Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કોર્પોરેશનની ટેન્ડર-ભરતી પ્રક્રિયામાં પોલંપોલ

ગાંધી મ્યુઝિયમના સંચાલનનો વાર્ષિક ખર્ચ બે કરોડે પહોંચશેઃ સ્માર્ટ સીટીમાં અવારનવાર રિ-ટેન્ડરોઃ ભરતી પ્રક્રિયામાં પરીક્ષાઓ લેવાઈ છતા રિઝલ્ટ અને નિમણૂંક નથી અપાતીઃ વહીવટી વિભાગની કામગીરી સામે ઉઠી રહેલા અનેક સવાલો

રાજકોટ, તા., ૬ : મ્યુ. કોર્પોરેશનમાં વહીવટી વિભાગની ટેન્ડર અને ભરતીની પ્રક્રિયાઓ સામે અનેકવિધ સવાલો ઉઠી રહ્યા છે કેમ કે ૨૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમના અંદર અને બહારના વિભાગના સંચાલકના અલગ-અલગ ખાનગી કોન્ટ્રાકટો અપાતા આ સંચાલનનો ખર્ચ વર્ષે બે કરોડે પહોંચશે.

આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ  મ્યુઝીયમનો બહારનો ભાગ એટલે કે ગાર્ડન, પાર્કીગ,સિકયુરીટી, ફુડકોટ  વગેરેના સંચાલનનો કોન્ટ્રાકટ રૂ. ૭૦ લાખના ખર્ચે ગાંધીનગરની ખાનગી કંપનીને અપાયો છે. જયારે મ્યુઝીયમની અંદરના સંચાલનનો કોન્ટ્રાકટ આ મ્યુઝીયમ બનાવનાર કંપનીને   વર્ષે રૂ. ૧.૨૦ કરોડમાં આપી દેવાયો છે. આમ મ્યુઝીયમના ફકત સંચાલનનો જ ખર્ચ વર્ષે બે કરોડ જેટલો થશે. તે અંગે અનેક સવાલો ઉઠી રહયા છે.

આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા નિર્માણ થનાર સ્માર્ટ સીટી માટેના ટેન્ડરો પણ અવાર નવાર રી-ટેન્ડર થઇ રહયા છે. આ પ્રકારે બીજા અનેક ટેન્ડરો પણ મંજુરીની રાહમાં છે. ટેકનીકલ બીડ મંજુર થયા પછી પણ ટેન્ડરો રદ થઇ રહયા છે.

આ જ પ્રકારે ભરતી પ્રક્રિયામાં પણ અસહ્ય વિલંબ થઇ રહયા છે. કેમ કે આ વર્ષ દરમિયાન પ થી ૬ જેટલી ભરતીની જાહેરાતો કોર્પોરેશન દ્વારા થયેલ. જેમાં મોટા ભાગની ભરતીની પરીક્ષા સહીતની કામગીરી પુર્ણ થઇ ગઇ હોવા છતાં પરીક્ષાના રીઝલ્ટ જાહેર થતા નથી અને નિમણુંકોમાં પણ અસહ્ય વિલંબ થઇ રહયો છે.

આમ કોર્પોરેશનના વહીવટી વિભાગમાં ટેન્ડર પ્રક્રિયા તથા ભરતી પ્રક્રિયામાં પોલંપોલ ચાલતી હોવાની ગરમા-ગરમ ચર્ચાએ જોર પકડયું છે.

અધિકારીની રજા મંજુર થતી નથીઃ દિવાળીએ પણ ફરજ સોંપાતા કચવાટ

કોર્પોરેશનમાં રાજકીય કાર્યક્રમોને કારણે ે અધિકારી-કર્મચારીઓ ઉપર કામનો બોજો  વધતા અનેક અધિકારીઓએ રાજીનામા ધરી દીધાની ચર્ચા છે તેવા વખતે જ આવતીકાલે દિવાળીના દિવસે પણ અધિકારીઓને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજીયાત હાજરી આપવા ફરજ સોંપવામાં આવી છે. એટલુ જ નહી અનેક અધિકારીઓની રજાની ફાઇલો બે-ત્રણ મહિનાથી સુપર કમિશ્નરોના વાંકે  મંજુર થતી નથી. તો વળી કેટલાક અધિકારીઓ વગર રજાએ કોર્પોરેશનના ખર્ચે અથવા કોન્ટ્રાકટરના ખર્ચે અભ્યાસના નામે દેશ-વિદેશના પ્રવાસો કરી રહયા હોય આ બાબતે પણ જબરો કચવાટ જોવા મળી રહયો છે.

(3:33 pm IST)