Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રાજકોટ શહેર-જીલ્લાના ૬૧૯૫ દિવ્યાંગોને મતદાન કરાવવા ૨૧૧૬ ગાઇડ

પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણી માટે તંત્ર સજ્જ હોવાની જાહેરાત કરતા કલેકટર વિક્રાંત પાંડેઃ શહેર-જીલ્લામાં શાંતિ પૂર્ણ સ્થીતીઃ તંત્ર દ્વારા દારૂ ગોળા સાથે ર હથિયાર, ૩૮ લાખનો દારૂ, જપ્ત કરાયાઃ લાયસન્સ વાળા ૩૩૪૮ હથિયાર જપ્તઃ ૧૦૫૮૮ કેસઃ

 

રાજકોટ, તા. ૭ :. આગામી તા. ૯ને શનિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કલેકટર ડો. વિક્રાંત પાંડેએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ કે શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સંપૂર્ણ શાંત પરિસ્થિતિ છે અને મતદાન માટે કલેકટર તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેઓએ ખાસ ઉમેર્યુ હતુ કે, આ વખતે દિવ્યાંગ મતદારોનો તંત્ર દ્વારા પુરો ખ્યાલ રાખવામાં આવશે. શહેર જિલ્લામાં કુલ ૬૧૯૫ દિવ્યાંગો માટે ૨૧૧૬ ગાઈડ (માર્ગદર્શક)ની નિમણૂકો કરી દેવાય છે. જે લોકો દિવ્યાંગોને મતદાન માટે સહાય કરશે અને મતદાન મથક સુધી દોરી જશે. આ માટે નોડલ ઓફિસર તરીકે સમાજ કલ્યાણ અધિકારીની ખાસ નિમણૂક કરાય છે.

કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલ પગલા અંગે કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે, આજ દિન સુધીમાં બે હથીયારો દારૂગોળા સાથે જપ્ત કરાયા છે તથા લાયસન્સવાળા ૩૭૭૨ હથીયારો પૈકી ૩૩૪૮ હથીયારો જમા કરાવી દેવાયા છે. આ ઉપરાંત ૧૦૭ જેવી કલમો હેઠળ કુલ ૧૦૫૮૮ કેસ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય ૧૦૭૦ કેસ દાખલ કરાયા છે. અત્યાર સુધીમાં ૧૯૮૮૧ બોટલ દેશી-વિદેશી દારૂ જેની કિંમત ૩૮ લાખ જેટલી થાય છે તે જપ્ત કરાયો છે.

કલેકટરશ્રીએ ઉમેર્યુ હતુ કે આગામી તા. ૯મીએ શહેર જિલ્લાના ૨૧૫૮ મતદાન મથકો ઉપર ૨૦૬૪૭૫૯ મતદારો મતદાન કરશે આ માટે તંત્રએ પુરી તૈયારી કરી છે. આ પત્રકાર પરિષદમાં કલેકટર શ્રી ઉપરાંત એડીશ્નલ કલેકટર હર્ષદ વોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મિતેષ પંડયા તેમજ માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:29 pm IST)