Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ઓન લાઇન પ્લાન મંજૂરીનો ભાંડો ફુટયોઃ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા

ક્રેડાઇ અને કન્સલ્ટીંગ એન્જી. એસો.એ ઓન લાઇન પ્લાન મંજૂરીની પોલ મુખ્યમંત્રી પાસે ખોલ્યા બાદ આજે રાજયનાં ટાઉન પ્લાનીંગ અધિકારીઓએ મ્યુ. કોર્પોરેશનમાં તાબડતોબ આર્કિટેકટો સાથે બેઠક યોજી ઓન લાઇન પ્લાન મંજૂરી દુર કરવા ખાત્રી આપીઃ ઓફ લાઇન પ્લાન મંજૂરીનો વિકલ્પ પણ ખૂલ્લો

ઓનલાઇન પ્લાન મંજૂરીની મુશ્કેલી અંગે રાજકોટમાં કન્સલ્ટીંગ ઇજનેરોએ સરકારના અધિકારી શ્રી દતાને આજે મ્યુ. કોર્પોરેશનમાં મળેલી મીટીંગમાં વિસ્તૃત રજુઆતો કરી હતી તે વખતની તસ્વીરમાં એસો.ના હોદેદાર ધર્મેન્દ્ર મીરાણી, કોર્પોરેશનના ટી.પી.ઓ શ્રી સાગઠીયા, એ.ટી.પી. અઢીયા વિગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭ :.. ઓન લાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતી રાજયભરમાં ફેઇલ ગઇ હોવાની અને તેના કારણે ૧૦૦૦ થી વધુ પ્રોજેકટો અટકી પડયાની ક્રેડાઇ ત્થા રાજકોટનાં કન્સલ્ટીંગ સીવીલ એન્જીનીયરોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કર્યા બાદ આજે રાજય સરકારનાં ટાઉન પ્લાનીંગ અધિકારી શ્રી દત્તા ત્થા સરકારી ટી. પી. ઓ. રામકૃષ્ણ રાવ અને પરિખબેન સહિતનાં અધિકારીઓ ગાંધીનગરથી રાજકોટ દોડી આવેલ. અને મ્યુ. કોર્પોરેશનમાં રાજકોટનાં આર્કિટેકટો સાથે બેઠક યોજી ઓન લાઇન પ્લાન મંજૂરીની ક્ષતીઓ વહેલી તકે દુર કરવા ખાત્રી આપી હતી તેમજ ઓફ લાઇન પ્લાનનો વિકલ્પ પણ ખૂલ્લો હોવાનું જણાવેલ.

આ અંગેની વિગતો મુજબ  સરકારે બિલ્ડીંગ પ્લાનમંજુરીમાં ભ્રષ્ટાચાર દૂર કરવા અને પ્રમાણિક લોકોને ઝડપી પ્લાન મંજુરી મળી જાય તેવા શુભ હેતુથી રાજયભરમાં ઓન લાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરીની પ્રક્રિયા ફરજીયાત શરૂ કરાવી છે. પરંતુ આ ઓન લાઇન બિલ્ડીંગ પરમીશનની પદ્ધતિ હજુ સો ટકા સફળ નહીં હોવાની અને તેનાં કારણે નાના-મોટા બિલ્ડરોને નબળી મુશ્કેલીઓ પાડી રહી હોઇ હાલ તુરંત રાજયભરમાં ૧૦૦૦ થી વધુ પ્રોજેકટો અટકી પડતાં વિકાસને બ્રેક લાગી ગઇ હોવાનું અને બાંધકામ ક્ષેત્રના લોકોની દિવાળી બગડી હોવાની સંવેદનશીલ રજુઆત રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રીને ક્રેડાઇ (રાજયભરનાં બિલ્ડરોનું એસો.) અને કન્સ્લ્ટીંગ એન્જી. એસો. દ્વારા કરવામાં આવી હતી.

 રાજયભરમાં સૌ પ્રથમ પ્રાથમિક ધોરણે અને ત્યારબાદ કાયમી ફરજીયાત રીતે ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતી શરૂ કરી દેવામાં આવી છે. જેને અંદાજે સવા બે વર્ષ થયા છે. આમ છતાં રાજદિન સુધી એક પણ બિલ્ડીંગ પ્લાન ૧૦૦ ટકા ઓનલાઇન મંજુર થયો નથી.

ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનનો મુળ હેતુ પેપરલેશ, નોહ્યુમન ઇન્ટરફીયર, ર૪ કલાકમાં બિલ્ડીંગ પ્લાન એ પ્રુવલ અને ઓટો ડીઝીટલ પરમીશન તથા ઓનલાઇન પેમેન્ટ છે. પરંતુ આ એક પણ પધ્ધતિમાં તંત્ર સંપૂર્ણ સફળ નથી રહ્યું. આજે પણ ઓનલાઇન પ્લાન ઇન્ડવર્ડ કરીને ઓફ લાઇન પ્લાન આપવા પડે છે. અને ર૦ થી રપ દિવસે પ્લાનની કાર્યવાહી શરૂ થયા છે. પછી ઓનલાઇન મંજુરીની આશા કયાંથી રાખી શકાય ?

આમ સરકારે બિલ્ડીંગ પ્લાનથી પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા માટે કરેલું આ ડીઝીટલાઇઝેશન હાલ તુરંત રાજયનાં વિકાસની ગાડીને બ્રેક લગાવી રહ્યાની પ્રજાલક્ષી સૌને થઇ રહી છે.

રાજકોટના કન્સ્લ્ટીંગ સિવિલ એન્જીનીયર એસો.નાં હોદ્દેદારો તેમજ ક્રેડાઇનાં હોદ્દેદાર મુખ્યમંત્રી શ્રી રૂપાણીને રૂબરૂ મળ્યા હતા અને ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન મંજુરીથી પધ્ધતિ નિષ્ફળ જઇ રહ્યાની હકીકતો રજુ કરતાં મુખ્યમંત્રી શ્રી ચોકી ઉઠયા હતાં અને આજદિન સુધી તેઓની સમક્ષ અધિકારીઓ ઓનલાઇન બિલ્ડીંગ પરમીશનનાં જે આંકડાઓ રજુ કરતા હતાં તેનાથી હકિકત વધુ બિહામણી જણાતાં મુખ્યમંત્રીશ્રીએ તાબડતોબ શહેરી વિકાસ વિભાગનાં જવાબદાર અધિકારીઓને સ્થળ પર બોલાવીને આખી લાઇન બિલ્ડીંગ પરમીશનની પધ્ધતિમાં જે જે ક્ષતિઓ છે તે દૂર કરવા સુચનાઓ આપી હતી.

જે અન્વયે આજે રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગનાં અધિકારીઓ રાજકોટ દોડી આવેલ. અને ઉપરોકત ક્ષતીઓ દુર કરવા ખાત્રી આપી હતી.

(3:35 pm IST)