Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

સામાન્ય વ્યકિતને અભાવ ન થાય એવો હોય સાધુનો સ્વભાવઃ પૂ.નમ્રમુનિ મ.સા.

આત્મરક્ષાના કોલ સાથે ઉજવાયો મુમુક્ષુઓના અંતિમ રક્ષાબંધનનો અનેરો અવસરઃ ભ્રમણાના સંબંધોનું સ્વરૂપ દર્શાવતી અદભૂત નાટિકા 'કોપીરાઈટ' અને જીવદયાનો બોધ આપતાં 'અભયદયાણમ' કાર્યક્રમે સહુને ચિંતનમાં ગરકાવ કર્યા

રાજકોટઃ ભ્રમણાના સુખનો આભાસ કરાવી રહેલાં મોહક સંસારના વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી અનેક અનેક આત્માઓને સત્યના પંથ તરફ દોરી જઈ રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ ચરણ-શરણમાં રાજકોટની બે દીકરીઓ મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાના ભવ-ભવાંતરોનું કલ્યાણ કરાવી દેનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના અલૌકિક અવસરો અન્ય અનેક આત્માઓના કલ્યાણનું કારણ બની રહ્યો છે.

ભવ્યતા અને દિવ્યતાના પર્યાય સમા બની રહેલાં આ મહોત્સવના છઠ્ઠા દિવસે નિયુકત કરવામાં આવેલાં શ્રી સંઘપતિ  વર્ષાબેન રોહિતભાઈ રવાણી પરિવારે અત્યંત નમ્રભાવે અને શરણભાવે પૂજય ગુરૂ ભગવંતના સ્વાગત વધામણાં કર્યા હતાં. શ્રી સંઘપતિ પરિવારનું બહુમાન કરતાં એમને ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરવામાં આવ્યાં હતા.

જેમના દર્શને ધન્ય બની રહ્યું છે રાજકોટ એવા ત્યાગમૂર્તિ દીક્ષાર્થી બહેનોને ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં હજારો હૃદયના થનગનતાં ધબકાર વચ્ચે સ્વજન પરિવારજન દ્વારા ચંદ્રના રથ પર સવાર કરાવીને તેમજ દિવ્ય પાલખી પર સવાર કરાવીને અત્યંત દબદબા પૂર્વક પ્રવેશ વધામણાં કરાવવામાં આવતાં ઉપસ્થિત સહુ અંતર માંથી ડોલી ઉઠ્યાં હતાં.

પ્રભુ મહાવીરની વંશ પરંપરામાં આર્ય સુધર્મા સ્વામીની પાટ પરંપરાને ઉજાગર કરનારા પરમ ઉપકારી એવા દિવંગત આદ્ય ગુરુવર્યોની અત્યંત મધુર સૂરો સાથે જયકારના નાદ તેમજ શ્રી સંઘપતિ પરિવાર દ્વારા દીક્ષાર્થીઓના ભાલ પર કરવામાં આવેલાં વિજય તિલકના શુભ શુકન બાદ આ અવસરે અત્યંત સંવેદનશીલ નાટિકા 'કોપી રાઈટ'ની અદ્બૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંસારના સંબંધોના બંધનોમાં વણાએલા સ્વાર્થના તાણાવાણાનો તાદ્રશ્ય ચિતાર આપતી આ નાટિકા સહુના હૃદય અને આંખમાં ખૂણાને ભીંજવી ગઈ હતી.

વિશેષમાં આ અવસરે આયોજિત આત્મરક્ષા બંધનના કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ બહેનોએ પોતાના ભાઈઓની કલાઈ પર સંસાર જીવનનું અંતિમ રક્ષાબંધન કરીને સ્નેહભીના આત્મરક્ષાના કોલ આપ્યાં હતાં તો બીજી તરફ મુમુક્ષુઓના ભાઈઓએ પણ પોતાની વ્હાલી બેનનો આંખમાં આંસુ સાથે સંયમ જીવનમાં નિર્વિઘ્નતાની શુભેચ્છા આપતી ભેટ આપીને વ્હાલથી ભીંજવી દીધી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના આવા સંવેદનશીલ અને ભાવભીના દ્રશ્યોએ જાણે ડુંગર દરબારના અણુ અણુને સ્પંદિત કરી દીધાં હોય એવી અદભૂત્તતા અને દિવ્યતા પથરાઈ ગઈ હતી.

