Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

''દીક્ષાર્થીઓ તરી ગયા, અમે રહી ગયા'' ના ભાવ સ્વયંના તરી જવાના બીજનું વાવેતર કરાવે છેઃપૂ.નમ્રમુનિ મ.સા.

દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે દેવતાઈ વરદાન સમા દિવ્ય રજોહરણના દર્શને ધન્ય બન્યો મહોત્સવનો ચતુર્થ દિવસઃ રોયલપાર્ક ઉપાશ્રયમાં લુક એન લર્ન રાજકોટના ૬ ઠ્ઠા સેન્ટરનું ભવ્ય ઉદદ્યાટન

રાજકોટ, તા.૫: હજારો આંખોને અનિમેષ કરી દેનારો, હજારો હૃદયના ધબકાર ચૂકાવી દેનારો, હજારો ભાવિકોના રોમ રોમને સ્પંદિત કરી દેનારો, અત્યંત ભવ્યતા અને દિવ્યતા સાથે રાજકોટની ધરા પર ઉજવાઈ રહેલો અદ્વિતીય, અવિસ્મરણીય અનન્ય એવો મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ એની પરાકાષ્ઠાએ પહોંચતાં દેશ અને વિદેશમાં સહુના મુખ પર રમી રહ્યો છે.

દીક્ષાના કલ્યાણ દાન અર્પણ કરીને અનેક અનેક આત્માઓને ભવસાગર તરાવી રહેલાં દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે મહોત્સવના એક પછી એક યાદગાર અવસરની સાથે આજના ચતુર્થ દિવસે વહેલી સવારે શોભાયાત્રાની શૃંખલામાં દિક્ષા મહોત્સવની ચતુર્થ શોભાયાત્રા  હિતેનભાઈ મહેતાના નિવાસસ્થાનથી પ્રારંભ થઈને હરેશભાઈ ગોડાના નિવાસસ્થાન અને રોયલપાર્ક ઉપાશ્રયથી પસાર થતાં  ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી,  પ્રવીણભાઈ કોઠારીએ સ્વાગત કર્યાબાદ દશે દિશાને ગુંજવતી શ્રી ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં વિરામ પામી હતી.

પૂજય ગુરૂભગવંતોના સ્વાગત વધામણાં બાદ પૂજનીય અને પરમ વંદનીય એવા દિવંગત આદ્ય ગુરૂવર્યોની જયકારના ગુંજન બાદ સંસાર ત્યજીને જઈ રહેલાં મુમુક્ષુ બહેનોનું ગુજરાતી, મહારાષ્ટ્રિયન, પંજાબી, બંગાલી, તેલુગુ, હિંદી, મલયાલમ અને ઈંગ્લીશ આદિ આઠ આઠ પ્રાંતીય પરિવેશ અને પ્રાંતિય ભાષામાં ગુણગાન કરતાં કરતાં અત્યંત બહુમાન પૂર્વક સ્વાગત કરવામાં આવતા સમગ્ર સમુદાય મંત્રમુગ્ધ બની ગયો હતો.

આ અવસરે વિશેષ રૂપે મુમુક્ષુઓના ત્યાગ ધર્મની અનુમોદના કરવા તેમજ સંયમ ધર્મની જયજયકાર કરવા અયોધ્યાપૂરમ ગુરૂકુળના બાળકો પધાર્યાં હતાં. સંયમ ધર્મને વંદના અને અભિવંદના કરતાં આ ગુરૂકુળના અનેક અનેક બાળકોએ વિવિધ પ્રકારના સુંદર નૃત્ય ગાનની અદ્દભૂત પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત વિશાળ સમુદાયને તન મનથી ડોલાવી દીધાં હતાં. અયોધ્યાપૂરમના આ સુંદર કાર્યક્રમનું સુંદર સંચાલન જયંતભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉપરાંતમા આ અવસરે વિશાળ સ્ટેજ પર રચવામાં આવેલા શોપિંગ મોલમાં મુમુક્ષુ બહેનોના માતા અને સ્વજનો દ્વારા મુમુક્ષુ બહેનોને દોરી જઈને વિવિધ વસ્તુઓ ખરીદવા માટેની લાલચ આપવા પર દીક્ષાર્થીઓએ એકપણ વસ્તુ ન ખરીદીને સમગ્ર સમુદાયને અંતરની નિઃસ્પૃહતાના દર્શન કરાવતાં ઉપસ્થિત સહુ મુમુક્ષુ બહેનોના વૈરાગ્ય ભાવ પ્રત્યે અત્યંતપણે નતમસ્તક બન્યાં હતાં.  તે જ ક્ષણે મુમુક્ષુ બહેનોના પિતાશ્રી સંજયભાઈ શેઠ અને શ્રી મનોજભાઈ ડેલીવાળા પોતાની વહાલસોયી વૈરાગી દીકરીઓ માટે અત્યંત અહોભાવ અને સન્માન પૂર્વક રજવાડી ઠાઠ સાથે દિવ્ય રજોહરણની ભેટ લાવતાં સમગ્ર વાતાવરણમાં હર્ષનાદ અને જયકાર ગુંજી ઉઠ્યો હતો.

