Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ડીસીપી સાથેના ગેરવર્તન મામલે કુવાડવાના હેડકોન્સ્ટેબલ સસ્પેન્ડ

ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતી વેળાએ ડીસીપી રવિમોહન સૈનીએ ઠપકો આપતાં અયોગ્ય વર્તન કરતાં કડક પગલા લેવાયા

રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પોલીસ મથકના પોલીસ હેડકોન્સ્ટેબલને ડીસીપી સાથે ગેરવર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવતાં  પોલીસબેડામાં ચકચાર જાગી છે. હેડકોન્સ્ટેબલ ચાલુ વાહને ફોનમાં વાત કરતાં જોવા મળતાં અને હેલ્મેટ પણ પહેરી ન હોઇ ડીસીપી રવિકુમાર સૈનીએ ઠપકો આપતાં તેમની સાથે અયોગ્ય વર્તન કરતાં આ કડક કાર્યવાહી થયાનું જાણવા મળે છે.

બે દિવસ પહેલા કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના બામણબોર આઉટ પોસ્ટનું લોકાર્પણ હોઇ ત્યાં હાજરી આપવા માટે ડીસીપી રવિકુમાર સૈની જઇ રહ્યા હતાં. તે વખતે હેડકોન્સ. હેમરાજસિંહ પરમાર ચાલુ બાઇકમાં ફોનમાં વાત કરતાં નજરે ચડતાં અને હેલ્મેટ પણ પહેરી ન હોઇ ડીસીપી સૈનીએ કાર ઉભી રખાવી હેડકોન્સ્ટેબલને ઉભા રહેવા સુચના આપી હતી. આમ છતાં તેણે પોતાનું બાઇક હંકારી મુકયું હતું. એ પછી ડીસીપીની કાર આગળ થઇ હતી અને તેને અટકાવી ઠપકો આપ્યો હતો. આ વખતે હેડકોન્સ્ટેબલ ગમે તે કારણોસર ઉશ્કેરાઇ ગયેલ અને ઉધ્ધતાઇભર્યુ વર્તન કરતાં ડીસીપી સૈની સમસમી ગયા હતાં. ઉચ્ચ પોલીસ અધિકારી સુધી મામલો પહોંચતા તાકીદે તપાસ કરાવી રવિવારે આ હેડકોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

(3:55 pm IST)