Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

રામાપીર ચોકડીએ કાર સાથે કાર અથડાવી રૈયાધારના લાલાનો ચાર શખ્‍સો સાથે મળી કોૈશલ મકવાણા પર હુમલો

ત્રણ દિવસ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિનના ઝંડા લગાડવાની લાલાએ ના પાડી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી માથાકુટ કરી હતીઃ ગત રાતે કાર અથડાવી નુકસાની પહોંચાડીઃ ઢીકાપાટુ, કમરપટ્ટાથી ફટકારી છરીથી પણ ઘાયલ કર્યોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૭: રૈયાધારમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને ત્રણ દિવસ પહેલા ઘર નજીક ચોકમાં ડો. બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમીતે ઝંડા લગાડવા બાબતે આ વિસ્‍તારના પાનની દૂકાનવાળા શખ્‍સ સાથે બોલાચાલી થઇ હોઇ અને ધમકી અપાઇ હોઇ તેનો ખાર રાખી ગત રાતે આ યુવાન મિત્ર સાથે સ્‍વીફટ કારમાં રામાપીર ચોકડીએથી પસાર થઇ રહ્યો હતો ત્‍યારે પાનવાળાએ પોતાની બ્રેઝા કાર સ્‍વીફટ સાથે અથડાવ્‍યા બાદ પોતાના ચાર મિત્રો સાથે મળી સ્‍વીફટમાં બેઠેલા યુવાને ઢીકાપાટુ, કમરપટ્ટાથી માર મારી તેમજ છરીથી ઇજા પહોંચાડતાં પોલીસે રાયોટીંગ, એટ્રોસીટીનો ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયાધાર ઇન્‍દિરાનગર મફતીયાપરામાં રાધીકા પાન પાસે પતરાવાળા મકાનમાં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં કોૈશલ નિતીનભાઇ મકવાણા (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી રૈયાધારમાં જ રહેતાં લાલા ઘોઘાભાઇ સભાડ અને અન્‍ય ચાર અજાણ્‍યા સામે ગુનો  રાયોટીંગ, તોડફોડ, એટ્રોસીટીનો ગુનો નોંધ્‍યો છે.

કોૈશલ મકવાણાએ જણાવ્‍યું હતું કે બુધવારે રાતે નવેક વાગ્‍યે હું અને મારો મિત્ર સાગર મિયાત્રા તેની સ્‍વીફટ કાર જીજે૧૦ડીએ-૮૨૫૯માં બેસીની માધાપર ચોકડીથી રૈયાધાર તરફ જતાં હતાં ત્‍યારે રામાપીર ચોકડીએ પહોંચતા રૈયાધારથી એક સફેદ રંગની બ્રેઝા કાર રોંગ સાઇડમાં આવી હતી અને એ કારનો પાછળનો ભાગ અમારી કારની ખાલી સાઇડના પાછળના ભાગે અથડાતાં અમારી કારમાં સાઇડ બમ્‍પર, ટેલલાઇટમાં નુકસાની થઇ હતી. આથી અમે અમારી કાર નીચે ઉતરીને શું નુકશાની થઇ છે તે જોતાં હતાં ત્‍યારે બ્રેઝામાંથી લાલો સભાડ કે જેને હું જોયે ઓળખુ છું તે તથા બીજા ચાર જણા ઉતર્યા હતાં.

આ પાંચેય જણાએ મને જેમ ફાવે તેમ ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હત. લાલએ કમરે બાંધેલા કંદોરામાંથી છરી કાઢી મને ડાબા હાથના કાંડા પર ઇજા પહોંચાડી હતી. બીજા ચાર જણાએ મને કમરપટ્ટાથી ફટકાર્યો હતો. મેં બચાવો બચાવોની રાડો પાડતાં મિત્ર સાગર વચ્‍ચે પડયો હતો અને મને બચાવ્‍યો હતો. લોકો ભેગા થઇ જતાં લાલો સહિતના ભાગી ગયા હતાં. બ્રેઝા કારના નંબરનો ફોટો સાગરે પાડી લીધો હતો. કારમાં નુકસાની હોઇ સાગર ત્‍યાં જ ઉભો હતો અને હું રિક્ષા બાંધી હોસ્‍પિટલમાં ગયો હતો. સારવાર બાદ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો.

કોૈશલે આગળ જણાવ્‍યું છે કે ત્રણેક દિવસ પહેલા ડો. બાબા સાહેબ આંબેડકરનો નિવાર્ણ દિવસ આવવાનો હોઇ રાણીમા રૂડીમા ચોકમાં હું અને મારા ગ્રુપના છોકરાઓ ઝંડા લગાવતાં હતાં ત્‍યારે લાલા અને તેના મિત્રો ત્‍યાં બેસતાં હોઇ તેણે આ ઝંડા લગાવવા બાબતે ઝઘડો કરી મને અને મારા મિત્રોને ધમકી આપી હતી કે આ ઝંડા અમારી બાજુ લગાડવા નહિ, જો લગાડશો તો સળગાવી નાંખશું. આવુ કહી તેણે મને જ્ઞાતિ પ્રત્‍યે પણ અપમાનીત કર્યો હતો. એક વર્ષ પહેલા લાલો રિક્ષા હંકારતો ત્‍યારે પણ કેકેવી ચોકમાં મારી સાથે મુસાફર લેવા મામલે ઝઘડો કર્યો હતો અને મને ઝાપટ મારી દીધી હતી. હાલમાં લાલો રૈયાધાર પાણીના ટાંકા પાસે મોમાઇ પાન નામની દૂકાન ચલાવે છે. ઝંડા લગાડવા બાબતે બોલાચાલી થઇ હોઇ ખાર રાખી તેણે તેની કાર અમારી કાર સાથે અથડાવી ઝઘડો કરી બીજા ચાર જણા સાથે મળી મારા પર હુમલો કરી ઢીકાપાટુ, પટ્ટાથી માર મારી, છરીથી ઇજા પહોંચાડી હતી. તેમ વધુમાં કોૈશલે જણાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. જાડેજાએ ગુનો નોંધી આરોપીઓને દબોચી લેવા તજવીજ કરી હતી.

(12:00 pm IST)