Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ...

રાજકોટમાં અત્યાધુનિક ઢબે ગાંધી જીવન દર્શન કરાવતુ જબ્બર પ્રદર્શન

દેશમાં એક પ્રદર્શન આસામના ગૌહાટીમાં, બીજુ રાજકોટમાં: સરકાર અને મહાનગરપાલિકા દ્વારા ગાંધી મ્યુઝિયમમાં તા.૧૨ થી ૧૮ આયોજનઃ પ્રવેશ વિનામૂલ્યે: ગાંધીજી કોઇ વ્યકિત નહિ, વિચાર હતા, માનવ જાતના અસ્તિત્વ સુધી હંમેશા ગાંધી વિચારો પ્રસ્તુતઃ ડો.ધીરજ કાકડિયા

રાજકોટ, તા. ૭ :. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ.સ. ૨૦૧૪માં સત્તાના સૂત્રો પહેલીવાર સંભાળ્યા ત્યારે જ જાહેરાત કરી હતી કે મહાત્મા ગાંધીના ૧૫૦ વર્ષથી ૨૦૧૯માં દેશભરમાં દબદબાભેર ઉજવણી કરાશે. છેલ્લા એક વર્ષથી આ દિશામાં ચાલી રહેલી સઘન કાર્યવાહીના નિચોડરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા હાલ દેશભરમાં વિવિધ આયોજનો ચાલી રહ્યા છે. રાજકોટમાં તા. ૧૨ ઓકટોબરથી ૧૮ ઓકટોબર, ૨૦૧૯ દરમ્યાન આધુનિકતમ ટેકનોલોજી દ્વારા રાજકોટમાં ગાંધીજીવન અને ગાંધીકવનનુ દર્શન કરાવાશે. મંત્રાલયના ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડિયા (ભૂતપૂર્વ મનોરંજન કમિશનર, ગુજરાત સરકાર) સાથે આ અંગે અકિલાએ ખાસ વાતચીત કરી હતી. પ્રસ્તુત છે કેટલાક અંશ.

પ્રશ્ન (૧): દેશભરમાં આવા નવીનતમ ટેકનોલોજી સાથેના ગાંધી પ્રદર્શનના કેટલા કાર્યક્રમો મંત્રાલય દ્વારા યોજાયા છે ?

જવાબઃ દેશભરમાં દરેક વ્યકિતને ગાંધીજીવન દર્શન ડિજીટલ મીડીયાના માધ્યમથી કરાવી શકાય તેવા ઉદેશથી ૨૧ વિશાળ અને ૨ અતિવિશાળ (મેગા) પ્રદર્શનનુ આયોજન કરાયુ છે. ઉત્તરપૂર્વમાં ગૌહાટી અને સૌરાષ્ટ્રમાં રાજકોટની અતિવિશાળ ગાંધી પ્રદર્શન માટે કેન્દ્ર સરકારે પસંદગી કરાઈ છે.

પ્રશ્ન (૨): રાજકોટની પસંદગી કેમ ? આ પ્રદર્શન કયારે, કયાં અને કયા સમયગાળા દરમિયાન યોજાશે ? પ્રદર્શન માટે પ્રવેશ ફી છે ખરી ?

મહાત્મા ગાંધીએ બાળપણ રાજકોટમાં વિતાવ્યુ હોવાથી આ સ્થાનનું વિશેષ મહત્વ છે. મારા વિભાગ Regional Outreach Bureau અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુકત રીતે નક્કી કર્યા મુજબ આ મહાપ્રદર્શન આશરે ૧૦૫૦૦ ચોરસ ફીટ વિસ્તાર જવાહર રોડના ગાંધી મ્યુઝિયમના પ્રાંગણમાં યોજાશે. મહાપ્રદર્શન તા. ૧૨-૧૦-૨૦૧૯થી તા. ૧૮-૧૦-૨૦૧૯ સુધી સવારના ૧૦ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ચાલશે.  આના માટે કોઈ પ્રવેશ ફી નથી. નિઃશુલ્ક રાખવાથી બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ શકશે.

