Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાજકોટમાં બિભાસ બંગાળી ભાન ભુલ્‍યોઃ નંબર બ્‍લોક કરી દેનાર મહિલાના ઘરમાં ઘુસી લાફા મારી બળાત્‍કાર

મહિલાએ ઘર બહાર નીકળવાનું કહેતાં વાળ પકડી માથુ ભીંતમાં ભટકાવી સોફા પર પછાડી દીધી : ગઇકાલે સવારે મહિલા એકલી હતી ત્‍યારે તેણીના માવતરના ગામના વતની બિભાસે ધસી આવી તું કેમ મારી સાથે વાત કરતી નથી, મારો નંબર શું કામ બ્‍લોક કરી દીધો? કહી બળજબરી આચરી ધમકી દઇ ભાગી ગયોઃ એ-ડિવીઝન પોલીસની તપાસ

રાજકોટ તા. ૭: શહેરમાં રહેતી મુળ બંગાળની એક પરિણીતાનો ફોન નંબર તેણીના માવતરના ગામના બંગાળી શખ્‍સે કોઇપણ રીતે મેળવી લીધા બાદ સતત તેણીને ફોન કરતાં અને પોતાની સાથે બોલવાનું કહેતાં આ મહિલાને વાત ન કરવી હોઇ તેનો નંબર બ્‍લોક કરી દેતાં એ શખ્‍સે ગઇકાલે સવારે મહિલા ઘરે એકલી હતી ત્‍યારે ઓચીંતા ઘરમાં ઘુસી જઇ તું કેમ મારો નંબર બ્‍લોક કરી દે છે, કેમ બોલતી નથી? કહી ઝાપટો મારી વાળ ખેંચી ભીંતમાં માથુ પછાડી ધક્કો દઇ સોફા પર પટકી દઇ બળજબરીથી દૂષ્‍કર્મ આચરી જો કોઇને વાત કરી છે તો તારા પતિને મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી જતાં પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ભોગ બનેલી મુળ બંગાળની પરિણીતાની ફરિયાદ પરથી    મુળ બંગાળના હરિપાલ તાબેના બંદીપુર ગામના બીભાસ દુર્લભ વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૩૭૬ (૧), ૪૫૦, ૫૦૬ (૨) મુજબ ઘરમાં ઘુસી થપ્‍પડો મારી બળજબરીથી દૂષ્‍કર્મ આચરી આ બનાવની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

ભોગ બનનારે પોલીસને જણાવ્‍યું છે કે  હું પતિ અને સંતાન સાથે રહુ છું. પતિ મજૂરી કરે છે. સાત વર્ષ પહેલા મારા લગ્ન થયા છે. પાંચેક વર્ષથી રાજકોટમાં રહુ છું અને મારુ પિયર બંગાળ ખાતે છે. હું ગુજરાતી ભાષા બોલી શકતી નથી પણ સમજી શકુ છું. મારા પિયર ગામનો વતની બિભાસ દુર્લભ મને ફોન કરતો હતો. મેં તેને ના પાડી છતાં તે વારંવાર ફોન કરતો હતો. આથી મેં તેનો નંબર બ્‍લોક કરી દીધો હતો. 

ત્‍યારબાદ તા. ૬/૧૦/૨૨ના પતિ કામે ગયેલા અને સંતાન અભ્‍યાસ માટે ગયેલ ત્‍યારે ઘરે હું એકલી હતી એ વખતે બિભાસ જે હાલ રાજકોટમાં રહે છે તે ઓચીંતો મારી ઘરે આવી ગયોહ તો અને  ‘તું મારી સાથે વાત કેમ નથી કરતી, મારો નંબર કેમ બ્‍લોક કરી દીધો છે?' તેમ કહેતાં મેં તેને મારે વાત નથી કરવી, તુ મારા ઘરેથી નીકળી જા નહિતર હું મારા પતિને ફોન કરીને બોલાવું છું તેમ કહેતા તે મને ગાલ પર થપ્‍પડો મારવા માંડયો હતો અને કહ્યું હતું કે તારા પતિને બોલાવી લે, હું તેનાથી ડરતો નથી. તે મને બ્‍લોક કેમ કર્યો? વાત શું કામ નથી કરતી? તેમ કહી ઝઘડો કરતાં હું દરવાજો ખોલવા જતાં મારા વાળ પકડી ખેંચીને મારું માથુ દિવાલમાં અથડાવતાં હું પડી ગઇ હતી. તે ફરીથી મને ગાલ પર થપ્‍પડો મારવા માંડયો હતો.

ત્‍યારબાદ મને બળજબરીથી સોફા પર પટકાવી મારી મરજી વિરૂધ્‍ધ જબરદસ્‍તી કરી દૂષ્‍કર્મ આચરી લઇ કોઇને વાત કરીશ તો તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ભાગી ગયો હતો. એ પછી મેં મારા પતિને મેં ફોન કરીને ઘરે બોલાવ્‍યા હતાં અને બાદમાં અમે પોલીસ પાસે પહોંચ્‍યા હતાં.

મહિલાની ઉપરોક્‍ત કેફીયતને આધારે એ-ડિવીઝન પીઆઇ કે. એન. ભુકણ, વિરભદ્રસિંહ તથા અશ્વિનભાઇએ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)