Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

કાલે કંકણ દ્વારા 'મા રમે સપાખરૂ રંગતાલી' ભાતિગળ ગરબા પિરસાશે

સરગમ કલબ - ગેલેકસી ગ્રુપ - શ્રી હંસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે નોખો અનોખો કાર્યક્રમ : સૌપ્રથમ વખત ૧૩ તાલી સપાખરૂ રાસનો પ્રથમ પ્રયોગ : માંડવડી ગરબો, દિવા જાગ ગરબો, ઘંટરાવ, તલવાર, કરતાલ, ટિપ્પણી રાસડો વિ.રાસ જમાવટ કરશે : ૮૦ દિકરીઓ દ્વારા કુલ ૧૪ રાસ રજૂ થશે : રાત્રે પાસ વિતરણ : અકિલા ન્યુઝ ડોટ કોમના ફેસબુક પેઈજ ઉપર સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે

રાજકોટ, તા. ૭ : ગુજરાત - ભારતના ગૌરવ સમાન વિશ્વ ફલક પર ગરબાને ગૌરવાંતિત કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત 'કંકણ' સંસ્થા રાજકોટ દ્વારા આવતીકાલે દશેરા તા.૮ના મંગળવારે રાત્રીના ૯ કલાકે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે 'માં રમે સપાખરૂ રંગતાળી' કાર્યક્રમની પ્રસ્તુતિ થનાર છે.

શ્રી સરગમ કલબ રાજકોટ ગેલેકસી ગ્રુપ અને શ્રી હંસ એજ્યુકેશન ટ્રસ્ટ નિર્મિત આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય આરતી - પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, લાખાભાઈ સાગઠીયા (ધારાસભ્ય-રાજકોટ), અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ ઉદ્યોગપતિ)ના હસ્તે થનાર છે. સમગ્ર કાર્યક્રમને કિરણભાઈ પટેલ, ડો.અલ્પનાબેન ત્રિવેદી, સુરેશભાઈ નંદવાણા તેમજ મનીષભાઈ માદેકાનો અનેરો સહયોગ અને શુભેચ્છા રહ્યા છે. સમગ્ર કાર્યક્રમને કંકણ પ્રેરણાસ્ત્રોત હંસદેવજી સાગઠીયા અને ડો.ઘનશ્યામ જાગાણીએ આર્શીવાદીત કર્યો છે.

માં રમે સપાખરૂ રંગતાળી કાર્યક્રમમાં પ્રાચીન ગરબા ગરબી રાસ રાસડા અર્વાચીન, પ્રયોગાત્મક તેમજ શાસ્ત્રીય ગરબાઓ જેવા કે માથા પર માટીનો ગરબો, માંડવડી ગરબો, દીવા - જાગ ગરબો, ચીરમી ગરબો - મંજીરાલ) કંકણ સર્જીત ઘંટારવ, કરતાલ - રામસાગર રાસડો, ટિપ્પણી રાસડો, વિંઝણા રાસ, છત્રી - રૂમાલ રાસ, મટુકી - ઘડો - બેડા રાસ, કન્ટેમ્પરરી ગરબો, હુડો - હમચી - ટીટોડો રાસ, તલવાર રાસ, ધુપેડીયા ગરબો ઉપરાંત વિશ્વમાં પ્રથમ વખત કંકણ નવસર્જીત માતાજીનું સપાખસ ગરબો જેમાં ૧૩ તાલીનો પ્રયોગ કંકણ કલાકારો માથા પર માતાજીની મૂર્તિઓ સાથે છુટા હાથે રમી પ્રસ્તુતિ કરશે.

'માં રમે સપાખરૂ રંગતાળી' કાર્યક્રમનું સંચાલન દૂરદર્શન રાજકોટ કાર્યક્રમ અધિકારી તેમજ જાણીતા હાસ્ય કલાકાર સંજય હંસદેવ સાગઠીયા કરનાર છે. કાર્યક્રમનું સહનૃત્ય નિર્દેશન કંકણ ગ્રુપ લીડર ટવીંકલ જાગાણી, ઉર્વી ભાગ્યોદય, યેશા કીકાણી, ઝલક પંડ્યાએ કર્યુ છે. કાર્યક્રમ સંકલન, કલ્પન, નૂત્ય નિર્દેશન, સંચાલિકા, સંસ્થાપિકા, નૃત્યનિર્દેશિકા કલાધરીત્રી સુશ્રી સોનલબેન હંસદેવજી સાગઠીયાએ કર્યુ છે.

વિશ્વના દેશોમાં ભારતીય નૃત્ય કલાનું આદાન પ્રદાન કરતી આઈસીસીઆર ઈન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રીલેશન્સ અન્ડર મીનીસ્ટ્રી ઓફ એકસટર્નલ અફેર્સ - દિલ્હી માન્ય કંકણ કલાસંસ્થાનો કાર્યક્રમમાં ગરબાપ્રેમી આરાધકોને કેતન મહેતા તેમજ આર્કીટેકટ નીલેશ ભોજાણીએ આમંત્રીતો માટેના જ કાર્યક્રમમાં આવકાર્યા છે.

આમંત્રિતોએ આજે સોમવારે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતેથી શાસ્ત્રી મેદાન સામેથી સાંજે ૯ કલાકે આમંત્રણ કાર્ડ રૂબરૂ મેળવી લેવા જણાવાયુ છે.

તસ્વીરમાં કંકણ સહનૃત્યનિર્દેશકો ઉર્વી ભાગ્યોદય, સ્તુતિ પંડ્યા, યેશા કીકાણી, મીરા નીરંજની સાથે કંકણ માં આનંદમયી તલવાર શકિતરાસડાના કલાકારો નજરે પડે છે.

(3:32 pm IST)