Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

જુની પેઢીના કર્મઠ પોલીસ અધિકારી અને વિશાળ મિત્ર વર્તુળના 'ધનિ' સી. કે. ચૌહાણની ચિરવિદાયઃ સાંજે અંતિમયાત્રા

વટભેર ફરજ બજાવનાર સ્વ.ચૌહાણે રોડ સેફટીની ખાસ તાલીમ એ સમયે મુંબઇમાં લીધી હતીઃ આજના ટ્રાફીક બ્રિગેડસએ શ્રી ચૌહાણે ઉભી કરેલી તત્કાલીન રોડ સેફટી પોલીસની ટીમ પાસેથી નિયમનના પાઠ ભણવા પડે!

રાજકોટ, તા., ૭: રાજકોટના પ્રમાણીક અને ફરજનિષ્ઠ પોલીસ અધિકારી સી.કે.ચૌહાણ(ઉ.વ.૮૦)નું આજ રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા સાંજે ૬ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નાનામોવા સ્માશાનગૃહે નિકળી હતી.

પોલીસ વિભાગમાં  ૧૯૬પમાં જોડાયેલા  સી.કે.ચૌહાણએ રાજકોટ શહેર ટ્રાફીક શાખામાં હેડ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેકટર, પોલીસ ઇન્સ્પેકટર તથા ડીવાયએસપી તરીકે દિર્ઘકાલીન ફરજ બજાવી લોકોના દિલ જીત્યા હતા. એક લોકપ્રિય અધિકારી તરીકે તેમને પ્રજાનો તેમજ પોલીસ કર્મચારીઓનો પ્રેમ મેળવ્યો હતો.શહેરના ટ્રાફીક નિયમન માટે હાલમાં પોલીસની મદદમાં રહેતા ખાનગી ટ્રાફીક બ્રિગેડસની હાલત જોઇ અનુભવી અધિકારીઓ ભારે ગ્લાની અનુભવે છે. જાણકારોનંુ કહેવું છે કે, શ્રી સી.કે.ચૌહાણે એ સમયે મુંબઇમાં રોડ સેફટી માટેની ખાસ તાલીમ લીધી હતી અને રાજકોટમાં ટ્રાફીક નિયમનની કડક અમલવારી શરૂ કરાવવાની સાથે સાથે રોડ સેફટી પુલીસ  (આરએસપી) નામે સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓની એક બ્રિગેડ ઉભી કરી હતી. જેને ટ્રાફીક નિયમનના પાઠ ભણાવી વાર-તહેવારે વ્યવસ્થા જાળવવા ટ્રાફીક પોલીસની સાથે તેમની મદદ લેવાતી હતી. સફેદ પેન્ટ, શર્ટ, રેડ કેપ, બ્લેક બુટમાં સજ્જ આરએસપી જે તે વખતે અલગ જ માભો પાડતી હતી. લોકો પણ ટ્રાફીક પુલીસની માફક જ આરએસપીની દોરવણી મુજબ અનુસરતા હતા. શ્રી સી.કે.ચૌહાણે પોલીસબેડામાં વટભેર ફરજ બજાવવા સાથે વિશાળ મિત્ર વર્તુળ પણ ઉભુ કર્યુ હતું. જે છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે ખડે પગે રહેતું હતું.

વિતેલા વર્ષના શહેરના લોકપ્રિય અને કર્મઠ પોલીસ અધિકારી સી.કે.ચૌહાણની આકસ્મીક વિદાય થતા તેમના પરીવારજનો અને વિશાળ મિત્ર વર્તુળ, ચાહકવર્ગ તથા પોલીસ બેડામાં ભારે શોકનું મોજુ ફેલાયું છે.

સદ્ગતની અંતિમયાત્રા આજે સાંજે ૬.૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન 'ઇન્દ્રજીત' બેંક ઓફ બરોડાવાળી શેરી, નરેન્દ્ર ગ્લાસવેર બાજુમાં, કાલાવડ રોડ, કૈલાસ નગર મેઇન રોડથી મોટામવા સ્મશાનગૃહે પહોંચી હતી. જેમાં વિશાળ સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને પ્રતિષ્ઠીત નાગરીકો જોડાયા હતા.

(4:09 pm IST)