Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સરકાર સામે ખોટો કેસ કરવા બદલ કામદારને ૨૦ હજારનો દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ તા ૭  : મજુર અદાલત દ્વારા અરજદારે સરકાર સામે ખોટો કેસ કરેલો હોય દંડ પેટે સરકારશ્રીને રૂા૧૦,૦૦૦/- તથા  કોર્ટનો અમુલ્ય સમય બગાડવા બદલ બીજા ૧૦,૦૦૦/- કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરેલ હતો.

આ  કેસની હકીકત એવી છે કે, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ પેટા વિભાગ ઉપલેટા વિરૂધ્ધ વિજયસીંહ રણજીતસિંહ  વાળા દ્વારા પરચુરણ અરજી દાખલ કરી અગાઉ રેફરન્સ (એલ.સી.આર.)માં આવેલ એક તરફી હુકમને રદ કરવા વાસ્તે હાલની અરજી દાખલ કરેલ. અરજદારે એવી રજુઆત કરેલ હતી કે મુળ કેસમાં તેઓને રજુઆત કરવાની તક મળેલ ન હતી, જેથી મુળ કેસમાં આવેલ હુકમ રદ કરી મુળ કેસ ફરી ફાઇલે લઇ બાય પાર્ટી ચલાવવા માંગણી કરેલ.

સામાવાળા સરકાર પક્ષે સરકારી વકીલશ્રી એ.એસ. ગોગીયા દ્વારા હાજર રહી એવી રજુઆત કરેલ કે, મુળ કેસ કયારેય એક તરફી ચાલેલ જ ન હતો, તેમજ અરજદારનો  મુળ કેસ કયારેય એક તરફી ચાલેલ જ ન હતો, તેમજ અરજદાર મુળ કેસમાં કોર્ટ સમક્ષ ૧૨ મુદતે હાજર રહેલ હતા, જેથી મુળ કામ એક તરફે આવેલ હોય તેવું કહી શકાય નહીં.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મજુર અદાલત નં.-ર ના ન્યાયધીશશ્રી દ્વારા સમગ્ર બાબતો અને કેસમાં પડેલ પુરાવો  પડેલ વગેરે ધ્યાને લઇ એવા તારણો આપેલ કે અરજદારે અરજી સાથે નિયમ ૨૬(એ) (૩) મુજબનું સોગંદનામુ આપેલ નથી એવું માનવામાં આવે છે કે અરજદારોએ એક પણ દિવસ સામવાળા સંસ્થામાં કામ કરેલ ન હોવા છતાં ફોલ્સ કલેઇમ માંગણાનું નિવેદન રજુ કરવું તે આઇ.પી.સી. કલમ ૨૦૯ નો ગુન્હો છે અને તે  માટે સી.આર.પી.સી. કલમ-૩૪૦ મુજબની ઇન્કવાયરી કરવા કોર્ટ પ્રેરાય છે, તેમજ આવા ફોલ્સ કલેઇમ્સ અન્ય ગુણવતાવાળા કેસોના ભોગે જે રીતે અને જે માત્રામાં સમય ખર્ચવા પડેલ છે તે તમામ સંજોગો તથા કેસમાં પડેલ તમામ પુરાવાઓની મુલવણી કરતા  તેમજ સર્વોચ્ચ અદાલત તથા વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લેતા અરજદારે દશ હજાર રૂપિયા કોસ્ટ સામવાળા સિંચાઇ વિભાગને ચુકવવાનો તથા દશ હજાર રૂપિયા કોસ્ટ પેટે અત્રેની કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કરેલ છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયાએ રજુઆત કરેલ.

(4:10 pm IST)