Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સંયમના ભાવ માત્ર સત્યની સમજ, ઈનર વોઈસ અને આત્મકલ્યાણની ઝંખનાથી જ જાગૃત થાયઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દીક્ષાર્થીઓની પરિગ્રહ તુલા વિધિઃ જૈન દર્શનની આન-બાન અને શાન વધારતી જાજરમાન શોભાયાત્રા અને પરમના પંથે નાટિકાની પ્રસ્તુતિથી ધન્ય બનતા ભાવિકો

રાજકોટઃ દુર્ગતિ અને દુઃખની દિશા તરફ દોરી જનારી ભોગની દુનિયામાં અનેક અનેક આત્માઓને ઉગારીને સદ્દગતિ અને કલ્યાણની દિશા તરફ દોરી જતી યોગની દુનિયામાં લઈ જનારા પરમ યોગી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં યોગી બનવા જઈ રહેલા મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાના દીક્ષા મહોત્સવનાં એક એક અવસરો રાજકોટવાસીઓને સમય અને સંસારનું ભાન ભૂલાવીને સ્વમાં સ્થિર કરી રહ્યાં છે ત્યારે મહોત્સવનો પાંચમો દિવસ પણ અનોખા કાર્યક્રમ સાથે ઉજવવામાં આવ્યો હતો.

વહેલી પ્રભાતે વહેતાં શુભ પરમાણુઓના વાતાવરણ વચ્ચે મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન સંજયભાઈ શેઠનાં નિવાસસ્થાન ધર્માલયથી સંયમધર્મની અનુમોદના કરતી દેદિપ્યમાન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિનશાસનનો લહેરાતો ધર્મધ્વજ, અષ્ટમંગલની માંગલ્યતા પ્રસરાવતા વાહનો, દિવ્ય રજોહરણનો સુદર ફ્લોટ, શણગારેલી વિન્ટેજ કાર, રજવાડી રથો પર સવાર દીક્ષાર્થીઓ, રાસ મંડળી, લેઝિમ મંડળી, મધુર સૂરો ગજાવતુ મોરબી બેન્ડ, પારંપારિક પરિવેશમાં સજ્જ નૃત્યકારો અને અત્યંત કલાત્મક રીતે શણગારેલા રજોહરણને અહોભાવ પૂર્વક મસ્તકે ધારણ કરીને ચાલતાં સેંકડો બહેનોની સાથે શ્રી સંઘ શ્રેષ્ઠીવર્યો અને ભાવિકોથી શોભતી આ યાત્રા વાજતેગાજતે ડુંગર દરબારનાં શામિયાણામાં આવીને વિરામ પામી હતી.

શ્રી ડુંગર દરબારમાં શોભી રહેલાં દિવ્યતાના દરબાર જેવાં વાતાવરણમાં પંચમ દિવસના સંઘપતિ  મહેન્દ્રભાઈ છવીલદાસ શાહ પરિવાર દ્વારા અષ્ટમંગલના શુભ પ્રતિક સાથે ગુરૂભગવંતના આવકાર ઓવારણા કર્યા બાદ આ પરિવારનું ગૌરવવંતી પાઘડી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ, સંયમની કાંટાળી કેડી પર પ્રયાણ કરી રહેલાં દીક્ષાર્થીઓ ડુંગર દરબારમાં પધારતા જ પારંપારિક વેશભૂષામા સજ્જ થઈને ગામઠી અદામાં ભાવિકોએ અનેરા પ્રવેશ વધામણાં કરીને એમનું સ્વાગત કરતાં સર્વત્ર ઉત્સાહ છવાયો હતો.

ઉપસ્થિત સહુના હૃદયના ઉછળતાં ભાવોની ઊર્મિની વચ્ચે આ અવસરે કોલકાત્તાના ભાવિકો દ્વારા આ અવસર્પિણી કાળના અંતિમ કેવળી શ્રી જંબુસ્વામીના કથાનક આધારિત સુંદર અને પ્રેરણાત્મક નાટિકા 'પરમના પંથે'ની પ્રસ્તુતિ ઉપસ્થિત સહુના હૃદયમાં એક હલચલ મચાવી ગઈ હતી. ઉપરાંતમાં, સંસારી અને સંયમીનો ભેદ દર્શાવતો અનોખો અને પ્રેરણાત્મક કાર્યક્રમ લુક એન લર્નના દીદી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. સંસારની લાઈફ અને સંયમ ગ્રહણ પછીની લાઈફમાં મન-વચન અને કાયાના યોગોથી આવતું પરિવર્તન સમજાવીને આ અવસરે આત્મ કલ્યાણની પ્રેરણા આપવામાં આવી હતી.

