Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

રાધેક્રિષ્ના સોસાયટીમાં પોલીસ કર્મચારી પર હુમલોઃ મકાન ખાલી કરાવવા મથતા શખ્સો સામે મોરચો

પોલીસમેન પોતાના બંધ મકાને આટો મારવા ગયા ત્યારે કોઇ હાજત કરી ગયું હોઇ પુછતાછ કરવા જતાં હુમલોઃ સસ્તામાં મકાન પડાવવા ઇચ્છતી ટોળકીના સાગ્રીતોની સંડોવણીનો આક્ષેપઃ પોલીસમેન, રહેવાસીઓ યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યા

રાજકોટ તા. ૭: શહેરના યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી હોસ્પિટલ સામે આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ધરાવતાં અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પીસીઆરમાં ફરજ બજાવતાં પોલીસમેન પર કેટલાક શખ્સોએ હુમલો કરી માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમના પર હુમલો થયો એ પોલીસમેન તથા રાધેક્રિષ્ના સોસાયટીના રહેવાસીઓ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા છે. આ સોસાયટીના રહેવાસીઓ પાસેથી સસ્તા ભાવે મકાન પડાવી લેવા મથતાં માથાભારે અને ભુમાફીયાની છાપ ધરાવતાં અમુક શખ્સોએ આ હુમલો કર્યાનો આક્ષેપ થઇ રહ્યો છે.

યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચેલા રાધેક્રિષ્ના સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે આ સોસાયટી સુચીતમાં આવે છે. લોકો વીસ વર્ષથી અહિ રહે છે. પરંતુ કેટલાક સમયથી કેટલાક ભૂમાફીયાઓ અમારી સોસાયટીના રહેવાસીઓને ધાકધમકીઓ આપી સસ્તા ભાવે મકાન ખરીદવા દબાણ કરી રહ્યા છે. આ મામલે અગાઉ પણ રહેવાસીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમજ ફરિયાદ પણ થઇ હતી. આ સોસાયટીમાં ગાંધીગ્રામમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી સવજીભાઇ હમીરભાઇ હુંબલનું પણ મકાન આવેલુ છે. સવજીભાઇએ અગાઉ મકાન ભાડે આપ્યું હતું. હાલ આ મકાન ખાલી પડ્યું હોઇ તેઓ મકાને આટો મારવા આવ્યા ત્યારે ફળીયામાં કોઇ હાજત કરી ગયું હોઇ નજીકમાં પડ્યા પાથર્યા રહેતાં શખ્સોને આ બાબતે પુછતાં ટોળાએ ભેગા થઇ સવજીભાઇ પર હુમલો કરી માર માર્યો હતો. બીજા લોકો ભેગા થતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. સવજીભાઇ અને સોસાયટીના રહેવાસીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને રજૂઆતો કરી હતી. મકાનો ખાલી કરાવવા મથતા શખ્સોએ આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હોઇ પોલીસ અધિકારી રજૂઆત સાંભળી રહ્યા છે. (૧૪.૧૦)

(3:46 pm IST)