ઉપરાંતમાં આ અવસરે જગતમાં પથરાએલાં છ કાય સ્વરૂપ જીવોના પરિવેશમાં સજ્જ થઈને બાળકોએ પ્રસ્તુત કરેલાં અભયદયાણંના કાર્યક્રમ અંતર્ગત, દીક્ષાર્થી બહેનોને પાસે કરવામાં આવેલી અભયના દાનની યાચના બાદ મુમુક્ષુ બહેનોએ તે જીવોને કરેલાં રક્ષાબંધન અને આપેલાં જીવરક્ષાના વચનના દ્રશ્ય જોઈને સહુ અત્યંત પણે અહોભાવિત બન્યાં હતા.

આ અવસરે આત્મ રક્ષાબંધન કરતાં કરતાં પોતાના ભાઈઓને આત્મસુરક્ષાનું ભાન કરાવતું મુમુક્ષુ બહેનોએ આપેલું વકતવ્ય હજારોના આરપાર વીંધાઈ ગયું હતું. હજારો ભાવિકોને આ અવસરે મુમુક્ષતા અને સંયમ જીવનના વાસ્તવિક સ્વરૂપની સમજણ આપતાં અત્યંત પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે, મુમુક્ષતા કયારેય દેવો પ્રદાન નથી કરતાં પરંતુ અંતરની સમજણ, અંતરના સંસ્કાર અને સ્વયંના સ્વભાવના પોલીશીંગથી પ્રગટ થતી હોય છે.

ખાણમાંથી નીકળેલાં હીરાની માત્ર ઓળખ થઈ જવાથી હીરો ચમકી જાય એવું જરૂરી નથી હોતું પરંતુ હીરાને ચમકવા માટે સ્વંય ઘસાવું પડતું હોય છે. જિન શાસનમાં પ્રવેશ એટલે માત્ર ખાણમાંથી હીરાનું બહાર નીકળવું પરંતુ સંસાર રૂપી ખાણમાંથી નીકળીને આત્માને ચમકાવવા  માટે ઘણી મહેનત અને જહેમત કરવી પડતી હોય છે.

આ અવસરે મુમુક્ષુ બહેનોને સંયમ જીવનને પુરુષાર્થથી  ચમકાવવા માટેનો બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે, દીક્ષા સમયે જયકાર કરતો આ સમાજ જીવનનો અંત સુધી જયકાર કરતો રહે તે માટે સંયમીએ ક્ષણ ક્ષણ જાતનું જતન કરવું પડતું હોય છે. સામાન્ય વ્યકિતને પણ કદી અભાવ ન થાય એવો સ્વભાવ જાળવવા દરેક સંયમીએ ક્ષણે ક્ષણે સાવધાન રહેવાનું હોય છે. પોતાને મળીને પરમાત્માને મળવું અને પરમાત્માને મળીને પોતાને મળવું તે સંયમની સોનેરી ક્ષણ હોય છે. સાધુની શોભા હંમેશા સાધનાથી હોય છે. આત્મશુદ્ઘિ કે આત્મસ્નાન વિના અકળામણ અનુભવે તે સાધુ હોય છે.જાત સાથે કઠોર અને જગત સાથે કોમળ બને ત્યારે તે સાધુનું સાધુત્વ ખીલી જતું હોય છે. પ્રભુની યાદ સિવાય, સાધુને કોઈની યાદ ન હોય. માત્ર એકત્વભાવથી પ્રભુની સાથે એકાકાર થવા માટે જ સંયમનું જીવન હોય છે.હૃદયને સ્પર્શી જનારા અનેરા અવસરો અને સદ્દગુરુ મુખેથી કલ્યાણકારી બોધ વચનથી પસાર થતાં દીક્ષા મહોત્સવને આગળ વધારતાં આવતી કાલે તા.૮ને શનિવાર સવારના ૯ કલાકે શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, જેડ બ્લુ, રાજકોટ ખાતે મુમુક્ષુઓનો વિદાય સમારોહ તેમ જ માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. એની સાથે જ બપોરના ૩ કલાકે સંયમસાંજી બાદ મુમુક્ષુઓની કોળિયાવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ દરેક અવસરોમાં દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:42 pm IST)