Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

શાપર-વેરાવળમાંથી ડેમોના બહાને ૩ શખ્‍સો મીની ટ્રેકટર ઉપાડી ગયા! છેતરપીંડીની ફરીયાદ

ડી.કે.ડિઝલના કર્મચારીને ટ્રેકટર જોવાના બહાને બોલાવી રૂપીયા ટંકારા પાસે આપી દેશે તેમ કહી ઠગાઇઃ પીઠડના ૩ શખ્‍સો સામે ફરીયાદ

રાજકોટ, તા., ૭: શાપર-વેરાવળની ફેકટરીમાંથી ડેમોના બહાને મીની ટ્રેકટર ગામડે જોવા બોલાવી ૩ શખ્‍સો મીની ટ્રેકટર લઇ ગાયબ થઇ જતા પોલીસમાં છેતરપીંડીની ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલ ડી.કે.ડીઝલ પ્રા.લી.માં નોકરી કરતા  દિનેશ ગોવિંદભાઇ ડાંગર (રહે. પારડી)એ આરોપી રમેશ, રમણીક પઢીયાર ઉર્ફે હબુડીયા-ઢબુડીયા (રહે. બંન્ને પીઠડ ગામ, જી. જામનગર) તથા અજાણ્‍યા શખ્‍સ સામે શાપર-વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ઉકત આરોપીએ પોતાના ખોટા નામ ધારણ કરી  ફરીયાદીના શેઠ દિનેશભાઇ ગોલ સાથે ફોન દ્વારા વાતચીત કરી વિશ્વાસમાં લઇ મીની ટ્રેકટર ૩ વ્‍હીલ છનેડાનો ડેમો પોતાના ગામ રસનાળા ગામે આવવાનું કહેતા ફરીયાદી કંપનીના વાહન મીની ટ્રેકટર ૩ વ્‍હીલ જેના એન્‍જીન નં. એ-૯ જી ૧૩ર૮ ૬૦૮ કિંમત ૧.૬૦ લાખ વાળુ લઇ ટંકારાના ધુનડા ખાનપર ગામ પાસે સીમમાં લઇ ગયા હતા. એ દરમિયાન ટ્રેકટર વાડીએ મુકી દઇ  રૂા. ૧.૬૦ લાખ ટંકારાના ખીજડીયા ચોકડી પાસે ચાની હોટલે આપી જશે તેમ કહેતા ફરીયાદી દિનેશ ડાંગરભાઇ ત્‍યાં જતા આ ત્રણેય શખ્‍સો જોવા મળ્‍યા ન હતા. તેમજ જયાં ટ્રેકટર મુકયું હતું તે વાડીએથી ટ્રેકટર પણ ગાયબ હતું.

આ ફરીયાદ અન્‍વયે શાપર-વેરાવળ પોલીસે આઇપીસી ૪૧૯, ૧૧૪ મુજબ ગુન્‍હો દાખલ કરી ઉકત ત્રણેય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(4:43 pm IST)