એટલું જ નહીં પરંતુ, રજોહરણ પ્રત્યે અંતરનો અહોભાવ અર્પણ કરતાં દીક્ષાર્થી બહેનોના સ્નેહી સ્વજનોએ રજોહરણની પ્રદક્ષિણા વંદના અર્પણ કરીને ન માત્ર ઉપસ્થિત ભાવિકોને પરંતુ સંત-સતીજીઓને પણ ધન્યતાની અનુભૂતિ કરાવી હતી. એની સાથે જ સમગ્ર સમુદાયે પણ અહોભાવપૂર્વક શ્રદ્ઘા ભકિત ભાવ સાથે રજોહરણના વધામણાં કરતાં આ દ્રશ્યને નિહાળીને અનેકો અનેકોની આંખના ખૂણા પૂજયતાના ભાવ સાથે ભીના થયાં હતાં

પગલે પગલે વિવિધ ક્ષેત્રની સ્પર્શના કરીને માંગલ્યનું સર્જન કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજયશ્રીના રોયલપાર્ક શ્રી સંઘમાં સમગ્ર ચાતુર્માસ દરમ્યાન અનેક પ્રકારના માંગલ્યના સર્જન સાથે આજે ઓર એક માંગલ્યના સર્જન સ્વરૂપ દેશવિદેશમાં ૯૫થી વધારે સેન્ટર ધરાવતા લુક એન લર્ન જૈન જ્ઞાનધામના રાજકોટના ૬ઠ્ઠા રોયલપાર્ક સેન્ટરનું આ અવસરે અત્યંત દબદબાપૂર્વક ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

નવસર્જિત રોયલપાર્ક લુક એન લર્નમાં એડમીશન લેનારા લુક એન લર્નના નાના નાના બાળકો દ્વારા આ અવસરે સુંદર વકતવ્ય,  સુંદર નૃત્ય-ગાન અને વિવિધ પ્રકારના આત્મ ભાવોની વેશભૂષાની અદ્દભૂત પ્રસ્તુતિ સાથે લુક એન લર્નના પ્રતિક ધરીને દીક્ષાર્થીઓને આવકારવામાં આવ્યાં હતાં અને એ સાથે જ, રાજકોટ લુક એન લર્નમાં જ અભ્યાસ કરીને સંસ્કારિત થયેલાં મુમુક્ષુ શ્રી આરાધનાબેન અને મુમુક્ષુ શ્રી ઉપાસનાબેનના હસ્તે લુક એન લર્ન રોયલપાર્કનું ઉદઘાટન કરવામાં આવતાં રાજકોટવાસીઓ માટે ઓર એક માંગલ્યના મંડાણ થયાં હતાં.

આયોધ્યાપૂરમના બાળકોએ કરેલાં અદ્બૂત પેર્ફોર્મન્સની પ્રશસ્તિ કરતાં એમના માટે સવા લાખ રૂપિયાના ઈનામની દ્યોષણા કરવામાં આવી હતી. આયોધ્યાપુરમ ગુરૂકુળના સર્વ સભ્યો તરફથી આ અવસરે દીક્ષાર્થીઓના સંયમ ભાવનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું

આ અવસરે અત્યંત મધુર અને પ્રભાવક શૈલીમાં સંયમ ધર્મનું માહાત્મ્ય સમજાવતાં રાષ્ટ્રસંત પૂજયશ્રી એ કહ્યું કે, મુમુક્ષુ આત્માઓને જોઈ જોઈને મુમુક્ષુનાં સ્થાન પર સ્વયંની કલ્પના કરીને ભાવદીક્ષાના બીજનું વાવેતર કરવા માટે હોય છે દીક્ષા મહોત્સવ. મુમુક્ષુઓ તરી ગયાં અને અમે રહી ગયાં એવો ભાવ માત્ર  સ્વયંના તરવાના બીજને વાવી દેતો હોય છે. કેમ કે આજની ભાવના આવતીકાલની સંભાવના બની જતી હોય છે.

