Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મહાપાલિકા ઉદ્યોગો - ખેડુતોને ભૂગર્ભ ગટરનું શુધ્ધ કરાયેલુ પાણી વેચશેઃ ટેન્ડરો પ્રસિધ્ધ

૪ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ થતાં ૧૧૫ એમ.એલ.ડી. પાણીને વેચવામાં આવશેઃ ઉદ્યોગો માટે દર ૧૦૦૦ લી.ના રૂ. ૧૫.૭૩ની અપસેટ કિંમતઃ ખેડુત મંડળીઓને દર વર્ષે પ્રતિ હેકટર રૂ. ૨૦.૩૧ હજાર (વહેણ કેનાલ માટે) નો ભાવ તથા વહેણ કેનાલ વગર માત્ર લીફટીંગથી પ્રતિ હેકટર પ્રતિવર્ષના રૂ. ૬.૬૭ હજારની કિંમત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરની ભૂગર્ભ ગટરોનું ગંદુ પાણી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરી અને તેનો ઉદ્યોગો તથા ખેતી માટે ઉપયોગ કરવા માટે હવે આ શુધ્ધ કરાયેલ ભુગર્ભ ગટરનું પાણી વેચવાનો આગામી ટુંક સમયમાં પ્રારંભ થનાર છે. આ માટે ટેન્ડરો પણ પ્રસિધ્ધ થઇ ગયા છે.

આ અંગે ટેન્ડરમાં જણાવેલ વિગતો મુજબ રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય અને ખુબ જ ઝડપથી વિકસતુ શહેર છે. શહરેના ઝડપી વિકાસની સાથે વધતી જતી વસ્તીની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે પીવાલાયક શુધ્ધ પાણીનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવાને બદલે અન્ય ઉપયોગ માટે ટ્રીટેડ વેસ્ટ ઉપયોગ કરવામાં આવે તો પીવાલાયક એવા શુધ્ધ અને કિંમતી  પાણીની બચત થઇ શકે તે માટે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધીકરણ થતાં ગંદા પાણી (ટ્રીટેડ વેસ્ટ વોટર)ના પુનઃ વપરાશ (રીયુઝ) કરવાના હેતુથી સિંચાઇ તથા ઔદ્યોગિક  હેતુ માટે ટ્રીટેડ વેસ્ટ વોટર આપવા દર નિયત કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલીકા  દ્વારા ભુગર્ભ ગટર યોજના હેઠળ એકત્ર થતા ગંદા પાણીની શુદ્ધિકરણ માટે શહેરમાં હાલ કુલ પાંચ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસ.ટી.પી.) કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલીકા પાસે હાલ નીચે દર્શાવેલ વિગતે ટ્રીટેડ સુએજ કવોલીટી ધરાવતો અંદાજે ૧૧૫ એમ.એલ..ડી. જેટલો ટ્રીટેડ વેસ્ટ વોટરનો જથ્થો પુનઃ વપરાશ (રીયુઝ) માટે ઉપલબ્ધ થઇ શકે તેમ છે.

જેમા રૈયાધાર પ્લાન્ટમાંથી ૧૫ એમ.એલ.ડી. , ગવરીદળમાંથી ૧૫ એમ.એલ.ડી., કોઠારીયામાંથી ૫ એમ.એલ.ડી, માધાપર ખાતેથી ૪૫ એમ.એલ.ડી. પાણી કુલ ૧૨૫ એમ.એલ.ડી. પાણી રી-યુઝ માટે વેચાશે.

ઉપરોકત ટ્રીટેડ વોટર ઉદ્યોગોને પ્રતિ ૧૦૦૦ લીટર ૧૫.૭૩ની અપસેટ કિંમત રાખીને ટેન્ડર પ્રસિધ્ધ થાય છે.

જ્યારે ખેડુત મંડળીઓને દર વર્ષે પ્રતિ હેકટર રૂ. ૨૦.૩૧ હજારની અપસેટ કિંમતથી વહેણ કેનાલ વગરના ખેડુતોને પ્રતિ હેકટર પ્રતિ વર્ષના રૂ. ૬.૬૭ હજારની અપસેટ કિંમત રાખીને ટેન્ડરો પ્રસિધ્ધ થયા છે.

(3:34 pm IST)