Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

લક્ષ્મીવાડીના ફાયનાન્સર સંજયરાજસિંહ ઉર્ફ ચિન્ટૂ ઝાલાને બે પિસ્તોલ કાર્ટીસ સાથે એસઓજીએ પકડ્યો

દિવાળીના તહેવાર ટાણે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત એલર્ટ : અગાઉ દૂકાન સળગાવવાના અને મારામારીના ગુનામાં સંડોવણીઃ છોટાઉદેપુરના કવાટના બે શખ્સો આપી ગયાનું રટણ : હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોહિતસિંહની બાતમી પરથી પીઆઇ આર.વાય. રાવલ અને ટીમની કાર્યવાહી

 એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ આર.વાય. રાવલ અને ટીમ, કબ્જે થયેલી પિસ્તોલ તથા પકડાયેલો શખ્સ (છેલ્લે) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સતત એલર્ટ છે. આ વચ્ચે એસઓજીની ટીમે લક્ષ્મીવાડી-૭/૧૬ના ખુણે શ્રીકૃષ્ણ નિવાસ ખાતે રહેતાં અને ફાયનાન્સનું કામ કરતાં સંજયરાજસ્િંહ ઉર્ફ ચિન્ટૂ મહેન્દ્રસિંહ ઉર્ફ જગતસિંહ ઝાલા (ઉ.વ.૨૭)ને રૂ. ૨૦ હજારની બે દેશી પિસ્તોલ અને બે જીવતા કાર્ટી સાથે પકડી લીધો છે.

આ શખ્સ પાસે ગેરકાયદેસર હથીયાર આવ્યા હોવાની પાક્કી બાતમી એસઓજીના હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને મોહિતસિંહ જાડેજાને મળતાં વોચ રાખી લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી પકડી લીધો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ અગાઉ કાલાવડ રોડ પર આશાપુરા પાન નામની દૂકાન સળગાવવાના ગુનામાં તેમજ એક મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ફાયનાન્સનું કામ હોઇ અને માથાકુટ ચાલતી હોઇ જેથી છોટાઉદેપુરના કવાટના બે શખ્સો મારફત આ દેશી પિસ્તોલ મંગાવ્યાનું તે રટણ કરે છે. અગાઉ કોઇ હથીયારો મંગાવ્યા હતાં કે કેમ? ખરેખર કેટલા હથીયાર આવ્યા હતાં? આપનારા કોણ? એ સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલ, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, હેડકોન્સ. ભાનુભાઇ, કિશનભાઇ, ધર્મેન્દ્રસિંહ, મોહિતસિંહ, કોન્સ. હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયા, રણછોડભાઇ આલ અને જયવીરભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(2:47 pm IST)