Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગુજરાત દુનિયાનુ વિકાસ મોડેલઃ કોંગ્રેસે રામ મંદિર મુદ્દે કોઇ કામ કર્યુ નથીઃ યોગી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સામાકાંઠે ચૂંટણી સભા સંબોધીઃ કોંગ્રેસ પર કર્યા પ્રહારો

રાજકોટઃ ઉતરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની સામા કાંઠે પાણીના ઘોડે જાહેરસભા યોજાઇ હતી. તે પ્રસંગની તસ્વીરમાં રાજકોટ પુર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, રાજુભાઇ ધ્રુવ, વલ્લભભાઇ કથીરીયા, કિશોર રાઠોડ, વલ્લભભાઇ દુધાત્રા, માંધાતાસિંહજી જાડેજા સહિતના આગેવાનો  યોગીજીને હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. આ સાથે મંચ પર કોર્પોરેટર અશ્વીનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, મુકેશભાઇ રાદડીયા,  અનિલ રાઠોડ તથા ભાનુબેન બાબરીયા, ટપુભાઇ લીંબાસીયા, ગુણવંતભાઇ ડેલાવાળા સહિતના આગેવાનો, સંતો ઉપસ્થિત રહયા હતા. યોગીજીને સાંભળવા આવેલ ચિક્કાર જનમેદની નજરે પડે છે. (તસ્વીરઃ અશોકભાઇ બગથરીયા)

રાજકોટ, તા., ૭: વિધાનસભાની ચૂંટણીમાં હવે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે ભાજપ - કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પણ હવે ચરમસીમા ઉપર છે. છેલ્લા દિવસોમાં બંને પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે રાજકોટ શહેર ભાજપે પણ ચુંટણી પ્રચારનાં અંતિમ દિવસે ઉત્તરપ્રદેશના અત્યંત લોકપ્રિય અને  આક્રમક વકતા 'યોગી આદિત્યનાથજી'ની જાહેરસભાનું સામાકાંઠે પાણીના ઘોડે   ચૂંટણી સભા સંબોધી હતી, અહીં તેઓએરાહુલ ગાંધીથી લઇને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. યોગીએ કહ્યું કે જયારે જયારે ગુજરાત પર મુસીબતો આવી ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં હોય છે, યોગીએ કહ્યું કે કોંગ્રેસ દેશના લોકોને જાતી આધારે વહેંચવાના કાર્ય કરે છે.

શહેરના પેડક રોડ પર ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરસભાને સંબોધી હતી, અહીં તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી લઇને રાહુલ ગાંધી સુધી તમામ પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો, યોગી આદિત્યનાથે કહ્યું કે ગુજરાતમાં ગોધરાકાંડ, ભૂકંપ, વાવાઝોડા જેવી મુસીબતના સમયે રાહુલ ગાંધી લોકોની સાથે રહેવાની બદલે પીકનીક મનાવવા જતા રહે છે.

વધુ શ્રી યોગીજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના પ્રચાર આજે સાંજે પુર્ણ થવાના આરે છે. ગુજરાત વિકાસના મોડેલ કયાં રૂપમાં આગળ લઇ જવુ એ ફેંસલો તમારા હાથમાં છે. દેશ નહિ પરંતુ પુરી દુનિયા ગુજરાતને વિકાસ મોડેલ તરીકે સ્વીકારે છે. એક વર્ષ પહેલા ચૂંટણી થઇ ત્યારે રાષ્ટ્રપતિના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પ્રશ્ન કર્યો કે અમેરિકાનો વિકાસ કેવી રીતે કરશો ? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે નરેન્દ્રભાઇ મોદી ભારતનો વિકાસ કરે છે તેમ હું અમેરિકાનો વિકાસ કરીશ.

કોંગ્રેસ વિકાસની શું વાત કરશે ?

યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસને ગુજરાતમાં વિકાસ પર બોલવાનો કોઇ હક્ક જ નથી. ઉતરપ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધી ચારવાર સાંસદ, સોનિયા ગાંધી, રાજીવ ગાંધી, ઇન્દીરા ગાંધી સહિતની ચાર પેઢીઓ સાંસદ રહ્યા છે પરંતુ અમેઠીમાં કલેકટર કચેરી આજની તારીખે ખખડધ્વજ જોવા મળી રહી છે.

ગુજરાતની ચૂંટણીએ રાહુલ ગાંધીને મંદિરે-મંદિરે જતા શિખવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કાશીનાથ મંદિરમાં રાહુલ ગાંધીને મંદિરમાં કેમ બેસવુ તેવી ટકોર પુજારીએ કરી હતી.

ગુજરાતની વિધાનસભા ભાજપ જીતશે તેમા કોઇ શંકાને સ્થાન નથી. પ્રચંડ બહુમતથી જીતાડવા લોકોને અપીલ કરી હતી. કોંગ્રેસે યુપીની સ્થિાનિક ચૂંટણીઓમાં પછડાટ મળી છે ત્યારે ગુજરાતમાં પછડાટ મળશે તેવો વિશ્વાસ યોગીજીએ વ્યકત કરેલ.

રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો

   છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા રામ મંદિર મુદ્દે આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસના નેતા દર વખતે રામ મંદિર બનાવવાની તારીખો માગે છે, પરંતુ રાહુલ ગાંધીએ તેમને પૂછવું જોઇએ કે તેઓ કયાં મોઢે આ તારીખો માગે છે, કોંગ્રેસે રામ મંદિર મુદ્દે કોઇ કામ કર્યું હતું, કોંગ્રેસે હંમેશા દેશને જાતિવાદના નામે લડાવવાનું કામ કર્યું છે.

અંતમાં શ્રી યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશને આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતના સુખદુઃખમાં નરેન્દ્રભાઇ મોદી સાથે રહ્યા છે. રાજકોટની ચારેય બેઠક પર ભાજપને ઝળહળતો વિજય થશે તેવો દાવો તેઓએ કર્યો હતો.

જાહેરસભાની સાથે સાથે

*  યોગી આદિત્યનાથજી બપોરે ૧૨-૨૦ વાગ્યે સભા સ્થળે પહોંચ્યા.

*  સવારે ૯.૩૦ વાગ્યાથી સભા સ્થળે જનમેદનીએ ત્રણ કલાક સુધી સ્થાનીક નેતાઓને સાંભળ્યા.

*  યોગીજીએ માત્ર ૧પ મીનીટનાં સંબોધનમાં તમામ મુદ્દાઓને આવરી લેતું જુસ્સાદાર પ્રવચન કર્યુ.

*  સભા સ્થળ યોગી ...યોગીનાં નારાથી ગુંજી ઉઠયું.

*  કોંગ્રેસનાં ૪ આગેવાનો સહીત પ૦૦ કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ. અરવિંદ રૈયાણી તથા મેયર ડો. જૈમન ઉપાધ્યાયે તમામને કેસરીયા ખેસ પહેરાવી આવકાર્યા.

*  સભાના મંચ ઉપર યોગીજીનાં હસ્તે... લાખેશ્વર મહાદેવ મંદિરનાં મહંત દાસબાપુ, હીમાચલનાં નિરંજનજી, રામેશ્વરદાસ વગેરે સંતોનું શાલ ઓઢાડી સન્માન કરાયું.

*        આ જાહેર સભામાં છતીસગઢનાં સુર્યકાન્ત રાઠોડ તથા ઉતરપ્રદેશનાં રાજેન્દ્ર પાંડે, અરવિંદભાઇ વગેરે વકતાઓએ પણ પ્રવચન આપ્યા.

(3:27 pm IST)