કમિશ્નર ચિરાગ ગણાત્રાને તપાસ સોંપીઃ બી-ડિવીઝન પોલીસે ત્રીજા આરોપી રાજૂ કોળીને સકંજામાં લીધો

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ પર રિલાયન્સના પંપ સામે આવેલી લાઇફ કેર મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના ડો. શ્યામ  રાજાણીની એમબીબીએસ અને એમડીની ડીગ્રી જ બોગસ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. શ્યામ રાજાણીએ ૨૦૦૬માં હોમીયોપેથીમાં માત્ર બે વર્ષ જ અભ્યાસ કર્યો હોવાનું અને બાદમાં કોઇપણ રીતે એમબીબીએસ અને એમડીની નકલી ડીગ્રી અન્ય તબીબની ડીગ્રી પરથી બનાવી તેના આધારે મહાનગર પાલિકામાં પણ ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એકટ હેઠળ નોંધણી કરાવી હોસ્પિટલ શરૂ કરી દીધી હોવાનું ખુલતાં હાલ તાકીદની અસરથી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન વખતે કરવામાં આવેલા અરજી ફોર્મમાં પોતે ડોકટર નહિ હોવાનું પણ શ્યામ રાજાણીએ લખ્યું હતું. તેમજ હોસ્પિટલમાં પાંચ ડોકટર સેવા

આપવાના છે તેવો ઉલ્લેખ કર્યો હતો. વિશેષ તપાસ બાદ આ અંગે અલગ ગુનો દાખલ થશે. બીજી તરફ અપહરણના ગુનામાં ડો. શ્યામ અને સાથી કર્મચારી રાહુલ આવતીકાલ સુધી રિમાન્ડ પર હોઇ બંનેએ રાત લોકઅપમાં વીતાવી છે.

ડીસીપી રવિકુમાર સૈનીની સીધી રાહબરી હેઠળ તપાસ ચાલી રહી છે. રિમાન્ડ દરમિયાન ખુદ ડો. શ્યામ રાજાણીએ કબુલ્યું છે કે પોતે એમબીબીએસ કે એમડી તો નથી, તેની પાસે બીએચએમસની ડીગ્રી પણ નથી. આ ડીગ્રી મામલે ડાંગર હોમિયોપેથી કોલેજનું નામ પણ ઉછળ્યું હોઇ તેની પણ તપાસ થશે. શયમે હોસ્પિટલમાં રાખેલા અન્ય તબિના ડીગ્રી સર્ટિફિકેટની કોપી કરી કોમ્પ્યુટરની કમાલથી પોતાના નામની નકલી ડીગ્રીઓ ઉભી કરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં રજીસ્ટ્રેન કરાવી હોસ્પિટલ માટેનું સર્ટીફિકેટ મેળવી લીધાનું પણ બહાર આવ્યું છે. આ જોતાં મહાપાલિકાના અંધેર તંત્રની પણ પોલ ખુલી છે.

શ્યામ રાજાણીની હોસ્પિટલને લાયસન્સ જે તે વખતે મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારાએ આપ્યું હતું. ૨૦૧૬માં રીન્યુ કરવાની કામગીરી ડો. વી. પી. પંડ્યાએ કરી હતી. આ રજીસ્ટ્રેશન વખતે કંઇ ખોટુ થયું હતું કે કેમ? તેની તપાસ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનીધી પાનીએ ડે. કમિશ્નર ચેતન ગણાત્રાને સોંપી છે. રજીસ્ટ્રેન વેળાએ જેટલા ડોકટરો આ હોસ્પિટલમાં કામ કરશે તેના નામ અપાયા હતાં તે ડોકટરો કે સ્ટાફ હાલમાં હોસ્પિટલમાં ન હોઇ તેમજ હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટેનું સર્ટીફિકેટ પણ ન હોઇ હાલ તુર્ત રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ શ્યામ રાજાણી, રાહુલ દરજી અને રાજુ કોળી સામે પૂર્વ કર્મચારી મયુર ઉર્ફ માનસિંગ મોરી (રહે. પ્રાંસલી)નું અપહરણ કરી માર મારવાનો ગુનો નોંધાયો હોઇ તે ગુનામાં શ્યામ અને રાહુલ બુધવાર સુધીના રિમાન્ડ પર હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. રાત બંનેએ લોકઅપમાં વીતાવી હતી. પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમના પીએસઆઇ ઝાલા, પીએસઆઇ જેબલીયા, પીએસઆઇ ડામોર, વિજયગીરી, ચંદ્રસિંહ, વિરમભાઇ ધગલ, મનોજભાઇ, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરી રહી છે.

જેનું અપહરણ થયાની ફરિયાદ દાખલ થઇ છે એ મયુર મોરી હજુ આજે પણ લાપતા છે. પોલીસની તપાસમાં ડો. શ્યામ રાજાણી અને રાહુલ દરજીએ એવું કહ્યું છે કે ગત ઓકટોબર માસમાં મયુરને કારમાં બેસાડી ધોલધપાટ કરી હતી. તે વખતે નવાગામ કવાર્ટર પાસે જ તેને કારમાંથી છોડી મુકાયો હતો. એ પછી તે આજીડેમ પાસે કોડીનારના જ એક યુવાન સાથે રહેતો હતો. ત્યાંથી તે અમદાવાદ જઇ રહ્યાનું કહીને નીકળી ગયો હતો. પોલીસે જુના વિડીયોને આધારે અને પ્રાંસલીના સરપંચની ફરિયાદ પરથી શ્યામ રાજાણી સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો એ રાતે અજાણ્યા ટોળાએ હોસ્પિટલ અને ત્રીજા આરોપી રાજુ કોળીના ઘરે જઇ તોડફોડ પણ કરી હતી. રાજુ કોળી પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

(3:22 pm IST)