Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રૈયા રોડ પર ૩ ફરસાણના ધંધાર્થીને ત્‍યાંથી ૧૦.૫૮ કિલો વાસી મિઠાઇનો નાશ

મનપાની ફૂડશાખાના દરોડા યથાવત : ઠક્કર સ્‍વીટ એન્‍ડ નમકીન અને બાલાજી ફરસાણ માંથી ૪.૫ કિલો બોમ્‍બે હલવો તથા બાલકૃષ્‍ણ ફરસાણમાંથી ૬ કિલો બરફી ઝડપાઇ : પાંચ વેપારીને નોટીસ અપાઇ

રાજકોટ,તા.૬ :  વિજયા દશમીના તહેવારોમાં મીઠાઈનું વ્‍યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારમાં મીઠાઈ તથા ફરસાણના ઉત્‍પાદન/વેંચાણ કરતા સ્‍થળોનું ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. આ ચેકીંગ દરમ્‍યાન રૈયારોડપરના ૩ સ્‍થળોએ ૧૦.૫ કિલો વાસી મીઠાઇનો નાશ  કરવામાં આવ્‍યો હતો તેમજ પાંચ વેપારીઓને નોટીસ પાઠવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે રૈયા રોડ, સાધુવાસવાણી રોડ તથા  યુનિવર્સિટી રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, વરખ તથા યુઝડ કૂકિંગ તેલના કુલ ૧૯ નમૂનાનું સ્‍થળ પર ચેકિંગ કરવામાં આવેલ તથા ૦૫ને યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી છે.

 આ  દરમ્‍યાન (૧)ઠક્કર સ્‍વીટ એન્‍ડ નમકીન -સ્‍થળ : રૈયા રોડ - સ્‍થળ પર સંગ્રહ કરેલ ૨.૫ કિલો વાસી બોમ્‍બે હલવાનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. (૨)બાલાજી ફરસાણ માર્ટ -સ્‍થળ : રૈયા ચોકડી પાસે - સ્‍થળ પર સંગ્રહ કરેલ ૨કિલો વાસી બોમ્‍બે હલવાનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. (૩)બાલકળષ્‍ણ ફરસાણ -સ્‍થળ :  રૈયા રોડ - સ્‍થળ પર સંગ્રહ કરેલ ૬ કિલો વાસી બરફીનો નાશ કરવામાં આવેલ તથા યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવેલ  તેમજ કામધેનુ જલપાન -  રાધે ડેરી ફાર્મ -સ્‍થળ : રૈયા રોડ ખાતે પેઢીને સ્‍થળ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

(4:01 pm IST)