પરમાત્મા જેવી જીવનશૈલી જીવવાની રાહ પર જઈ રહેલાં દીક્ષાર્થીઓની આ અવસરે તૂલાવિધિ આયોજિત કરવામાં આવી હતી. ડુંગર દરબારના વિશાળ સ્ટેજ પર સજાવીને રાખવામાં આવેલાં ત્રાજવાના એક પલડામાં દીક્ષાર્થીને બેસાડવામાં આવ્યાં હતાં તો બીજી તરફ બીજા પલડામાં ચાંદીની નાની મોટી ઈંટો, સાકરના પડા, જ્ઞાનના પુસ્તકો આદિ અનેક પ્રકારના પદાર્થોથી દીક્ષાર્થીઓની તૂલના કરવામાં આવી હતી. મધુર સૂરો વહાવતાં ગીત-સંગીતના માહોલ વચ્ચે તોલાઈ રહેલાં દીક્ષાર્થીઓના અલૌકિક દ્રશ્યોએ ઉપસ્થિત હજારો હજારો ભાવિકોના નયનોને અપલક અને અનિમેષ કરી દીધાં હતાં.

આ અવસરે સંયમ પ્રાગટ્યની ધન્યતાનો પરિચય આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સિંહ ગર્જનાના સ્વર સાથે સમજાવ્યું હતું કે, દીક્ષા મહોત્સવની ભવ્યતા અને પ્રભાવકતા કદાચિત હજારો હજારો ભાવિકોના અંતરમાં ત્યાગ ધર્મ પ્રત્યે, જિન શાસન પ્રત્યે કે દીક્ષાર્થીઓ પ્રત્યે અહોભાવ તો જાગૃત કરી શકે પરંતુ દીક્ષા ગ્રહણ કરવાના કે સંયમ પ્રાગટ્યના ભાવ તો માત્રને માત્ર સત્યની સમજ, ઇનર વોઈસ અને આત્મકલ્યાણની ઝંખનામાંથી જ જાગૃત થતાં હોય છે.

સંયમ સંયમના રંગ અને દીક્ષાના ઉમંગ ભર્યા વાતાવરણ વચ્ચે યોજાએલી મુમુક્ષુઓની પરિગ્રહ તૂલા વિધિ અવસરે ઉદારદિલ ભાવિકોને બોધ આપતાં કહ્યું હતું કે, પરિગ્રહનો આજે છૂટી જતો એક અંશ અંતે પરિગ્રહના સમગ્ર વંશને છોડાવી દેતો હોય છે. મોહ જયારે છૂટવા લાગે છે ત્યારે જ અંદરમાંથી ઘંટનાદ અને શંખનાદ એવો ગાજી ઉઠે છે કે સંયમનું શૂરાતન જાગી જતું હોય છે.

પ્રભુ પરંપરાની પાટ પર બિરાજમાન પૂજય ગુરુ ભગવંત આદિ સંતો તેમજ ગોંડલ સંપ્રદાય, ગોંડલ સંઘાણી, બોટાદ, અજરામર તેમજ શ્રમણ સંઘીય સંપ્રદાયના વિશાળ સાધ્વી વૃંદના સાંનિધ્યે હજારો હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં આવતીકાલે તા.૭ને શુક્રવારે રજવાડી માહોલમાં દીક્ષાર્થીઓ પોતાના સંસારી સ્વજન એવા ભાઈઓની કલાઈ પર અંતિમ રક્ષાબંધન કરશે. રક્ષાબંધનના આ કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ બહેનો પોતાના ભાઈની કલાઈ પર આત્મરક્ષાના ભાવ સાથે સંસાર જીવનનું અંતિમ રક્ષાબંધન કરીને ભાઈને પણ સંયમ પંથ પર આવવાની પ્રેરણા કરશે તો બીજી તરફ ભાઈઓ પણ સંસાર ત્યાગ કરીને જઈ રહેલી પોતાની બહેનને સ્નેહની ભેટ અર્પણ કરીને એમના સંયમ માર્ગની નિર્વિઘ્નતાની ભાવના ભાવશે. 

કાલે બપોરના ૩ કલાકે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમમાં માતા-પિતા અને મુમુક્ષુઓ વચ્ચેના સંવેદનશીલ દ્રશ્યો સાથેનો આ હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાશે. કાળજાના કટકા જેવી વ્હાલી દીકરી જયારે માતા-પિતાનો સાથ સદાને માટે સંબંધોના બંધન તોડીને જઈ રહી છે ત્યારે તે માતા-પિતાના અંતરની વિયોગની વેદના અને દીકરીના કલ્યાણના હર્ષની અનુભૂતિને વાચા આપતાં આ કાર્યક્રમ સાથે છાબ દર્શનનો અવસર આયોજિત કરવામાં આવ્યો છે. દરેક અવસરનો લાભ  લઈ આત્મદ્રષ્ટિ પામવા સર્વ ભાવિકોને આમંત્રિત કરાયા છે.

(3:59 pm IST)
  • પંચમહાલ જિલ્લાનાગોધરાના ગદુકપૂર ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં 3 જેટલા ઈસમોએ કર્યો ચોરીનો પ્રયાસ કર્યો હતો બેંકનો મુખ્ય દરવાજો તોડી બેંકમાં પ્રવેસી બેંકનું સેફ વોલ્ટ તોડવા જતા ઈમરજન્સી સાયરન વાગતા 3 ઈસમો ફરાર સાયરન વાગતા બેંકમાં રાખેલી રોકડ રકમની ચોરી અટકી છેબનાવને પગલે ગોધરા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST