Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પોકેટ કોપ એપની મદદથી થોરાળા પોલીસે કોટડા સાંગાણીની વાહનચોરીનો ભેદ ઉકેલ્યો

વિનોદનગરના અફઝલ જૂણેજા નંબર પ્લેટ કાઢીને ફેરવતો'તોઃ તાલાલાના સાંગદરા રહેતાં તેના મિત્ર હુશેન તાજમહમદે બાઇક આપ્યાની કબુલાત

રાજકોટ તા. ૬: થોરાળા પોલીસ સ્ટાફની ટીમ થોરાળા વિસ્તારમાં અમૂલ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતી ત્યારે નંબર વગરના બાઇક સાથે આરોપી એક શખ્સ પસાર થતાં તેને અટકાવી કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. પુછતાછમાં તેણે પોતાનું નામ અફઝલ મામદભાઈ જુણેજા (રહે. વિનોદનગર) જણાતાં પોલીસને શંકા ઉપજતાં પોકેટ કોપ એપ્લિકેશન મારફત બાઇકના એન્જિન ચેસીસ નંબરની તપાસ કરતાં આ બાઇકકોટડા સાંગાણી તાલુકાના સોળિયા ગામના બાબુભાઈ ઘુસાભાઈ મેટાલીયાનું હોવાનું જાણવા મળ્યું હતું. બાબુભાઇનો સંપર્ક કરવામાં આવતા તેણે પોતાનું વાહન ગામમાંથી ૧૫ દિવસ પહેલા ચોરાઇ ગયાનું કહેતાં અફઝલ ભાંગી પડ્યો હતો અને એવી કબુલાત આપી હતી કે તાલાલાના સંગોદરા ગામનો તેનો મિત્ર હુશેન તાજમહમદ બ્લોચ રાજકોટ ભણવા આવ્યો છે અને તેણે પોતાને આ બાઇક ફેરવવા આપ્યું છે. આ મામલે કોટડા સાંગાણી પોલીસમાં વાહન ચોરીનો ગુનો પણ નોંધાયો હતો. આમ પોકેટ કોપ એપ્લિકેશનને આધારે વધુ એક વખત વાહનચોરીનો ગુનો ડિટેકટ થયો છે.  પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી,  ડીસીપી રવિ મોહન સૈની તથા ઇસ્ટ ડિવિઝન ના એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એસ. એન. ગડું, પો.સ.ઇ. પી.ડી.જાદવ તથા સ્ટાફના એ.એસ.આઇ. બલભદ્રસિંહ, ભુપતભાઈ, લાખાભાઇ, અજીતભાઈ, પો.કો.કનુભાઈ, નારસંગભાઈ, ભરતસિંહ, કેલ્વિન સહિતના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી.

(3:53 pm IST)