Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

સોની બજારનો બંગાળી કારીગર ૫૩.૧૬ લાખનું સોનુ લઇ ફરાર

છેતરાયેલાઓમાં ૩ વેપારીઓ બંગાળના રફિકઆલમ શેખ, ઘનશ્યામ જ્વેલર્સવાળા કલ્પેશભાઇ પાલા અને કુશલભાઇ રાધનપરાનો સમાવેશઃ સોની બજાર ગધીવાડમાં દૂકાન ખોલી કામ કરતો સુરજીત દાગીનાના ઓર્ડર આપી ડિલીવરી મેળવી લીધા બાદ પૈસા ચુકવ્યા વગર દૂકાન-ઘરને તાળા મારી રફૂચક્કરઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો : છેતરપીંડી કરી ભાગી ગયેલા સુરજીતની તસ્વીર ફરિયાદીએ આપી હતી

રાજકોટ તા. ૭: સોની બજારમાંથી અવાર-નવાર બંગાળી કારીગરો વેપારીઓનું સોનુ લઇ છનનન થઇ જતાં હોવાના કિસ્સા અગાઉ બની ચુકયા છે. વધુ એક વખત બંગાળી કારીગર પોતાના જ વતનના બંગાળી વેપારી તથા બે સોની વેપારીને સોનાના દાગીનાના ઓર્ડર આપી આ દાગીના મેળવી લઇ પૈસા પછી મોકલી આપશે તેવો વિશ્વાસ આપી ઠગાઇ કરી કુલ રૂ. ૫૩ લાખ ૧૬ હજારનું સોનુ લઇ નોૈ દો ગ્યારહ થઇ જતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઠગાઇના આ મામલે એ-ડિવીઝન પોલીસે મુળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાના હલ્દી નાવપડા ગામના વતની અને હાલ લક્ષ્મીવાડી મેઇન રોડ પર સાગર એપાર્ટમેન્ટમાં  ફલેટ નં. ૨માં પહેલા માળે રહેતાં તથા સોની બજાર સવજીભાઇની શેરીમાં પાટડીયા મેન્શનમાં દુકાન નં. ૩માં રિઝવાન ગોલ્ડ આર્ટ એન્ડ જ્વેલરી નામે સતર વર્ષથી સોની કામની મજૂરી કરતાં રફિકઆલમ માતાઝુરરહેમાન શેખ (ઉ.૩૨)ની ફરિયાદ પરથી મુળ બંગાળના મેદીનાપુર જીલ્લાના નબીન મનુયા ગામના વતની સુરજીત શંભુનાથ પોરીયા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. સુરજીત નામનો આ બંગાળી કારીગર ફરિયાદી તથા અન્ય બે વેપારીઓનું મળી કુલ રૂ. ૫૩,૧૬,૦૦૦નું ૧૩૨૯ ગ્રામ સોનુ વિશ્વાસ કેળવી દાગીના બનાવવાના બહાને લઇ ગયા બાદ સોનુ લઇ ભાગી ગયાનો આરોપ મુકાયો છે.

રફિકઆલમ શેખે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું સતર વર્ષથી સોનાના દાગીના તૈયાર કરવાનું મજૂરી કામ કરુ છું. ૨૦/૮/૧૯ના સાંજે ચારેક વાગ્યે હું મારી દૂકાને હતો ત્યારે અમારા વતનનો કારીગર સુરજીત પોરીયા જે સોનીબજાર ગોપાલ શેરી દરબારગઢમાં રહેતો હતો તે આવ્યો હતો અને મને ૨૪૩ ગ્રામ સોનાની કાનની બાલી બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. સુરજીત ગધીવાડ ક્રિષ્ના ચેમ્બરમાં ત્રીજા માળે દૂકાન  નં. ૩૧૫માં પોતાનો ધંધો કરતો હતો. સુરજીત સાથે અગાઉ પણ મેં ઘરેણા બનાવવાની લેવડ-દેવડ કરી હોઇ જેથી તેના પર વિશ્વાસ હતો. બાલી બનાવવાનો ઓર્ડર આપ્યા પછી ૩૧/૮ના સુરજીત મારી દૂકાને આવ્યો હતો ત્યારે હું દૂકાને નહોતો જેથી તે જતો રહ્યો હતો. રાતે સાડા દસેક વાગ્યે પાછો આવ્યો હતો ત્યારે હું હાજર હતો.

તેણે બાલીનો જેટલો માલ તૈયાર હોય એ આપી દો તેમ કહેતાં મેં પેમેન્ટનું પુછતાં તેણે સોમવારે એટલે કે તા. ૧/૯ના આપી દઇશ તેમ કહ્યું હતું. આથી મેં તેને સોનાની કાનની બાલી ૨૪૩ ગ્રામ રૂ. ૯,૪૭,૦૦૦ના દાગીના આપી દીધા હતાં. બીજા દિવસે ૧/૯ના સુરજીતને ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. જેથી તેની ગધીવાડની દૂકાને જઇ તપાસ કરતાં ત્યાં દૂકાન બંધ દેખાઇ હતી. તેના ઘરે પણ તે મળ્યો નહોતો. આસપાસમાં તપાસ કરતાં એક ભાઇએ કહ્યું હતું કે તે વહેલી સવારે પોતાના વતનમાં જવાનું કહીને નીકળી ગયો છે.એ પછી સોની બજારમાં તપાસ કરતાં અને બીજા બંગાળી માણસો વિરૂધ્ધ તપાસ કરતાં ખબર પડી હતી કે બીજા બે વેપારી સોની બજારના ઘનશ્યામ જ્વેલર્સવાળા કલ્પેશભાઇ અરવિંદભાઇ પાલાનું રૂ. ૬,૮૫,૦૦૦નું ૧૭૧ ગ્રામ સોનુ તથા કુશલભાઇ મહેન્દ્રભાઇ રાધનપરાનું રૂ. ૩૬,૬૦,૦૦૦નું ૯૧૫ ગ્રામ સોનુ પણ લઇ ગયો છે. સુરજીતના ભાઇ શાંતનુ સાથે ફોનમાં વાત કરતાં તેણે પોતે બધાને સોનુ પરત અપાવી દેશે તેવી ખાત્રી આપી વાયદા આપ્યા હતાં. પરંતુ આજ સુધી સોનુ પરત ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી છે. સુરજીત કુલ ત્રણ વેપારીનું રૂ. ૫૩,૧૬,૦૦૦નું સોનુ પૈસા પછી મોકલાવી દેશે તેમ કહી વિશ્વાસ આપી લઇને ભાગી ગયો હોઇ પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં એએસઆઇ આર. આર. સોલંકીએ ગુનો નોંધતા વિશેષ તપાસ ડી. સ્ટાફના પીએસઆઇ એસ.વી. સાખરા અને ટીમે હાથ ધરી છે. (૧૪.૮)

(3:53 pm IST)