Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

શહેરના ૧ લાખથી વધુ વેપારીઓને વ્‍યવસાય વેરાના વ્‍યાજમાંથી મળશે મુક્‍તિ

આવતા સપ્‍તાહથી અમલ : ૨૮ હજાર કરદાતાઓએ ૧૪ કરોડનો વ્‍યવસાય વેરો મનપાની તિજોરીમાં ઠાલવ્‍યો : ચાલુ નાણાકીય વર્ષમાં ૩૫ કરોડનો લક્ષ્યાંક

રાજકોટ તા. ૭ : રાજ્‍ય સરકાર દ્વારા વ્‍યવસાય ધારકોને વ્‍યાજ માફી યોજનાની જાહેરાત ગઇકાલે કરવામાં આવી છે ત્‍યારે રાજકોટના ૧ લાખથી વધુ વ્‍યવસાય ધારકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ ડિસેમ્‍બર-૨૦૨૨ સુધી વેપારીઓ લઇ શકશે.
રાજ્‍ય સરકારના નાણા વિભાગ દ્વારા ગઇકાલે જાહેર કરાયેલ પત્રમાં જણાવ્‍યા મુજબ જે વ્‍યવસાયો વ્‍યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્‍ટ પ્રમાણપત્ર ધરાવે છે પરંતુ તેઓએ કોઇ કારણોસર વ્‍યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાના કરદાતાઓને જેટલો વર્ષનો વ્‍યવસાય વેરો બાકી હોય તેઓને વ્‍યાજમાંથી મુકિત આપવામાં આવશે. તેમજ વ્‍યવસાય કરતી વ્‍યકિત કે સંસ્‍થાઓ જેઓ વ્‍યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્‍યવસાય વેરા એનરોલમેન્‍ટ નંબર ધરાવતા નથી તેવા વેરા સમાધાન યોજનાના સમય દરમિયાન વ્‍યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે તેને દંડમાંથી મુક્‍તિ આપવામાં આવશે.
સરકાર દ્વારા વ્‍યવસાય વેરા સમાધાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજનાનો લાભ વેપારીઓ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી લઇ શકશે.
રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનને આજદિન સુધીમાં ઇસી અને આરસીના અંદાજીત ૧ લાખ પૈકી ૨૮ હજાર વ્‍યવસાય કરદાતાઓ દ્વારા રૂા. ૧૪ કરોડની વ્‍યવસાય વેરાની આવક થવા પામી છે. રાજ્‍ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં આ યોજના અમલમાં આવી હતી. આ યોજના હેઠળ વ્‍યવસાય ધારકોને વ્‍યાજમાંથી મુકિતનો લાભ આપવામાં આવ્‍યો હતો. ત્રણ વર્ષ બાદ ફરી આ યોજના અમલ કરવામાં આવી છે. શહેરના ડોકટરો, વકીલો, આર્કીટેકટ, વેપારીઓ વગેરેનો વ્‍યવસાય ધારકોમાં સમાવેશ થાય છે. મનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા મુજબ આ યોજનાનો અમલ સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવશે.

 

(3:31 pm IST)