(૩) પ્રશ્નઃ પ્રદર્શનમાં કઇ વિષયવસ્તુને આવરી લેવાઇ છે?

જવાબઃ અત્યાનુધિક Interactive Devices ના માધ્યમથી મહાત્મા ગાંધીના જીવન,ફિલસુફી અને આદર્શોને Digital Intective Displey દ્વારા પ્રદર્શિત કરાશે. ઉપરાંત LED Screens, Auqumented Reality,Virtual Reality, 3-D Holograms, અને Simulation ના માધ્યમથી ગાંધીચરિત્રોને તેમજ ગાંધીવિચારોને મનોરંજક રીતે પીરસવામાં આવશે. ઉપરાંત મહાત્મા ગાંધીની કલ્પનાના ''આદર્શ ગ્રામ (Model Village)''ની પ્રસ્તુતિ પણ લોકો નિહાળી શકશે.

(૪)પ્રશ્નઃ આપ શું માનો છો હાલની પેઢી ગાંધીવિચારોથી દૂર થતી જાય છે?

જી,ના હું સમજું છું કે ગાંધી કોઇ વ્યકિત ન હોતા એક વિચાર હતા. એ વિચાર એટલે શાશ્વત, સનાતન મૂલ્યોનો વિચાર. જયાં પણ સત્કાર્ય થાય, સારા વિચારોનું સેવન થાય તે ગાંધીવિચારની જ અભિવ્યકિત છે. ગાંધીજીએ કયારેય આદર્શવાદનો અંચળો ઓઢયો ન હતો. એમના વિચારો વાસ્તવવાદી અને વ્યવહાર હતા. આંતરિક શકિતને જાળવનારા હતા એટલે આ વિચારોનો કોઇ કાલાવધિમાં કેદ કરી શકાય નહિ. જયાં સુધી માનવનીતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ગાંધી વિચારો હમેશા પ્રસ્તુત રહેવાના જ છે આપણા પ્રધાનમંત્રી વારંવાર કહે છે કે ગ્લોબલ વોર્નીગ જેવી વૈશ્વિક સમસ્યા હોય કે પછી સમાજજીવનની સ્થાનિક સમસ્યાઓ દરેકનો ઉકેલ ગાંધીવિચારમાં છેજ.

(૫) પ્રશ્નઃ આ મહાપ્રદર્શનને સૌરાષ્ટ્રની જનતા તરફથી કેવા પ્રતિસાદની આપ અપેક્ષા રાખો છો?

આ પ્રદર્શનના માધ્યમથી ગાંધીવિચારને જાણવા, માણવા અન અપનાવવા બાળકો વિશેષ રૂચિ દાખવશે એવું મારૂ માનવું છે. શાળાઓના આચાર્યો, સંચાલકો જો બાળકોને મુલાકાત કરાવે તો વિશેષ ફળદાયી નીવડે. આમજનતાને પણ આ પ્રદર્શનથી ગાંધીજીવન અને ગાંધીકવન રસપ્રદરૂપે જાણવા મળશે એટલે મોટી સંખ્યામાં લોકો લાભ લેશે તેવું અમારા વિભાગનું અનુમાન છે. બુધ્ધિજીવીએ  ગાંધીવિચારોને પરિસંવાદ તેમજ વિચારગોષ્ઠિ માધ્યમથી વાગોળે તેવું આયોજન વિચારાઇ રહ્યું છે.(૧.૩)

(11:59 am IST)
  • બગદાદના ગવર્નરે આપ્યું રાજીનામુ : ઇરાકમાં વિરોધ પ્રદર્શન યથાવત : ઇરાકમાં સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે બગદાદના ગવર્નર ફલાહ અલ જજેરીએ રાજીનામુ આપ્યું : ઇરાકમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 113 લોકોના મોત : 4000થી વધુ લોકો ઘાયલ access_time 1:04 am IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST

  • કેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST