Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

૧૧મી આસપાસ કાશ્મીરથી ઉત્તર ગુજરાત સુધી વરસાદ પડશે : તા.૧૨થી ૧૪ ન્યુનતમ તાપમાન ઘટશે

બંગાળની ખાડીનું ડિપ્રેશન ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડીસ્સાના દરિયાકિનારા નજીક બે દિ'માં પહોંચશે : જો કે સૌરાષ્ટ્ર - ગુજરાતને અસરકર્તા નથી : તા.૧૦ આસપાસ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છને લાગુ વિસ્તારમાં ઝાપટા : તા.૧૧ના જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરીયાણા, પૂર્વ યુ. પી., રાજસ્થાન, નોર્થ એમ. પી., લાગુ ઉત્તર ગુજરાત અને લાગુ કચ્છમાં વરસાદની સંભાવના : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૭ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આ અઠવાડીયે ઠંડીમાં વધ-ઘટ જોવા મળશે. તા.૧૨ થી ૧૪ ડિસેમ્બર દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. બંગાળની ખાડીનું ડિપ્રેશન ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડીસ્સાના દરિયાકિનારા નજીક બે દિવસમાં પહોંચશે. જો કે આ સિસ્ટમ્સની અસર ગુજરાતમાં નહીં થાય તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન છે. જે મુખ્યત્વે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે જેથી ઉત્તર આંધ્ર અને દ. ઓડીસ્સાના દરિયા કિનારા નજીક બે દિ'માં પહોંચશે. આ સિસ્ટમ્સથી ગુજરાતને કોઈ અસર નહિં થાય.

હાલમાં છેલ્લી સિસ્ટમ ''ઓખી''ના લીધે ત્રણેક દિવસ બિલકુલ તડકો ન નીકળો એટલે મહત્તમ તાપમાન એકદમ ગગડી ગયુ અને સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં હીલસ્ટેશન જેવો માહોલ બની ગયેલ. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી હતું જે નોર્મલથી ૧૨ ડીગ્રી નીચુ હતું પણ ન્યુનતમ તાપમાન ૧૫.૩ હતુ જે બે ડીગ્રી નોર્મલથી નીચુ હતું. રાજકોટમાં મહત્તમ ૨૨.૮ (૮ ડિગ્રી નોર્મલથી નીચુ), ૧૪.૧ ડિગ્રી ન્યુનતમ (૧ ડિગ્રી નોર્મલથી નીચુ) નોંધાયેલ.

આજથી વાતાવરણ ચોખ્ખુ બન્યુ છે. જેથી મહત્તમ તાપમાન આવતીકાલ સુધીમાં ફરી નોર્મલ તરફ વધશે.

૯મી સુધી નોર્મલ પરંતુ ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી નીચુ થઈ જશે. ૧૧મીથી ફરી મહત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થશે તેવી જ રીતે તા.૧૨ થી ૧૪ વચ્ચે ન્યુનતમ તાપમાન પણ ઘટશે. તા.૧૦ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમ રાજસ્થાન તેમજ કચ્છને લાગુ વિસ્તારમાં ઝાપટાની શકયતા છે. જે તા.૧૧ના જમ્મુ કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, પૂર્વ યુપી, રાજસ્થાન, નોર્થ એમ. પી. લાગુ ઉત્તર ગુજરાત અને લાગુ કચ્છમાં વરસાદની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયાચ બાદ ન્યુનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

(3:37 pm IST)