આ સાથે જ મુમુક્ષુ આત્માઓની, સંયમ પંથે પ્રયાણ કરી રહેલાં આત્માઓના સામર્થ્યની વાત કરતાં સમજાવ્યું હતું કે, પોતાના હાથમાં રહેલાં બીજને કદી નાનું સમજવાની ભૂલ ના કરવી જોઈએ. કેમ કે આજનું નાનું લાગતું બીજ ધરતીમાં વવાઈને આવતીકાલ ધરતી પર પ્રગટ થઈને આકાશ સુધી ફેલાઈ શકવાની ક્ષમતા ધરાવતું હોય છે. જે બીજ ધરતી પર માત્ર વેરાઈ છે તે માત્ર ધરતી પર ઊગી તો શકતું હોય છે પરંતુ આકાશ સુધી કયારેય ફેલાઈ નથી શકતું પરંતુ જે બીજ ધરતીની અંદર વવાઈ જાય છે તે અંતે વટવૃક્ષ બનીને આકાશ સુધી પ્રસરી જતું હોય છે. પરંતુ કોઈક બીજ એવા પણ હોય છે જેનામાં હજારો વટવૃક્ષ સર્જવાની ક્ષમતા હોય છે. એવી જ રીતે નાવ બનીને સ્વયંની સાથે માત્ર બે-પાંચ આત્માઓને તરાવી જનારા નાવ સમાન કેવલી ભગવાન નમસ્કાર મંત્રના પાંચમા પદમાં સ્થાન પામતાં હોય છે પરંતુ હું પણ તરૂ અને બીજા હજારોને તારીને મોક્ષમાં લઈ જાઉં એવા કેવલજ્ઞાની તીર્થંકર સ્વરૂપ આત્માઓ નમસ્કાર મંત્રના પહેલા પદમાં સ્થાન પામી જતાં હોય છે. આ મુમુક્ષુઓ પોતાના આત્મલક્ષને પામવા સાથે અનેકોને પોતાની સાથે તારીને પ્રથમ પદમાં સ્થાન પામી જાય એવી મંગલ ભાવના ભાવીએ.

સંસારનું ભાન ભૂલાવી દે એવા અનેરા કાર્યક્રમોની શૃંખલામાં આવતીકાલ તા. તા.૬ને ગુરૂવાર સવારના ૭: ૩૦ કલાકે  હેતલબેન સંજયભાઈ શેઠના નિવાસ સ્થાન - ધર્મલય, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી ભવ્ય અને જાજરમાન શોભાયાત્રા આયોજિત કરવામાં આવી છે જયાં ૧૦૦ નમસ્કાર મંત્રની ફ્રેમનું ડ્રો કરવામાં આવશે. આ અવસરે રજોહરણ શણગાર સ્પર્ધાના સ્પર્ધકો રજોહરણનું આબેહૂબ શણગાર કરીને એને મસ્તકે ધારણ કરીને શોભાયાત્રાને શોભાવશે. સાથે જ અતુલ્ય જીવન તરફ પ્રયાણ કરી રહેલાં દીક્ષાર્થીઓની પરિગ્રહ ત્યાગ તુલા વિધિ ડુંગર દરબાર ખાતે સવારના ૯ કલાકે કરવામાં આવશે. સુખ સુવિધાને છોડી સત્યના માર્ગે જનાર આ શૂરવીર દીક્ષાર્થીની અનુમોદના કરવા બપોરના ૩ કલાકે સંયમ સાંજીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

એક પછી એક અદભૂત વણઝાર સમા આ દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં પધારીને આત્મદ્રષ્ટિ પામવા સર્વ ધર્મપ્રેમી ભાવિકોને સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજે ભાવભીનું આમંત્રણં પાઠવ્યું છે.(૩૦.૧૧)

(12:22 pm IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST

  • પોરબંદર :રાણાબોરડી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી પોરબંદર એલસીબી: કોઈપણ પ્રકારની ડિગ્રી વગર એલોપેથીક દવાઓ સાથે કરતો હતો પ્રેક્ટીસ:બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો ગુનો access_time 3:30 pm IST