Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

જર્મનના વેપારી અને ઉત્પાદક પ્રતિનિધિ મંડળ સાથે ગોષ્ઠી

રાજકોટ : જર્મનના વેપારી મેન્યુફેકચર્સનું એક ડેલીગેશન જર્મન સરકારના આંતરરાષ્ટ્રીય બાબતોના કોન્સોલ્યુટ જનરલ શ્રી પીટર  તથા ક્રેસેન્ડો વર્લ્ડવાઇડના મેનેજીંગ ડાયરેકટર વિશાલ  યાદવ તથા ડાયરેકટર શ્રી સાકેત પુજારી અને જર્મન ઇન્ડિયન બિઝનેશ સેન્ટરના એકઝીકયુટીવ ડાયરેકટર મેડમ સાઇની સાથે રાજકોટના વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે મુલાકાતે આવતા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મીટીંગનું આયોજન કરાયુ હતુ. મીટીંગની શરૂઆતમાં ગ્રેટર ચેમ્બર પ્રમુખ ધનસુખભાઇ વોરાએ શબ્દોથી સ્વાગત કરી સૌને આવકાર્યા બાદ રાજકોટના અગ્રણી ઉદ્યોગકારો અમુભાઇ ભારદીયા - રવિ ટેકનોકાસ્ટ, આકાશ સંતોકી - અમુલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી મહેતા - મહેતા યુનાની ફાર્મસી તથા જયેશભાઇ શાહ ક્રોસવર્લ્ડ એન્જીનીયર્સ દ્વારા પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ. ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીએ સ્થાનીક ઉત્પાદનો વિષે વિસ્તૃત માહીતી રજુ કરી હતી. જર્મન સરકારના આ ડેલીગેશનના માધ્યમથી ભારત અને જર્મન વચ્ચે વધુ વેપારની તકો સર્જાશે તેવો સંતોષ વ્યકત કર્યો હતો. આ તકે જર્મન કોન્સોલ્યુટ શ્રી પીટર દ્વારા પાવર પ્રેઝન્ટેશનના માધ્યમથી જર્મનીમાં રહેલ ઓટો મોબાઇલ ઇન્ડ્રસ્ટ્રીઝ, ઇલેકટ્રીકલ મશીનરી, સર્જીકલ મશીન વગેરે ઉત્પાદનકર્તા એકમો અંગે માહીતી રજુ કરી હતી. ક્રેસેન્ડો વર્લ્ડ વાઇડ દ્વારા યુરોપીયન માર્કેટના જુદા જુદા દેશો તેમજ વિશ્વના અન્ય ૨૦ થી પણ વધારે દેશોની માર્કેટ અંગેના સંપર્કો અંગે માહીતી આપી રાજકોટના ઉદ્યોગકારોને આ દેશોમાં પોતાના ઉત્પાદનોની માર્કેટ મેળવવામાં કેવી રીતે મદદરૂપ બની શકે તે અંગે માહીતી આપી હતી. પ્રશ્નોતરીના ક્રમમાં  પુછાયેલા સવાલનો સંતોષકારક જવાબો અપાયા હતા. અંતમાં આભારવિધિ ગ્રેટર ચેમ્બરના ડાયરેકટર મયુરભાઇ શાહે કરી હતી. તેમ ઇન્ચાર્જ માનદ મંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયાની યાદીમાં જણાવાયુ છે.

(4:07 pm IST)