Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગોંડલ ધારાસભ્ય જયરાજસિંહનું દબદબાભર્યુ સ્વાગત

રાજકોટમાં માલવીયા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવીને ગોંડલમાં આગમનઃ હજારો કાર્યકરો ઉમટી પડયાઃ ચૂંટણી પ્રચારમાં ગરમાવોઃ શહેરના પ્રવેશદ્વારે ભાવભીના વધામણાઃ રોડ શો જેવો સર્જાયો માહોલઃ બાઈક રેલી

આજે સવારે રાજકોટ થઈને ગોંડલ પહોંચેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોંડલ પહોંચ્યા ત્યારે ઉપસ્થિત ટોચના ભાજપ અગ્રણીઓ તથા હજારો સમર્થકો તેમનું ભાવભીનુ અને ગગનભેદી સૂત્રોચ્ચાર તથા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યુ હતું તે સમયની તસ્વીર. પ્રથમ તસ્વીર જયરાજસિંહ જાડેજા હાઈકોર્ટના ડાયરેકશન સાથે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે હાજરી પુરાવી હતી ત્યારની તસ્વીર બાજુમાં ધારાસભ્ય જાડેજાએ ગોંડલના પાદરમાં આવેલ હાજરાહજુર માં આશાપુરાને વંદન કર્યા તે સમયની છે. નીચે ધારાસભ્ય જાડેજા તથા ભાજપના ઉમેદવાર શ્રીમતી ગીતાબા જાડેજાની સજોડે ફાઈલ તસ્વીર છે. અંતિમ તસ્વીરમાં ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આવકારવા ઉમટી પડેલ હજારો સમર્થકો તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ :. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આજે નામદાર હાઈકોર્ટની પરવાનગી અનુસાર રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી ગોંડલ રવાના થયા હતા જ્યારે ગોંડલના પ્રવેશદ્વારે તેમના ભાવભીના વધામણા થયા હતા. ગોંડલ શહેર અને તાલુકાના હજારો આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયા હતા અને લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. ગોંડલના પાદરમાં આશાપુરા માતાના દર્શન કરી સમર્થકો અભિવાદન ઝીલીને તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે રોડ શો અને બાઈક રેલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આજે સવારે ૮ વાગ્યે ગોંડલના લોકપ્રિય ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજા ગોંડલ રવાના થયા હતા જ્યાં ગોંડલના પ્રવેશદ્વારે આવેલા જગદંબા આશાપુરા માતાજીના મંદિરે વહેલી સવારથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

આખી બાયની જર્સીમાં સજ્જ જયરાજસિંહ જાડેજા ગોંડલ ખાતે આવી પહોંચતા હજારો સમર્થકોએ ચીચીયારી કરી તેમને આવકાર્યા હતા.

ભાજપના ટોચના આગેવાનો જેન્તીભાઈ ઢોલ, રમેશ ધડુક, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, રીનાબેન ભોજાણી, મનીષાબેન સાવલીયા, પ્રવિણ રૈયાણી, અશોક પીપળીયા, પ્રફુલ ટોળીયા, અલ્પેશ ઢોલરીયા, એડવોકેટ નરેન્દ્રસિંહ ઝાલા, રણવીરસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, સમીર કોટડીયા, કનકસિંહ પાંચીયાવદર, ધર્મેન્દ્રસિંહ સહિતના આગેવાનોએ જયરાજસિંહને આવકાર્યા હતા.

ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આવકારવા ગોંડલ વિધાનસભા બેઠકમાં આવતા ગામડાઓ ઉપરાંત જામકંડોરણા, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા તાલુકામાંથી પણ આગેવાનો ઉમટયા હતા.

ગોંડલમાં જયરાજસિંહનું આગમન થતા જ મંદિરે દર્શન કર્યા બાદ ઘેર જતી વેળાઓ રોડ-શો તથા બાઈક રેલી જેવુ વાતાવરણ ખડુ થઈ ગયુ હતુ.

ચૂંટણી આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે જયરાજસિંહ જાડેજાની હાજરી માત્રથી આગેવાનો અને કાર્યકરોમાં વધુ અનેરી ચમક આવી ગઈ હતી.

બીજી તરફ ગોંડલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજાને ગોંડલ વિસ્તારમાં અનેરો પ્રતિસાદ મળી રહ્યા છે.

ભાજપ ઉમેદવાર ગીતાબાના પ્રચારાર્થે થતા જનસંપર્કમાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ઉમટી રહ્યા છે અને વેપારીઓ, પાટીદારો તથા ઈત્તર વર્ગમાં તેમને જબરૂ જનસમર્થન મળી રહ્યુ છે.

(11:56 am IST)