Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સિવિલમાં ન્યુરો સર્જન નથી તેમ કહી દેવામાં આવતાં ગંભીર ઇજાગ્રસ્ત ટ્રાફિક વોર્ડનની જિંદગી જોખમાઇ

માંડા ડુંગર પાસે બાઇક અથડાતાં સિવિલમાં ખસેડાયો...પરંતુ બબ્બે ન્યુરો સર્જન હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર કરાયો : વિધવા માતાના એક જ આધાર કિશન રાજ્યુગરૂને ગંભીર ઇજા હોવા છતાં એકસ-રે સહિતની પ્રાથમિક કાર્યવાહી પણ ન કરાઇઃ ભયભીત કૌટુંબીક ભાઇએ ફંડફાળા કરી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યોઃ ન્યુરો સર્જન હોવાની વાતથી ઇમર્જન્સી વોર્ડનો સ્ટાફ અજાણ કે શું?

ગંભીર ઇજાગ્રસ્ત ટ્રાફિક વોર્ડન કિશન રાજ્યગુરૂ

રાજકોટ તા. ૭: પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં માથામાં થતી ગંભીર ઇજાઓની સારવાર માટે ન્યુરો સર્જન ન હોવાથી આ જગ્યા પર તબિબની નિમણુંક કરાવવા જીવદયા પ્રેમી મુકેશ સવજીભાઇ ખોયાણી (પટેલ)એ લાંબી લડત આપી હતી. છેલ્લે તેને જેલની હવા પણ ખાવી પડી હતી. ત્યારબાદ એક નહિ પણ બબ્બે ન્યુરો સર્જનની સેવા ઉપલબ્ધ કરાવાઇ હતી. આ ન્યુરો સર્જન વારાફરતી ઓપીડી અને ઓપરેશનમાં હાજરી આપે છે. જો કે આમ છતાં ગત રાત્રે વાહન અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા સાથે આવેલા ટ્રાફિક વોર્ડન બ્રાહ્મણ યુવાન કિશન ભૂપતભાઇ રાજ્યગુરૂ (ઉ.૨૫) નામના બ્રાહ્મણ યુવાનને સિવિલમાં ન્યુરો સર્જન નથી, આવે તો કયારે આવે એ નક્કી ન હોય...તેવું કહી તેના સ્વજનોને ભયભીત કરી કિશનને ખાનગી હોસ્પિટલમાં લઇ જવા મજબુર કરાયા હતાં. એક તરફ ગંભીર ઇજા અને ઉલ્ટીઓ પણ થવા માંડી હોઇ સ્વજનો કિશનને લઇને દોડધામ બાદ દોશી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. ત્યાંથી આજે તેને પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગોંડલ રોડ પુનિતનગર-૮માં રહેતાં અને ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતાં કિશન રાજ્યગુરૂને ગત રાત્રે સાડા નવેક વાગ્યે બાઇક હંકારીને આજીડેમ ચોકડી પાસે જતી વખતે સામેથી અન્ય બાઇક ચાલક અકસ્માત સર્જી ભાગી જતાં ઉછળીને ડિવાઇડરમાં અથડાતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. તને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણ થતાં તેનો પિત્રાઇ ભાઇ દિપેશભાઇ સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં.

દિપેશભાઇના કહેવા મુજબ કિશનને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને ઉલ્ટીઓ પણ થવા માંડી હતી. પરંતુ ઇમર્જન્સી વોર્ડમાંથી તેને એકસ-રેમાં મોકલ્યા વગર જ કે બીજી તપાસ કરાયા વગર જ અમને કહી દેવાયું હતું કે અહિ ન્યુરો સર્જન નથી, કયારે આવે એ પણ નક્કી ન હોય...આવી વાતોથી અમે ગભરાઇ ગયા હતાં અને લોહી બંધ થતું ન હોઇ તેમજ ઉલ્ટીઓ પણ ખુબ થતી હોઇ અમે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા મજબૂર થયા હતાં. કિશનના પિતા હયાત નથી. માતા રમાબેન પણ બિમાર છે. કિશન તેમનો એકનો એક દિકરો છે. આર્થિક હાલત એવી નથી કે કિશનને ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ શકાય. આમ છતાં અમે તેનો જીવ બચાવવા મિત્રો-સગાની પાસેથી આર્થિક મદદ મેળવી હતી અને થોડા ઘણા રૂપિયા મારી પાસે હોઇ અમે કિશનને એચ. જે. દોશી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાં હેમરેજ હોવાનો અને ઓપરેશન આવશે તેવો રિપોર્ટ આવ્યો હતો. હવે કિશનને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

દિપેશભાઇએ કહ્યું હતું કે સિવિલમાં બબ્બે ન્યુરો સર્જન હોવાની વાત અમને જાણવા મળી છે. જો કે આમ છતાં ઇમર્જન્સીમાં અમારા ભાઇની હાલત અત્યંત ગંભીર હતી ત્યારે જવાબદાર કર્મચારીઓએ ન્યુરો સર્જન નિયમીત નથી, આવે તો આવે...તેવું કહી અમને ભયભીત કરી મુકયા હતાં. આ બાબતે તબિબી અધિક્ષકે ધ્યાન આપવું જરૂરી છે.

તબિબી અધિક્ષકે હાલમાં બે ન્યુરો સર્જનની સેવા ઉપલબ્ધ હોવાનું કહ્યું છે. પરંતુ આ સેવા સિવિલમાં મળી રહી હોવાની વાતથી બીજો સ્ટાફ શું અજાણ હશે? તેવો સવાલ અહિ ઉભો થયો છે. બબ્બે ન્યુરો સર્જન નિયમીત સેવા આપે છે તો શા માટે ટ્રાફિક વોર્ડનને અન્યત્ર લઇ જવા તેના સગાઓને જણાવાયું? તે સવાલ છે. બેદરકારી દાખવી ગંભીર ઇજાગ્રસ્ત દર્દીની જિંદગી જોખમમાં મુકનારા કોણ? શા માટે તેણે ન્યુરો સર્જન નથી તેવું કહ્યું? આ બાબતે સત્તાધીશોએ તપાસ કરવી ઘટે. અન્યથા ન્યુરો સર્જન હોવા છતાં દર્દીઓ અને તેના સ્વજનો સાથે આવા વર્તન થતાં રહેશે.

 

(3:36 pm IST)