Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પતિએ કુહાડી ઝીંકી પત્‍નીને પતાવી દીધી

મજુરી કામ બાબતે ઝઘડો થતા પરપ્રાંતીય દિનેશે પત્‍ની રમીલાનું ઢીમ ઢાળી દીધું: આરોપી દિનેશ પોલીસના સકંજામાં: જામકંડોરણાના રામપર ગામનો બનાવ

રાજકોટ, તા.,૭: જામકંડોરણાના રામપર ગામની સીમમાં મજુરી કામ બાબતે થયેલ ઝઘડામાં ઉશ્‍કેરાયેલ પતિએ કુહાડી ઝીંકી પત્‍નીને પતાવી દીધી હતી. બનાવ બાદ નાસી છુટેલ પતિને પોલીસે સકંજામાં લઇ લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણાના રામપર ગામની સીમમાં મેઘાવળ જવાના રસ્‍તે વિપુલભાઇ ગીરધરભાઇ ચોવટીયાની વાડીમાં મજુરી કામ કરતા દિનેશ વાલીયાભાઇ બિલવાલ (આદીવાસી) (રહે. મૂળ ઘાટીયા આલુ ફળીયુ, તા.જી. જાંબુવા, એમપી.) ને પત્‍ની રમીલાબેન સાથે ગત રાત્રે મજુરી કામ બાબતે ઝઘડો થતા દિનેશે ઉશ્‍કેરાઇ જઇ પત્‍ની રમીલાબેનના ગળાના ભાગે કુહાડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવના પગલે રાડારાડી થતા બાજુમાં સુતેલા અન્‍ય મજુરો જાગી જતા દિનેશ કુહાડીનો ઘા કરી નાસી છુટયો હતો.

ત્‍યાર બાદ વાડી માલીકે પોલીસને જાણ કરતા જામકંડોરણાના પીએસઆઇ વી.એમ.ડોડીયા તથા સ્‍ટાફે ઘટના સ્‍થળે દોડી જઇ મૃતકની લાશને પીએમ મટે જામકંડોરણા હોસ્‍પીટલે ખસેડેલ. પોલીસે આ બનાવ અંગે મૃતકના માસીના દિકરા માંજુ ડામોરની ફરીયાદ પરથી પોલીસે આરોપી દિનેશ સામે હત્‍યાનો ગુન્‍હો દાખલ કર્યો હતો.

દરમિયાન જામકંડોરણાના પીએસઆઇ ડોડીયાએ હત્‍યા કરી નાસી છુટેલ દિનેશને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

(4:09 pm IST)