Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ત્રંબા બસ સ્ટેન્ડ પાસે કારે-બાઇકને ઠોકર મારતા કમળાપુરના વૃદ્ધનું મોત

આહીર વૃદ્ધ રાજકોટ મિત્રના પાણી ઢોર પ્રસંગમાં આવતા'તા

રાજકોટ તા.૬: જસદણના કમળાપુરમાં રહેતા આહીર વૃદ્ધ રાજકોટના તેના મિત્રના પાણીઢોર પ્રસંગમાં આવતા હતા ત્યારે તંબા બસ સ્ટેન્ડ પાસે કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આહીર વૃદ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ જસદણના કમળાપુર ગામમાં રહેતા સુરેશભાઇ માલાસુરભાઇ ડવ (ઉ.વ.૬૦) ગઇકાલે પોતાનું મોટરસાયકલ લઇને રાજકોટ આવતા હતા ત્યારે ત્રંબા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા જી.જે. ૩ એબી -૮૦૮ નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારતા આહીર વૃદ્ધ સુરેશભાઇ ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા કાર ચાલક કાર રેઢી મુકીને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને જાણ કરતા તેના ભાણેજ નિર્મળભાઇ ભુપતભાઇ રાઠોડ (ઉ.વ.૩૮) સ્થળ પર દોડી આવ્યા હતા અને વૃદ્ધ સુરેશભાઇને સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સુરેશભાઇ ડવ ખેતીકામ કરતા હતા. તે ગઇકાલે તેના મિત્રના પાણીઢોરના પ્રસંગમાં રાજકોટ આવતા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ પંકજભાઇ દીક્ષિત તથા રાઇટર વિપુલભાઇએ મૃતક આહીર વૃદ્ધના ભાણેજ નિર્મળભાઇ રાઠોડ (રહે. કેવડાવાડી -૧૦ના ખુણે રાજકોટ)ની ફરીયાદ પરથી જી.જે. ૩ એ.બી. ૮૦૮ નંબરની કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જી.એન. વાઘેલાએ તપાસ હાથ ધરી છે. બે પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:54 pm IST)
  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • ભારતના ચિફ ઇકોનોમિક એડ્વાઇઝર તરીકે ક્રિષ્નામૂર્થી સુબ્રમનિયમની નિમણુંક : IIT/IIM પૂર્વ ટોપ રેન્કિંગ સ્ટુડન્ટ તથા અમેરિકાના શીકાગોમાંથી Ph.D ડિગ્રી મેળવી હૈદ્રાબાદની બિઝનેસ સ્કૂલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા ક્રિષ્નામૂર્થી 3 વર્ષ માટે દેશના ચીફ ઇકોનોમિક એડવાઈઝર તરીકે સેવાઓ આપશે access_time 5:46 pm IST

  • દેશમાં દર આઠમાંથી એક મોત વાયુ પ્રદુષણથીઃ હેલ્થ મીનીસ્ટ્રીના અભ્યાસનું તારણઃ આઉટડોર પ્રદુષણથી ૧૦ લાખથી વધુના મોત ર૦૧૭ મા વાયુ પ્રદુષણથી થયેલ મોતમાં અર્ધા થી વધારેની ઉમર ૭૦ થી ઓછી : રીસર્ચ પેપર પ્રમાણે દુનિયાની ૧૮ ટકા વસ્તી ભારતમાં: ર૬ ટકા મોત વાયુ પ્રદુષણને કારણે : દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, હરીયાણા, વાયુ પ્રદુષણઃ આયુષ્ય ૧.૭ વર્ષ ઘટે access_time 11:47 pm IST