Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

છેતરપીંડીના કેસમાં યુવા સરદાર શરાફી મંડળીના સંચાલકની જામીન અરજી રદ

રાજકોટ તા. ૭: રાજકોટનાં માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં યુવા સરદાર શરાફી મંડળી લી.ના સંચાલક સંજય પરષોતમ દોંગા તથા અન્ય વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૦૯, ૪ર૦, ૧ર૦ (બી) મુજબની ફરીયાદ નોંધાવવામાં આવેલ જે અનુસંધાને આરોપીએ રેગ્યુલર જામીન અરજી કરતા સેસન્સ જજશ્રી બી. પી. પુજારાએ આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે ફરીયાદી રાજકોટના રહીશ ધીરૂભાઇ તેજાભાઇ રામાણી તથા અન્ય ફરીયાદીઓએ મવડી રોડ ઉપર આવેલ યુવા સરદાર શરાફી મંડળી લી.ના સંચાલક સંજય પરષોત્તમ દોંગા તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ માલવીયા નગર પાોલીસ સ્ટેશનમાં મંડળીના સંચાલકો વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૦૯, ૪ર૦, ૧ર૦ (બી) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી આ ગુન્હાની તપાસ દરમ્યાન કૌભાંડનો આંકડો રૂ. ૧,પ૧,૦૦૦૦૦/- (એક કરોડ એકાવન લાખ) ને આંબી ગયેલ અને આંકડો હજુ વધવાની પુરેપુરી શકયતાઓ રહેલ છે આ ગુન્હા અનુસંધાને કૌભાંડના મુખ્ય સુત્રધાર સંજય પરષોતમ દોંગાની પોલીસે ધરપકડ કરેલ અને રીમાન્ડ સમય પુર્ણ થયા બાદ આરોપી સંજય દોંગાને જેલ હવાલે કરવામાં આવેલ. આરોપીએ તેના વકીલશ્રી મારફત રેગ્યુલર જામીન ઉપર છુટવા અરજી દાખલ કરેલ હતી જેની સુનવણી થતા મુળ ફરીયાદીના એડવોકેટ શ્રી સંજયભાઇ પંડિત તેમજ સરકારી વકીલશ્રી એ કરેલ દલીલો અને રજુ રાખેલ વડીઅદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇ આરોપી સંજય પરષોત્તમ દોંગાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામે મુળ ફરીયાદી વતી એડવોકેટ સંજય પંડિત તેમજ સરકાર પક્ષે પી.પી.શ્રી અતુલભાઇ જોષી રોકાયેલ હતા.

(3:51 pm IST)