Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અયોધ્યામાં રામ, યુવા શકિતને કામ અને કિસાનોને દામ એ જ ભારતનો મંત્ર : વિજયભાઈ

રાજકોટ, તા. ૭ : રાજયના મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમન બેઠકના ઉમેદવાર શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ, યુવા શકિતને કામ અને કિસાનોને દામએ ભાજપનો મંત્ર છે. ભાજપ હંમેશા વિકાસના રસ્તે ચાલ્યું છે અને આજ દિશામાં આગળ વધી ગુજરાતને શિખર ઉપર પહોચાડવા માંગે છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલાવાડ રોડ દ્વારા આયોજીત સ્ટડી સર્કલમાં ઉપસ્થિત ૮૦૦૦થી વધુ યુવાનોને તેઓ સંબોધીત કરી રહ્યા હતા. આ કાર્યક્રમનો હેતુ યુવા જગતમાં ભારત પ્રત્યે અસ્મીતા પ્રગટાવી ભારતના ભાવિને ઉજ્જવળ કરવાનો હતો.

આજના યુવાનો ભારતનું નામ વિશ્વમાં જળહળતું કરવા માટે સક્ષમ છે. આપણા દેશની પપથી ૬૦ ટકા વસ્તી યુવાનોની છે અને તેમના હાથમાં દેશનું ભવિષ્ય છે. તેમણે ડીજીટલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રે વધુને વધુ યુવાનો સહભાગી બની રહ્યા છે એ પણ જણાવ્યુ હતું. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શ્રી વિજયભાઇએ કહ્યું હતુ કે મુસ્લીમવોટ બેન્ક ખાતર કોંગ્રેસના નેતાઓએ વર્ષો સુધી દેશની જનતાને અન્યાય કયો છે. કોંગ્રેસ હંમેશા તૃટીકરણની રાજનીતિ અપનાવે છે જયારે ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે. મુખ્યમંત્રીએ નોટબંધી અને જીએસટી જેવા પગલાને ઐતિહાસિક ગણાવ્યા હતા અને કહ્યું હતુ કે આ પગલાઓથી દેશાનું અર્થતંત્ર બદલાયું છે અને વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે.

આ કાર્યક્રમમાં જાણીતા લેખક ડો.શરદભાઇ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. પૂ. અપુર્વમુની સ્વામીએ 'હમ ચલે તો હિન્દુસ્તાન ચલે' વિષય ઉપર વકતવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

(4:05 pm IST)