Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

દોઢ લાખના તગડા પગારવાળી ૫૧ પ્રોફેસરોની ભરતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેગા ભરતીની જાહેરાત પ્રસિદ્ધ : લાંબા સમયથી ખાલી રહેલ વિવિધ ભવનોમાં પ્રોફેસર, એસોસીએટસ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ ૫૧ જગ્યા ભરાશેઃ ઉચ્ચ સત્તાધીશો-સિન્ડીકેટ સમક્ષ ભલામણોનો ધોધઃ લાગવગીયા ફાવશે કે લાયકાતવાળાની પસંદગી થશે ? ચર્ચા

રાજકોટ, તા. ૭ :. છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ શૈક્ષણિક ભવનોમાં ખાલી પડેલી પ્રોફેસરોની ભરતીનો માર્ગ મોકળો થયો છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવન, શિક્ષણશાસ્ત્ર ભવન, રસાયણશાસ્ત્ર ભવન, હોમ સાયન્સ ભવન, અર્થશાસ્ત્ર ભવન, કાયદા ભવન, હિન્દી ભવન, સમાજશાસ્ત્ર ભવન, માનવ અધિકાર ભવન, નૈનો સાયન્સ ભવન, લાયબ્રેરી સાયન્સ ભવન, ભૌતિક શાસ્ત્ર ભવન, ગણિત શાસ્ત્ર ભવન, અંગ્રેજી ભવન, આંકડાશાસ્ત્ર ભવન, ફાર્માસ્યુટીકલ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય શૈક્ષણિક ભવનમાં પ્રોફેસરો, એસોસીએટસ પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ૫૧ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.

અન્ય સરકારી નોકરીમાં માત્ર કોલેજ કે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધ્યાપકોના કામના કલાકના પ્રમાણમાં ખૂબ ઉંચુ પગાર ધોરણ મળતુ હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫૧ પ્રોફેસરોની ભરતીમાં ૧૨ જગ્યાઓ પર પ્રતિ માસ ૧ લાખ ૪૪ હજાર ૨૦૦નુ પગાર ધોરણ છે તો ૩૦ જગ્યાઓ ઉપર પ્રારંભિક ૧ લાખ ૩૧ હજાર ૪૦૦નું પગાર ધોરણ અમલી બનશે.

માતબર પગારવાળી પ્રોફેસરોની ભરતી માટે અત્યારથી જ યુનિવર્સિટીમાં ભારે ચહલપહલ થઈ રહી છે. ઉચ્ચ સત્તાધીશો અને કેટલાક સિન્ડીકેટ સભ્યો ઉપર ભલામણોનો દોર શરૂ થયો છે. આવનારા ત્રણેક માસમાં નેકની કમીટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા ચકાસવા આવી રહી છે, ત્યારે આ ભરતીની જાહેરાત સૂચક ગણાય છે. ભરતી પ્રક્રિયા અને ઈન્ટરવ્યુ કયારે ગોઠવાશે ? તે હાલ અધ્ધરતાલ છે, પરંતુ આવનારા દિવસોમાં મેગા ભરતી થનાર હોવાનું જાણવા મળે છે.

(3:35 pm IST)